“ભીડ હતી ઝાઝી, પણ એકલા હતા સૌ” – વાંચો આધુનિક પેઢીના જીવનનું વર્ણન કરતી સુંદર કવિતા.

0
772

નહોતો :

નગર તો હતું મોટું, ‘આવકારો’ નહોતો,

‘હોટલ’ ઘણી હતી પણ, ‘ઉતારો’ નહોતો.

શું ધંધો છે? શું કામ છે? પૂછ્યું એ બધાયે,

તકલીફ તો નથી કંઈ? પૂછનારો નહોતો.

દોડ હતી પદની, પૈસા ની, પ્રશંસાની,

હુંસાતુંસી હતી પણ, ‘હાશકારો’ નહોતો.

ગાડીઓ હતી ને, ચોકીદાર પણ હતા,

ફુલ હતા બાગે, ‘તુલસી ક્યારો’ નહોતો.

ભીડ હતી ઝાઝી, પણ એકલા હતા સૌ,

સાથે તો હતા, કોઈ નો ‘સથવારો’ નહોતો.

ચમક-દમક ઘણી હતી, રસ્તા -મકાન મોટા,

આંખ માં પણ કોઈની ‘ચમકારો’ નહોતો.

ભવ્ય હતા મંદિર, વિશાળ આશ્રમો,

છપ્પન-ભોગ હતા, ‘ભંડારો’ નહોતો.

થાનકો ઘણાં હતા ઇશ્વરના નામના,

ઇશ્વરની હાજરીનો કોઈ અણસારો નહોતો.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.