એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.
એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે, લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ.
મેનેજરને બોલાવીને આદેશ આપ્યો, ”લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે. એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.”
મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ”તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ”કેમ એવુ? ” શેઠાણીએ કહ્યુ, ”ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે.” સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.
મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા.
નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ”ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે, એટલે તમે ચિંતા ન કરતા.” નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.
બોધ પાઠ :
મિત્રો, આપણે માણસોના હૃદય જોઇને નહી પરંતુ એના હોદ્દા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદ્દા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હૃદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી?
કવિ ઉમાશંકર જોશી રચિત આ પંક્તિઓ યાદ આવી ગઈ,
મોટાની અલ્પતા જોઈ થાક્યો.
નાનાની મોટાઈ જોઇ જીવું છું.
– વિનોદ વિહાર
(સાભાર ચીમન ભલાલા, અમર કથાઓ ગુપ)