એક ભક્ત માટે જયારે ભોલેનાથ બન્યા નોકર, સહન કરવા પડ્યા તેમણે આવા કષ્ટ, વાંચો કથા.

0
436

જાણો શું થયું જયારે ભક્ત માટે નોકર બનેલા શિવજીને ચુલ્હાના લાકડાંથી મારવામાં આવ્યા. આખા દેશમાં ભગવાન મહાદેવના ઘણા પ્રસિદ્ધ મંદિર આવેલા છે. અને તેની સાથે જોડાયેલી ઘણી રોચક કથાઓ પણ સાંભળવા મળે છે. ભોલેભંડારીનું એવું જ એક મંદિર બિહારના મધુબની જીલ્લાના ભવાનીપુર ગામમાં આવેલું છે, જે ઉગના મહાદેવ અને ઉગ્રનાથ મંદિરના નામથી ઘણું પ્રસિદ્ધ છે. એવી લોક માન્યતા છે કે, આ મંદિરમાં વિરાજિત ભગવાન શિવે સ્વયં મૈથીલી ભાષાના મહાકવિ વિદ્યાપતિના ઘરે નોકરી કરી હતી.

મહાકવિ વિદ્યાપતિ હિન્દી સાહિત્યની ભક્તિ પરંપરાના મુખ્ય કવિઓમાંથી એક છે, જેને મૈથીલીના મહાન કવિ તરીકે ઓળખવામાં આવે છે. તે ભગવાન શિવના ઘણા મોટા ભક્ત હતા. તેમણે ભગવાન શિવ ઉપર અનેક ગીતોની રચના કરી છે. માન્યતાઓ મુજબ, જગતવ્યાપી ભગવાન શિવ વિદ્યાપતિની ભક્તિ અને રચનાઓથી અતિ પ્રસન્ન થઈને સ્વયં એક દિવસ વેશ બદલીને તેમની પાસે જતા રહ્યા હતા.

તેમની સાથે રહેવા માટે ભગવાન શિવ વિદ્યાપતિના ઘરે નોકર બનવા માટે પણ તૈયાર હતા. તેમણે પોતાનું નામ ઉગના જણાવ્યું હતું. આમ તો કવિ વિદ્યાપતિ આર્થીક રીતે ઘણા સમૃદ્ધ ન હતા, એટલા માટે તેમણે ઉગના એટલે ભગવાન શિવને નોકરી ઉપર રાખવાની પહેલા તો ના કહી દીધી. પરંતુ તેમ છતાં પણ શિવજીના કહેવાથી માત્ર બે ટંકનું ભોજન આપવાની શરતે વિદ્યાપતિ તેમને નોકરી પર રાખવા માટે તૈયાર થઇ ગયા હતા.

એવી કથા છે કે, જયારે એક દિવસ વિદ્યાપતિ રાજાના દરબારમાં જઈ રહ્યા હતા, તો સખત ગરમી અને તાપથી વિદ્યાપતિનું ગળું સુકાવા લાગ્યું, પરંતુ આસપાસ પાણી ન હતું. આથી વિદ્યાપતિએ સાથે ચાલી રહેલા ઉગના (શિવજી) ને પાણી લાવવા માટે કહ્યું. ત્યારે શિવજીએ થોડે દુર જઈને પોતાની જટા ખોલી અને એક લોટો ગંગાજળ લઇ આવ્યા.

તે જળ પીતા જ વિદ્યાપતિને ગંગાજળનો સ્વાદ આવ્યો, તેમણે વિચાર્યું કે આ વન વચ્ચે આ જળ ક્યાંથી આવ્યું? ત્યાર પછી તેમને શંકા ગઈ કે ક્યાંક ઉગના પોતે ભગવાન શિવ તો નથી ને. પછી તેમણે શિવજીના ચરણ પકડી લીધા, આથી શિવજીએ તેમના વાસ્તવિક રૂપમાં આવવું પડ્યું. ત્યાર પછી શિવજીએ મહાકવિ વિધાપતિ સાથે રહેવાની ઈચ્છા દર્શાવી અને તેમણે જણાવ્યું કે, તે ઉગના બનીને જ તેમની સાથે રહેશે. તેમના વાસ્તવિક રૂપની કોઈને ખબર ન પડવી જોઈએ.

વિદ્યાપતિએ ભગવાન શિવની તમામ વાતો માની લીધી, પરંતુ એક દિવસ ઉગના દ્વારા કોઈ ભૂલ થવા પર કવિની પત્ની શિવજીને ચુલાના લાકડાથી મારવા લાગી ગયા. તે સમયે વિદ્યાપતિ ત્યાં આવી ગયા અને તેમના મુખમાંથી નીકળી ગયું કે, તે તો સાક્ષાત ભગવાન શિવ છે, અને તું તેમને મારી રહી છે.

વિદ્યાપતિના મુખમાંથી જેવી જ તે વાત નીકળી, કે ભગવાન શિવ અંતર્ધ્યાન થઇ ગયા. ત્યાર પછી પોતાની ભૂલ ઉપર પસ્તાવો કરતા કવિ વિદ્યાપતિ વનમાં શિવજીને શોધવા લાગ્યા. પોતાના પ્રિય ભગતની આવી દશા જોઇને ભગવાન તેમની સમક્ષ પ્રગટ થઇ ગયા અને તેને સમજાવ્યા કે, હું હવે તારી સાથે નથી રહી શકતો. પરંતુ ઉગનાના રૂપમાં તારી સાથે રહ્યો તેના પ્રતિક તરીકે હવે હું શિવલિંગના રૂપમાં તારી પાસે વિરાજમાન રહીશ. ત્યાર બાદ તે સ્થાન ઉપર સ્વયંભુ શિવલિંગ પ્રગટ થઇ ગયું.

હાલ જે મંદિર છે તેનું નિર્માણ વર્ષ 1932 માં થયું છે. તે ઉપરાંત એવું જણાવવામાં આવે છે કે, 1934 માં આવેલા ભૂકંપમાં આ મંદિરને કોઈ પણ નુકશાન થયું ન હતું. આજે આ મંદિરનું પરિસર ઘણું ભવ્ય બનાવી દેવામાં આવ્યું છે.

(આ કથા લોક વાયકા પર આધારિત છે.)

આ માહિતી ધ ડિવાઇન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.