બિલી (બિલી પત્ર અને વૃક્ષ) નાં આધ્યાત્મિક ફાયદા અને ઔષધિય ગુણ જેનાથી ઘણા લોકો છે અજાણ.

0
2874

બીલી વૃક્ષ અન્ય વૃક્ષની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તેમજ રાસાયણિક પ્રદૂષકો માટે ફિલ્ટર તરીકે પણ કામ કરે છે. બીલી એક ચમત્કારીક વૃક્ષ છે , કારણ કે વૃક્ષના દરેક ભાગ જેવા કે ફળો (કાચા અને પાકા બંને), પાંદડા, ફૂલ, બીજ, છાલ વગેરેમાં ફાયદાકારક પોષકતત્વો તથા બાયોએક્ટિવ સંયોજનો રહેલા છે. બીલી પોષકતત્વોથી ભરપૂર છે.

બીલીનું ઉદ્દભવસ્થાન એશિયા છે, જેમાં મુખ્યત્વે ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. ભારતમાં ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં બીલીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ વૃક્ષ બાગ બગીચાઓ, મંદિરના બગીચા, રસ્તાની બાજુ પર અને ઘરના વાડામાં ઉગાડવામાં આવે છે.

તાજેતરમાં, રાજય કૃષિ યુનિવર્સિટીઓ તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા બીલીની કેટલીક જાતો વિકસાવવામાં આવેલ છે. જેમાં પંત શિવાની, પંત અપર્ણા, પંત ઉર્વશી, પંત સુજાતા, નરેન્દ્ર બીલી 5, નરેન્દ્ર બીલી – 9, સી.આઈ.એસ.એચ. – બી – 1, સી.આઈ.એસ.એચ. – બી – 2 વગેરેનો સમાવેશ થાય છે.

આધ્યાત્મિક ફાયદા

બિલપત્ર ના પાન ને લક્ષ્મી નું રૂપ ગણાય છે. એને પોતા ની પાસે રાખવાથી ક્યારે પણ ધન ની ઉણપ નહી આવે.

(1) બિલીપત્ર નું ચમત્કારી ઝાડ દરેક મનોકામના પૂરી કરે છે. એટલું જ આ પાન ને ગંગાજળથી ધોઈ ને બજરંગબલી ને અર્પિત કરવાથી તીર્થો નો લાભ અને ફળ મળે છે.

(2) આ વિશે તુલસીદાસજી એ ભગવાન શ્રી રામ પાસે થી કહેવડાવ્યુ કે જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે. એ સપના માં પણ મને પામી શકે નહી.

(3) બિલીપત્ર ની મૂળ સફેદ દોરા માં પરોવી ને રવિવારે પગ માં પહેરવાથી રક્તચાપ, ક્રોધ અને અસાધ્ય રોગોમાં થી છુટકારો મળશે.

(4) બિલ્વપત્ર ને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્ર ના પૂજન પાન થી દરિદ્રતા નો અંત લાવી ને વૈભવશાળી બની શકાય છે.

(5) ઘર માં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. અને તે સ્થળ તીર્થ સમાન ઘણાય છે.

(6) બિલપત્ર ના પાન ને લક્ષ્મીનું રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.

(7) બિલ્વપત્ર ભગવાન શિવ ને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શિવ ને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્ર ના પાન ની એ વિશેષતા છે કે આ ત્રણ ના સમૂહ માં જ મળે છે.

(બિલ્વપત્ર ને મહાદેવ ના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વ ના ઝાડ માં મહાદેવ નો વાસ હોય છે.અને સ્વયં શિવ સ્વરૂપ છે. આથી ઝાડ ના મૂળ માં મહાદેવ ની પૂજા કરાય છે. એટલું જ નહી.પરંતુ બિલ્વ ઝાડ ને સિંચવા માત્ર થી તીર્થો નું ફળ મળે છે. પણ બિલ્વ પત્ર ને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું.)

(9) શિવ ઉપાસના નો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી.

(10) ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસ ને દિવસે બિલપત્ર તોડવુ નહી.

(11) કોઈ માસ ની સંક્રાતિ ના દિવસે પણ બિલપત્ર ન તોડવા જોઈએ. જો આ તિથિઓ માં શિવપૂજા માં બિલપત્ર ની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજા માં ઉપયોગ કરેલ બિલપત્ર ને ફરી થી ધોઈ ને શિવ ને અર્પિત કરી શકો છો.

