‘કેટલા પૈસા આપું, શેઠ?’
બાર રોટલી, ત્રણ વાડકી શાક અને દાળભાતનું ભરપેટ ભોજન કરી લીધા પછી અજાણ્યા જેવા લાગતા એક માણસે ગલ્લા ઉપર આવીને શેઠને સવાલ કર્યો..
કારણ એ હતું કે લોજની દિવાલ પર કે બીજે ક્યાંય ભોજનનો ભાવ લખ્યો નહોતો.
શહેરની લોજોમા તો ફીક્સના અને અનલિમિટેડ થાળીના કાળજે વાગે તેવા ભાવ લખે છે. જ્યારે અહીં તો ક્યાંય ભાવ જ લખ્યા નહોતા. એટલે હાથ ધોઇ, રૃમાલથી હાથ સાફ કરી ગ્રાહક થડા પાસે આવ્યો ને પૂછ્યું : ‘શેઠ, કેટલા પૈસા આપું?’
‘જુઓ સામે શું છે?’ શેઠે કહ્યું.
‘પેટી.’
‘માત્ર પેટી નથી..’
‘તો?’
‘ધર્માદા પેટી છે.
તમે ભરપેટ જમ્યા હોવ, અહીનું ભોજન ગમ્યું હોય ને તમારો આતમરામ રાજી થયો હોય તો જે નાખવું હોય, તે આ પેટીમાં નાખો.’
‘પણ ભાવ-બાવ..’
‘ભાવ ભોજનના હોય, પ્રસાદીના નહિ!
અહીં તો અમે ભગવાન ભોલેનાથના ભક્તોને પ્રસાદી આપીએ છીએ!
તમે જ બોલો, પ્રસાદીના પૈસા હોય ખરા?
બધું જ ભોલેનાથનું છે. લોજ પણ ભોલેનાથની છે, ખાનાર પણ ભોલેનાથનો છે ને ખવડાવનાર પણ ભોલેનાથનો છે..
‘તો પછી આમાં ભાવની ક્યાં વાત આવી?
ભોલેનાથ દ્વારા ભોલેની પ્રસાદી ભોળા ભક્તોને ખવડાવી, આમાં ભાવની વાત જ ન આવે, માટે નાખો પેટીમાં જે નાખવું હોય તે.’
બસ, વાત જ ભોલેનાથની. મહાદેવની. ભોલે ભંડારીની. ને વાત કરનાર છે ગટુ મહારાજ.
હા, ગલ્લા પર બેઠા છે લોજના માલિક ગટુ મહારાજ.
ભગવી ચાદર ઓઢી છે, કપાળમાં ત્રિપુંડ તાણ્યું છે, કંઠમાં રૃદ્રાક્ષની માળા ધારણ કરી છે.. એમનું તો એક જ કામ : ‘ખાવ.. ધરાઇ ધરાઇને ખાવ. ભોલે ભંડારી ખવડાવે છે.. ખાવામાં પાછા ન પડતા, ભાઈ
લોજનું નામ છે : ‘ભોલે ભંડારી ભોજનાલય!’
ભોલેનાથ ભોજન કરાવે છે, માટે પ્રેમથી ખાવ, ભાવથી જમો…! તમે ઓડકાર ખાશો, ને પ્રસન્ન થશે ભોલેનાથ!
ગટુ મહારાજ ચલાવે છે ભોજનાલય.. ગામમાં ઘર છે. ઘરમાં ગોરાણી છે, ગોદાવરી ગોરાણી! એય શિવજીનાં ભક્ત છે. સવારે નાહી-ધોઇ ભોલેનાથજીની અગિયાર માળાઓ કરવાની એટલે કરવાની. પચાસ વીઘાં જમીન છે. સોનું પાકે છે સોનું… પણ એક દિવસે શું થઇ ગયું કે ગટુ મહારાજે રાડ પાડી : ‘ગોદાવરી, ઓ ગોદાવરી!’
‘શું છે?’
‘જમીન તો છે, ને જજમાનવૃત્તિની કમાણીય સારી છે.. પણ સંતોષ નથી થતો ગોરાણી!’
‘કેમ?’
‘મનમાં થાય છે કે આ તો બધું મારા માટે કરું છું, પણ લોકો માટે પણ કંઇક કરું!’
‘મનેય એવું થાય છે.’
