બુક સારી કે ફેસબુક? આજની પેઢીએ આ લેખ જરૂર વાંચવો જોઈએ.

0
772

ફેસબુક V/s સાદી બુક

જ્યારથી ‘ફેસબુક’ નામની બુક આવી છે ત્યારથી જુની ‘પુસ્તક’ નામની બુક તો ભૂલાતી જ જાય છે. કેમકે ‘બુક’ અને ‘ફેસબુક’માં આભ જમીનનો તફાવત હોય છે…

ફેસબુકમાં તમારો ફેસ શરૂઆતમાં જ આવે છે જ્યારે બુકમાં લેખકનો ફેસ છેલ્લા પૂંઠા ઉપર હોય છે.

ફેસબુકમાં તમે એક પણ બુક ના લખી હોય છતાં, અરે, કંઈ મોટી ધાડ ના મારી હોય, છતાં તમે તમારો ‘પ્રોફાઈલ’ મુકી શકો છો.

જ્યારે સાદી બુકમાં તમે તમારા પ્રોફાઈલમાં એવું ના લખી શકો કે ‘બારમામાં માસ પ્રમોશનમાં પાસ થયો છું અને મને શિલ્પા શેટ્ટી તો બહુ ગમે છે.’

ફેસબુકને તમારા ફ્રેન્ડઝ વાંચે છે.

સાદી બુક તો લેખકના ફ્રેન્ડ્ઝ પણ નથી વાંચતા ! બોલો.

ફેસબુકમાં તમે એમ લખો કે ‘આજે મેં ભજીયાં ખાધાં’… તો એને પણ ‘લાઇક’ મળે છે.

પરંતુ સાદી બુકમાં તમે કવિતા લખો કે

‘ઓહો, ખાધા મેં ભજીયાં

આજે, આહા આહા…’

તો ‘ડિસ-લાઈક’ જ મળે !

ફેસબુકમાં તમે માત્ર સાડા ત્રણ શબ્દોની કોમેન્ટ લખો તો પણ બધા વાંચે છે.

સાદી બુકમાં બિચારો વિવેચક ત્રણસો પાનાં ભરીને કોમેન્ટો લખે તોય કોઈ વાંચનાર નહીં મળે !

ફેસબુકમાં સાવ અજાણ્યા લોકો તમારા ‘ફ્રેન્ડ’ બનવા માટે તમને રિક્વેસ્ટ મોકલે છે.

જ્યારે સાદી બુકના લેખકને દૂરથી જોતાં જ ફ્રેન્ડઝ લોકો આઘાપાછા થવા માંડે છે કે ‘સાલો, ચોંટશે તો પાછો બહુ બોર કરશે !’

હવે તમે જ કહો, બુક સારી કે ફેસબુક?

– મન્નુ શેખચલ્લી

(સાભાર કદર્મ મોદી, અમર કથાઓ ગ્રુપ)