(12) બીલી વૃક્ષ સર્વ વૃક્ષો માં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજી ની પૂજા નું માધ્યમ છે. આ વૃક્ષ ના મૂળ માં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્ય માં સુખ છે. અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે.

(13) તેના ત્રિદલ માં વેદો નો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે. અને થડ ને વિશે વેદાન્ત ના અર્ક ની અભિવ્યક્તિ છે.

(14) બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષ ના મૂળ માં શિવજી નો વાસ છે. માટે તેના ક્યારા ને જળ થી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષ નું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ કે બીલી વૃક્ષ તે સ્વયમ સદાશિવ સ્વરૂપ છે.

(15) બિલ્વ ની ઉત્પત્તિ ની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે. તેમાં ની એક ઉલ્લેખનીય છે. એક વખત દેવી ગિરિજા ના કપાળ પર પરસેવા નું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુ માં થી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવી એ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે. જયા એ કહ્યું ” દેવી આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાં થી પાંગર્યું છે ” અને ગિરિજા દેવી એ આ વૃક્ષ નું નામ “બિલ્વ” રાખ્યું.

(16) બિલ્વ વૃક્ષ નો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે બિલ્વ વૃક્ષ ની ઉત્પત્તિ મહાલક્ષ્મી ની તપશ્ચર્યા ના પરિણામરૂપ છે. તેના ફળ થી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલી ના ફળ ની વિશિષ્ટતા એ છે કે તેના પર કળી કે ફૂલ બેસતા નથી પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજી નો વાસ બિલ્વ વૃક્ષ ની કુંજો માં છે.

(17) બિલ્વ ફળ લક્ષ્મીજી ની તપશ્ચર્યા નું ફળ છે. ભગવાન વિષ્ણુ એ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગ નું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજી ની હથેળી માં ઊગેલું જે “શ્રીવૃક્ષ” તરીકે ઓળખાયું છે.

(18) બીલી ના ત્રણ પાંદડા ત્રણ અંગો નું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજી ના ત્રિશૂળ નો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્ત ની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે. તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.

(19) બીલી પત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધક ને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે.

(20) બીલી પત્ર મસ્તકે ધરનાર ને યમ નો ભય રહેતો નથી. બિલ્વ વૃક્ષ ના મૂળ માં શિવ-પાર્વતી નો વાસ છે. આ વૃક્ષ ની શાખાઓ માં મહેશ્વરી વસે છે. આ વૃક્ષના પત્રો માં પાર્વતીજી વસે છે. ફળ માં કાત્યાયની નો વાસ છે. આ વૃક્ષ ની છાલ માં ગૌરી નો વાસ છે. આ વૃક્ષ ના કાંટાઓ માં નવ કરોડ શક્તિઓ નો વાસ છે. બિલ્વ વૃક્ષ નું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. આ ફળ યજ્ઞ માં પણ હોમવામાં આવે છે.

બીલીપત્ર કોણ અર્પણ કરી શકે ? કેવી રીતે અર્પણ કરવા

(1) તો જેઓ બિલ્વ વૃક્ષ નું જતન કરતા હોય તે તેની માવજત કરતા હોય તે વ્યકતિ બિલ્વ વૃક્ષ અર્પણ કરી શકે.

(2) બિલ્વ વૃક્ષ ને કાપ્યા બાદ માથે ભારો મૂકી ને લાવેલ પાન અર્પણ કરી શકાતા નથી.

(3) ખંડિત થયેલ,તૂટેલ,કાણાવાળા પત્ર અર્પણ કરવા નહિ.

(4) ફક્ત 3 પાન હોય તેવા જ બિલ્વ પત્ર અર્પણ કરી શકાય છે. 5 પાન કે 7 પાન નું બિલ્વપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિ મહત્વ ધરાવનાર છે.

(5) 5 કે 7 પાન નું બિલ્વ પત્ર શિવજી ને અર્પણ કર્યા બાદ તે લઈ ને ફ્રેમ માં સરસ મઢાવી ને ગૃહમાં સ્થાપના કરવા થી ઉપરી કોઈ વાયવ્ય શક્તિ ગૃહ માં પ્રવેશ કરી શકતી નથી.

(6) બિલ્વ વૃક્ષ ની નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવપૂજા નું ફળ મળે છે.