‘મને ભોલે ભંડારીએ સપનામાં આવીને કહ્યું કે : ‘ગટુ, તારા માટે નહિ, ભૂખ્યાં દુઃખ્યાં માટે કંઇક કર.’
મેં કહ્યું :’શું કરું, પ્રભુ? આજ્ઞાા કરો.’
‘બસ, એવું ભોજનાલય બનાવ કે જ્યાં સૌ ક્ષુધિત જનો પેટ ભરીને જમે. આપે તો લેજે, ના, ધર્માદા પેટીમાં નંખાવજે, ને ન નાખે તો મારા નામની રોજ એક માળા ફેરવવાનું કહેજે.’
‘વાહ, આ તો સરસ વાત છે.
કરી નાખો કંકુના.’
‘પણ ક્યાં?’
‘લો કરો વાત. રોડને અડીને આપણી જમીન તો છે. બાંધી દો ત્યાં ભોજનાલય. ને નામ રાખજો ભોલે ભંડારી ભોજનાલય.’
બસ, વાત પતી ગઇ. ઔર બાત બન ગઇ.
ભોલેનાથની જમીન પર ભોલેનાથની લોજ બની. ભોલે ભંડારી ભોજનાલય. લોકો આવે છે, જમે છે, ઓડકાર ખાય છે પછી થડે આવીને પૂછે છે ‘થાળીનો ચાર્જ?’
‘ચાર્જ? પેલી ધર્માદા પેટી છે. નાખો જે નાખવું હોય તે! નહિ નાખો તોય ચાલશે. ભોલેની રોજ એક માળા કરજો!’
પણ સૌ નાખે છે.. કોઇ મોં મચકોડતું નથી. એ જ પૈસાથી ભોજનાલય ચાલે છે. ભિખારીય ખાય છે, અને લખપતિય ખાય છે. શેઠ પણ જમે છે, ને નોકર પણ જમે છે… ધર્મદાપેટીમાંથી ઠીક ઠીક નીકળે છે. ઓછાય નીકળે ને ખાડોય પડે. પણ ગટુ મહારાજ કહે છે ‘ હું તો મારા ભોલેનો નોકર છું. એ બેઠો છે, ત્યાં મારે શી ચિંતા?’
ભોજન કરનારા વધતા જાય છે. પૈસા ઓછા નીકળે છે… છેવટે ગટુ મહારાજે દસ વીઘાં જમીન વેચી મારી. ‘ભોલેની જમીન હતી, ને ભોલે માટે વેચી મારી.. આમાં હું તો વાણોતર માત્ર છું!’ પણ પછી તો જમનારાઓની સંખ્યા વધતી ગઇ. રોજ હજાર, બે હજાર લોકો જમવા લાગ્યા. હવે ગટુ મહારાજની બધી જ જમીન વેચાઇ ગઇ!
હવે?
મેડીબંધ મકાન તો છે. એય ફટકારી દઉં! ને એમણે ગોરાણીને પૂછી જોયું ‘ગોરાણી, તને તો વાંધો નથી ને?’ ‘ના. તમે રાજી, તો હું રાજી, ને આપણે રાજી તો ભોલે રાજી, ફટકારી દો મકાનને.’
એક પટેલ સાથે સોદો થઇ ગયો પંદર લાખમાં…
બે દિવસમાં કાગળો પર સહીઓ કરવાની હતી.. છેલ્લો આધાર હતો. એય જતો રહેશે! જવા દો, ભાડેથી રહીશું.. પણ ભોલેની આજ્ઞાાનું પાલન તો જરૃર કરીશું… ગોરાણી પૂછી બેઠાં ‘પણ એ પછી ખાધ આવશે તો શું કરીશું?’
‘ચિંતા ભોલેનાથને. લોજ એની છે.. ચિંતા એને જ હોય ને?’
આ બધું હોવા છતાં ગટુ મહારાજની ભીતરમાં વિષાદ હતો. હવે ભોજનાલય શી રીતે ચલાવીશું? મકાનની રકમ તો છ મહિનામાં ખલાસ થઇ જશે. પછી? ભોલે, તું મારી કસોટી તો નથી કરતો ને?
બપોરે ગટુ મહારાજ ગલ્લા પર બેઠા હતા
ત્યાં જ એક સૂટેડ-બૂટેડ માણસ ગાડીમાંથી ઊતરીને ભોજનાલયમાં પ્રવેશ્યો ‘મહારાજ, આ પેટી જરા અહીં રાખો. જમ્યા પછી લેતો જઇશ.’
