બિલેશ્વર, પોરબંદર જિલ્લો, ગુજરાત.
શ્રી બીલેશ્વર મહાદેવનો ઈતિહાસ :
પોરબંદર – ભાણવડ વચ્ચે એક એવું શિવ મંદિર આવેલું છે કે આ મંદિરમાં યદુકુળ ભૂષણ ભગવાન શ્રી કૃષ્ણ સાત મહિના સુધી રોકાયા હતા અને રાણી જાંબુવતી સાથે શ્રી બીલેશ્વર મહાદેવની પૂજા કરી હતી. બરડા ડુંગરમાં આવેલા આ મંદિરે ઘણા શિવ ભક્તો દર્શને આવે છે. કિલેશ્વર પાસે આવેલા ઝરણાને જેમ કિલગંગા કહેવાય છે તેમ બીલેશ્વર પાસે આવેલા ઝરણાને બીલગંગા કહેવાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ એકવાર ક્રોધાયમાન થયા અને દેવરાજ ઇન્દ્ર સાથે તેનું યુ ધથયું. આ યુ ધમાં ઇન્દ્રનો પરાજય થયો. નંદનવન માંથી પારિજાતનો છોડ લઇ ભગવાને સૂર્ય આથમતા સુધીમાં હાલના બિલેશ્વરમાં રોકાયા અને બરડા ડુંગરમાં પોતે ગંગાજી પ્રગટ કર્યા જ્યાં “બીલગંગા” નામે આજે પણ પાણીનો ધોધ વહે છે. બીલેશ્વર નું શિવલિંગ કુલ ૨૦ ફૂટનું છે. તેમાં સાડા સાત ફૂટનું શિવલિંગ બહાર છે ને બાકીનું જમીનમાં છે.
ભૂતકાળમાં મુસ્લિમ રાજાઓએ આ મંદિરે લુ ટ કરવા માટે આક્રમણ કર્યું હતું ત્યારે ભગવાન નંદીએ પોતાના નસકોરા માંથી ભમરા છોડ્યા હતા અને લશ્કરને ત્યાંથી ભગાળ્યું હતું. પરંતુ આ બધું શિવની આજ્ઞા વગર નંદીએ કર્યું હોવાથી શિવ કોપાયમાન થયા, દરેક શિવાલયોમાં જેમ નંદી મંદિરની અંદર હોય છે પણ અહીં બીલેશ્વર મહાદેવ મંદિરમાં નંદી મંદિરની બહાર છે.
ગુજરાતના હયાત જુના શિવમંદિરોમાનું બિલેશ્વર જુનું શિવમંદિર છે. પોરબંદર ના જેઠવા રાણાઓ બિલનાથ સેવક તરીકે ઓળખાતા અને જેઠવા રાજ તરફથી આ મંદિરને ઘણી મદદ રહેતી હતી.
અન્ય લોકવાયકા મુજબ જયારે અલાઉદ્દીન ખીલજી સોમનાથ મંદિર ભાંગીને બીલેશ્વર મંદિર લુ ટવા આવ્યો ત્યારે શિવલિંગ પાસેથી અસંખ્ય ભમરાઓ નીકળ્યા અને નંદી પણ મોતી ત્રાડ નાખીને મંદિર ની બહાર નીકળ્યો હતો અને લશ્કરને ભાગવું પડ્યું હતું. પછી નંદી પણ મંદિરની રક્ષા કરવા માટે કાયમને માટે બહાર જ રહ્યો.
આ મંદિરમાં મહાદેવની અખંડ જ્યોત રાખવાની વ્યવસ્થા નવાનગર (જામનગર) ના રાજવી શ્રી જામ રણજીતસિંહજીએ કરાવી હતી.
– સાભાર મુકુન્દરાય ધારૈયા (અમર કથાઓ ગ્રુપ)