ઔષધિ ગુણ

બીલીના ગુણો :

બીલીના પાન, ફળ, છાલ તેમજ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કલોઇડઝ, કુમેરીન, સ્ટીરોઇડ, થાયામીન, રીબોફલેવીન તથા વિટામીનો પણ સારા પ્રમાણમાં રહેલા છે.

બીલી ફળ :

બીલી ફળ અંડાકાર અથવા ગોળાકાર આકારનું હોય છે અને તેનું કદ (વ્યાસ) 5 થી 25 સે.મી. જેટલું હોય છે. ફળમાં સખત, લાકડા જેવો બાહ્ય ભાગ હોય છે અને અંદર એક મીઠો, ઘટ્ટ અને સુગંધિત માવો (પલ્પ) હોય છે. માવાનો રંગ તેજસ્વી નારંગી જેવો પીળો હોય છે, જે કુદરતી એન્ટિઓકિસડન્ટ અને બાયોએક્ટિવ સંયોજનોનો પ્રાકૃતિક સ્ત્રોત માનવામાં આવે છે.

બિલી ફળના લાભો :

હૃદય અને મગજ માટે ઔષધિ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

બીલીના ફળો પાચન ક્રિયાને પ્રોત્સાહન આપે છે તેમજ આંતરડાના ચેપમાં લાભદાયી છે.

મરડો, અતિસાર, અલ્સર અને પાઇલ્સમાં દવા તરીકે પણ ઉપયોગી છે.

કોલેસ્ટેરોલ અને મધુપ્રમેહને નિયંત્રણમાં રાખે છે.

વિવિધ બીમારીઓ જેવી કે તાવ, વાઈ, કેન્સર, લોહીનું શુદ્ધિકરણ, કોલેરા, પાંડુરોગ તથા અસ્થમાં જેવી શ્વસન સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયી છે.

ત્વચા રોગમાં : ફળના પાઉડરનો ઉપયોગ દાઝવાથી થયેલ ઈજાને મટાડવા પણ થાય છે.

બીલીમાંથી મૂલ્ય વર્ધિત બનાવટો જેવી કે જ્યુસ, બેવરેજ, કેન્ડી, જામ, પાઉડર, પંજરી વગેરે બનાવી શકાય છે. આ બનાવટમાંથી જ્યુસ અને કેન્ડી બજારમાં ઉપલબ્ધ છે. બીલીમાંથી મેળવેલા ઉત્પાદનો ખૂબ પૌષ્ટિક તેમજ તંદુરસ્ત છે.

બીલીપત્ર :

બીલીપત્ર સુગંધિત, ત્રણ પાંદડાનું ઝૂમખું હોય છે, જે શંકર ભગવાનના પુજનમાં ચડાવવામાં આવે છે.

બીલીપત્ર (પાનનો અર્ક) ના લાભો :

આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંજવામાં આવે છે.

દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીના પાન વપરાય છે.

અલ્સરમાં પાંદડાઓનો અર્ક વપરાય છે વિવિધ બીમારીઓ જેવી કે મધુપ્રમેહને નિયંત્રણમાં રાખવા, પીઠનો દુઃખાવામાં રાહત, ઉલટી, હૃદયની નબળાઇ, શ્વાસનળીનો સોજો, અતિસાર, જલોદર, વિટામિન બી 1 ની ઊણપથી થતો રોગ (બેરીબેરી) વગેરેમાં ઉપયોગી છે.

શરીરની ઈજા જેમ કે કપાયેલ ભાગ તથા પ્રાણીઓ દ્વારા થતી ઇજાઓમાં પાનનો અર્ક રૂઝ લાવવામાં ઉપયોગી છે.

બીલીના પાનનો તાજો રસ રેચક છે.

બીલીપત્રમાંથી નીકળેલું તેલ શરદી અને ખાંસીથી રક્ષણ આપે છે અને વાળ માટે ટોનિક તરીકે ખૂબ જ ઉપયોગી છે.

બીલીપત્ર પશુચિકિત્સામાં ઘા અને ઘાસચારા માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.

બીલીના વૃક્ષની છાલ :

તે નિસ્તેજ બદામી અથવા ભૂખરા રંગની, સરળ, લાંબી સીધી કરોડરજ્જુથી સજ્જ હોય છે.

બીલીના વૃક્ષની છાલના (છાલનો અર્ક) લાભો :

મૂળની છાલની અલ્કોહોલિક અર્ક હાઈપોગ્લાયકેમિઆ (લો બ્લડ શુગર) માં લાભદાયી છે.