એ માણસ ભરપેટ જમ્યો.. અને પછી ક્યારે રવાના થઇ ગયો એનોય ખ્યાલ ન આવ્યો.. ગટુ મહારાજ રસોડામાં ગયા હતા, એ વખતે જ કદાચ જતો રહ્યો હશે. ગટુ મહારાજની નજર પેલી પેટી પર પડી.
મનમાં થયું : ‘ગયો તો ગયો પણ આ પેટીય ભૂલતો ગયો? ઓ ભોલેનાથ, આ તે તેણે કેવી ભૂલ કરી? આ પેટીનું હું શું કરું?’
પછી વિચાર્યું : ‘કદાચ પેટીમાંથી એનું નામ-સરનામું મળી આવે. જઇને આપી આવીશ. બીજું શું થાય?’
રાત્રે તેઓ પેટીને ઘેર લઇ ગયા. અંદરના ઓરડે જઇ ગોરાણીને બધી જ વાત કરી. પછી ‘જય ભોલે ભંડારી’ કહીને તાળું તોડી નાખ્યું ને ચકિત થઇ ગયા. અંદર બેહજાર બેહજારની નોટોની થપ્પીઓ ગોઠવાયેલી હતી. તેના ઉપર એક પત્ર પણ પડયો હતો. ગટુ મહારાજે પત્ર વાંચવા માંડયો.
લખ્યું હતું કે – મહારાજ, ચમકશો નહિ. મેં સ્વયં મારી ઈચ્છાથી અને ભોલેનાથના ઓર્ડરથી પેટી તમને આપી હતી અને સ્વેચ્છાએ જ પેટી ત્યાં મૂકીને નીકળી ગયો છું… તમે જે કરો છો, એ કદાચ આ દેશમાં કોઇ નહિ કરતું હોય.
મને જાણવા મળ્યું છે કે, આ ભોજનાલય ચલાવવા માટે તમે તમારી તમામ જમીન વેચી નાખી છે, ને હવે ઘર પણ બે દિવસમાં પરાયું થઇ જશે.
મહારાજ, હું નજીકના જ એક ગામનો વતની છું. વર્ષો પહેલાં એક સમયે હું બે દિવસનો ભૂખ્યો હતો. ખાવાના સાંસા હતા ત્યારે તમારા ભોજનાલયમાં હું જમ્યો છું, આ લાચાર પેટ ભર્યું છે.. પણ આજે હું બદલાઇ ગયો છું. ભોલેનાથે આજે મુંબઇ શહેરમાં મને અબજોપતિ બનાવી દીધો છે. મારા સ્વપ્નમાં પણ ભોલેનાથ આવ્યા હતા.. માત્ર મને તેમના થોડાક જ શબ્દો સંભળાયા હતા ‘કર્જ ઉતાર… બદલો વાળ.’ ને આજે હું એ કર્જ ઉતારવા આવ્યો હતો.
ગણી લો. આ પેટીમાં પૂરા દસ કરોડ રૃપિયા છે.
ઘર વેચવાની જરૃર નથી. મારું નામ હું તમને આપતો નથી. માત્ર ‘શિવશંકર’ કહેશો તોય ચાલશ.. પણ પ્લીઝ, ગટુ મહારાજ, ઘર ન વેચશો, અને નવી જમીન ખરીદી લો, ને ભોજનાલય ટનાટન ચાલુ રાખો. મારી શોધ ન કરશો… માત્ર મહાદેવના હુકમ ને ઓળખો… ચલાવો ભોજનાલય, ને મને મારું કરજ ઊતાર્યાનો સંતોષ લેવા દો….લો ત્યારે..જય મહાદેવ …જય ભોલે ભંડારી.
પતિ-પત્ની બેય મૌન બની ગયાં!
બોલવા માટે તેમની પાસે શબ્દો જ નહોતા!
મિત્રો……….આજે પણે પરમાત્મા સારા કર્મો નો હિસાબ કરવા કોઈ પણ સ્વરૂપે આવે જ છે… હરિ ૐ…..મારા વાલા
જય ભોલેનાથ
– અજ્ઞાત
(સાભાર પ્રતીક જોશી અમર કથાઓ ગ્રુપ)