“ભુવન મોહન રૂપ” કવિતામાં રહેલું બાલકૃષ્ણના રૂપનું વર્ણન ખરેખર અદ્દભુત છે, એકવાર જરૂર વાંચજો.

0
408

વાળ ઘુઘરાળા, મુખે મુસ્કાન છે,

ભુવન મોહન રૂપ તારું કાન છે.

માથે મોરપિચ્છની શોભા ઘણી,

તુજ રૂપથી, આભૂષણોની શાન છે,

ભુવન મોહન રૂપ તારું કાન છે.

લલાટે શોભે તિલક ચંદન તણું,

ચમકતી આંખો, ને ભીને વાન છે,

ભુવન મોહન રૂપ તારું કાન છે.

ઉપવસ્ત્ર, બાજુબંધ, નીલાંબર ધર્યા,

‘દર્શન’ માં રત ધેનુ છે, એક ધ્યાન છે,

ભુવન મોહન રૂપ તારું કાન છે.

હસ્ત માં, બંસી ધરી, સોને મઢી,

ત્રિભુવન મોહિનીની તાન છે,

ભુવન મોહન રૂપ તારું કાન છે.

જે ચરણ કમલમાં, ઝાંઝર ધર્યા,

પામવાનું એમને અરમાન છે,

ભુવન મોહન રૂપ તારું કાન છે.

બંસી વટ, યમુના તટ, કદંબ વન-લતા,

બોલ કાના, ક્યાં આ તારું સ્થાન છે?

ભુવન મોહન રૂપ તારું કાન છે.

તારા દર્શન આવા બસ થાતાં રહે,

જોઈએ ક્યાં ‘મોક્ષ’ નું વરદાન છે,

ભુવન મોહન રૂપ તારું કાન છે.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)