અર્ક શરીરના વિવિધ રોગો (તાવ, સંધિવા, હૃદયના વિકારો, ગેસ્ટ્રિક મુશ્કેલીઓ વગેરે ) મટાડવામાં ઉપયોગી છે.

હૃદયના ધબકારા અને મેલાકોલિયા (ઉદાસીની લાગણી) ના ઉપાયમાં વપરાય છે.

કુતરાના કરડવાથી થતા વિકારોમાં પણ ફાયદાકારક છે.

ઘણીવાર કાપેલા ભાગોમાંથી પાતળો સત્વ (ગુંદર) નીકળે છે. છાલનો ગુંદર જે કપાયેલ શાખાઓમાંથી મળે છે અને લાંબા સેરમાં લટકે છે, ધીમે ધીમે નક્કર બને છે. જેનો ઉપયોગ અલ્સર અને મરડામાં થાય છે.

બીલીના ફૂલો :

ફૂલ મોટા ભાગે પાંચ પાંખડીવાળા મીઠી સુગંધ ધરાવતા અને સફેદ રંગના હોય છે.

બીલીના ફૂલો (ફૂલોનો અર્ક) ના લાભો :

ફૂલોની નિસ્યંદન પ્રક્રિયાથી મળતું અર્ક પેટના રોગોમાં, મરડો, મધુપ્રમેહ, ડાયફોરેટિક (ખૂબ પરસેવો થવો) વગેરેમાં ઉપયોગી છે.

ફૂલોનો અર્ક સ્થાનિક એનેસ્થેટિક તરીકે પણ વપરાય છે.

વાઈના ઇલાજ તથા ઉધરસમાં અર્ક ઘણો લાભદાયી છે.

બીલી ફળના બીજ :

ખૂબ જ કઠણ, પાતળા, પારદર્શક ચીકણા ગૂંદરથી ઘેરાયેલા હોય છે, જે સૂકાઈ જાય ત્યારે સખત બને છે. બીજ તેલ બાહ્ય જગ્યા પર જીવાણુનાશક અને ફૂગનાશક ગુણ ધરાવે છે.

બીલીનો ઉપયોગ હજી પણ માત્ર મર્યાદિત ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યો છે અને મૂલ્યવર્ધિત બનાવટોની બાબતમાં તેના વ્યાપારીકરણ માટે વધારે ભાર આપવાની જરૂરિયાત છે. બીલીના ‘વૃક્ષના વિવિધ હેતુઓ માટે વ્યાપક સંભાવના પર ધ્યાન આપતા, આ વૃક્ષને મોટા પાયે ખાસ કરીને બિનઉત્પાદક અને ઓછી ફળદ્રુપ જમીન પર ઉગાડવું યોગ્ય છે. કેમ કે તે પ્રતિકૂળ કૃષિ – આબોહવાની પરિસ્થિતિમાં પણ વિકાસ કરી શકે છે, જેથી કરીને આવી જમીનનો ઉપયોગ થઈ શકે અને તેનો ઉપયોગ ઔષધિય ઘટકો તરીકે મોટા પાયે થઈ શકે.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને તેનો પ્રચાર અને પ્રસાર કરવાની ખાસ જરૂરિયાત છે. જેનાથી ઔષધિય ઉત્પાદન કરતા એકમોને પણ પૂરતા પ્રમાણમાં ઉપલબદ્ધતા થઈ શકે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં મનુષ્યના જુદા જુદા રોગો માટે વ્યાપક પ્રમાણમાં થઈ શકે.

કુદરતે પૃથવી ઉપર મનુષ્ય ના હિત માટે દરેક રોગ અને દુઃખ નો ઈલાજ આપેલ છે…

પરંતુ આજનો મનુષ્ય પોતાના ફાયદા અને સુખ માટે કુદરત નો અનાદર કરી રહિયો છે. પાછલા કેટલાક વર્ષો અને હાલ માં ચાલી રહેલ કોરોના નામ નો રોગ અને અવનવા રોગો / મહામારી એનું ઉદાહરણ છે…

વૃક્ષો વાવી અને એનું જતન કરી આપની આવનારી પેઢી ને બચાવો.

જય શ્રી રામ, જય મહાકાલ, જય માતાજી, જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.

– સાભાર સનાતન હિન્દૂ હાર્દિક પટેલ (અમર કથાઓ ગ્રુપ)