સંતે સમજાવ્યું બીજાના હકનું અન્ન અને ધન કેમ ન લેવું જોઈએ, વાંચો આ નાનકડી સ્ટોરી.

0
636

મહારાષ્ટ્રમાં હરિનારાયણ નામના એક સંત હતા. તેમનો એક નાનકડો આશ્રમ હતો. ત્યાં તેમની પાસે ખેતી માટે થોડી જમીન હતી. તેમાં તે અન્ન ઉગાડતા અને તેમનું કામ ચાલી જતું હતું. હરિનારાયણજીનો એક નિયમ હતો કે, જે કોઈ તેમના આશ્રમમાં આવતું, તેઓ તેમને ભોજન જરૂર કરાવતા હતા. પોતાની સ્થિતિ અનુસાર તે કામ કરતાં હતા.

એક રાત્રે તેઓ સૂવા જતા હતા ત્યારે ઘરની બહારથી અવાજ આવ્યો, ‘મહારાજ, તમે જાગતા હોવ તો અમે આવ્યા છીએ, કૃપા કરીને બહાર આવો.’ તે રાત્રે વરસાદ પડી રહ્યો હતો. જ્યારે હરિનારાયણજી તેમની ઝૂંપડીમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે ત્રણ સાધુઓને તેમના દરવાજા પર ઉભેલા જોયા.

ત્રણે સાધુઓએ કહ્યું, ‘અમારે ભોજન જોઈએ છે.’ હરિનારાયણજીએ કહ્યું, ‘આજે સંયોગથી ભોજનની વ્યવસ્થા નથી. વરસાદને કારણે આજે હું ક્યાંય જઈ પણ ન શક્યો. તમે અહીં સૂઈ શકો છો, હું હમણાં તમારા માટે એટલું જ કરી શકું છું.’

એક સાધુએ કહ્યું, ‘તમારી આજુબાજુ ગામડાં છે, તમે ત્યાંથી ભોજન અને અન્ય વસ્તુઓ લઈને સંગ્રહ નથી કરી શકતા? જેથી આવા સમયે તે વસ્તુ કામમાં આવી શકે.’ હરિનારાયણજીએ કહ્યું, ‘હું ક્યારેય કોઈની પાસેથી કંઈ માંગતો નથી.’

સાધુએ ફરી કહ્યું, ‘તો પછી આ ઝૂંપડી અને આ આશ્રમ કેવી રીતે બંધાયો?’ હરિનારાયણજીએ કહ્યું, ‘મેં આ બધું મારી પોતાની મહેનતથી બનાવ્યું છે. હું કથા કરું છું, મને જે મળે છે, જેટલું મળે છે તેનાથી મેં આ બધું બનાવ્યું છે.’

બીજા સાધુએ પૂછ્યું, ‘તો પછી ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરો છો?’ હરિનારાયણજીએ કહ્યું, ‘હું ભજન ગાઉં છું, જપ કરું છું અને બદલામાં મને જે મળે છે તે માંથી હું ભોજનની વ્યવસ્થા કરું છું.’

હવે ત્રીજા સાધુએ પૂછ્યું, ‘તો પછી બાકીની વસ્તુઓની વ્યવસ્થાઓ કેવી રીતે થાય છે?’ હરિનારાયણજીએ કહ્યું, ‘ભગવાનના નામ પર ભગવાનના જોડે જ માંગું છું. આ મહેનતનું નામ છે ભક્તિ. હું જેટલી મહેનત કરું છું, તેટલું જ મને મળે છે. ગામ વાળાઓ પાસેથી એટલા માટે કઈ લેતો નથી જેથી તેમનું ધન અને તેમનું અન્ન તે લોકોને કામ આવે જે ખરેખર જરૂરિયાતમંદ હોય.

મારે શા માટે વધુ એકત્રિત કરવું જોઈએ? જે વ્યક્તિ મહેનત કર્યા વિના મેળવવા માંગતો હોય, તે એવા જમીનદાર જેવો હોય છે જે પોતે કંઈ કરતો નથી અને બીજા પાસેથી બધું લઇ લે છે.’ ત્રણેય સાધુ સંત હરિનારાયણની વાત સમજી ગયા.

પાઠ : આપણે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તે આપણે આપણી મહેનત દ્વારા મેળવવું જોઈએ. જેટલું આપણાં હકનું છે, આપણી મહેનતનું છે, ફક્ત એટલું જ લેવું જોઈએ, બીજાના હકનું અન્ન અને પૈસા ક્યારેય ન લેવા જોઈએ.