લઘુકથા – ડર :
– માણેકલાલ પટેલ.
સાંજના પાંચેક વાગે અમે રોડ પર બનેલા મંદિરમાં શિવજીનાં દર્શન કરી બહાર સિમેન્ટના બાંકડા પર બેઠાં.
થોડીવારે પાંચેક વર્ષનો મેલાંઘેલાં કપડાં પહેરેલો એક છોકરો અમારી પાછળ આવીને ટૂટિયું વાળીને સંતાઈ ગયો.
પહેલાં તો અમને ડર લાગ્યો.
આજકાલ આવા ટાબરીયા મોબાઈલ કે પોકેટ ઝૂંટવીને ભાગી જવાના કિસ્સાઓ શહેરમાં વધી રહ્યા હતા.
પણ, આ છોકરો તો ગભરાઈ ગયેલો હતો.
એના હાથમાં નાસ્તાનું પેકેટ હતું. એ ધ્રુજતો હતો.
મેં પૂછ્યું :- “શું થયું છે?”
એ કંઈ બોલતો નહોતો.
અમે એને બહાર આવવા કહ્યું.
ડરતો, ગભરાતો એ અમારી સામે આવ્યો ત્યારે મારી પત્નીએ એને અમારી પાસે રહેલી બોટલમાંથી પાણી પાયું અને પૂછ્યું :- “ક્યાં રહે છે?”
એ આંગળી ચીંધી અને બોલ્યો :- “મારા નાના ભાઈ માટે આ પડીકું લેવા આવ્યો’તો અને કૂતરાને જોઈને……..”
“અરે, કૂતરાની આટલી બધી બીક લાગે છે?”
એણે માથું હલાવી હા પાડીને કહ્યું :- “કરડે તો?”
“તારાં મા- બાપ……..”
“એતો મજૂરીએ ગયાં છે. ઘરે અમે બે ભાઈઓ જ છીએ. માં છ વાગે આવી જાય છે.”
“અને તારા બાપુ?”
એના ચહેરા પર ગભરાટ હતો. ધ્રુજારીને લીધે એના હાથમાં રહેલું પેકેટ નીચે પડી ગયું. ડરતાં ડરતાં એણે કહ્યું :- “એમનું નક્કી નહિ. મોડી રાતે ગમે ત્યારે પી ને આવે ત્યારે મારી માં ને એ અવારનવાર ઢોર મા રમારે એટલે અમે બેય ભાઈઓ ઘરના ખૂણામાં લપાઈ જઈએ છીએ.” – ત્યાંજ નીચે પડી ગયેલા પેકેટને જોઈને એક કૂતરાને અમારી પાસે આવતું ભાળીને પાછો એ ધ્રુજવા માંડ્યો.
– માણેકલાલ પટેલ.