“ભૂત” – માં વગરની દીકરીના જીવનનો કિસ્સો તમારા વિચાર બદલી દેશે.

0
959

ભૂત :

– માણેકલાલ પટેલ.

ભીખુએ કહ્યું : ” પૌરવી બેટા ! મહેમાન માટે પાણી લાવ જો ! ”

” વર્ષા તું લાવને? ”

ભીખુની પત્ની શારદા હસતા મોંઢે બોલી : ” પૌરવી આજે લેશન કરીને થાકી ગઈ છે અને વર્ષા તો ગમે તે કામ હોય તો હોંશેહોંશે જ કરે, હોં !”

રસોડામાં પોતું કરતી વર્ષાએ હોંકારો દેતાં કહ્યું :” હા કાકી, લાવું છું.”

અધ્ધર ખોસેલાં કપડાં સરખાં કરી વર્ષા પાણીના ગ્લાસ લઈને આવી .

એ વખતે પૌરવી વિડીયો ગેમ રમતી હતી.

મિલન અને રશ્મિ આજે રવિવાર હોઈ ભીખુના ઘરે મળવા માટે આવ્યાં હતાં.

ઘરકામ કરવું એ વર્ષા માટે રોજનું થઈ ગયું હતું. ગામડે ભીખુનાં ભાભીએ દુનિયામાંથી વિદાય લીધા પછી એ વર્ષાને અહીં ભણવા માટે લાવ્યો હતો.

પૌરવી બાર વર્ષની અને વર્ષા દશ વર્ષની હતી. બન્ને પિતરાઈ બહેનો વચ્ચે સારો મનમેળ પણ હતો.

એ બધાં વાતે ચઢ્યાં. વાતનો વિષય ભૂત હતો.

મિલને કહ્યું : ” ભૂત જેવું કંઈ હોતું નથી. ”

” સાવ એવું નથી. ” શારદા બોલી : ” મેં સાંભળ્યું છે કે કેટલાંક સારાં ભૂત…. ”

” સારાં ભૂત? ” કહી બધાં હસી પડ્યાં.

નાનકડી વર્ષા વિચારમાં પડી ગઈ. એના બાલ માનસમાં એક વિચાર આવ્યો : ” મમ્મી ! તું મને મૂકીને ક્યાં જતી રહી ! તું સારું ભૂત થઈને મારી ખબર લેવા તો આવ !”

અને એ રસોડામાં ચાનાં વાસણ ધોવા લાગી.

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગૃપ)