દીકરો નાની નાની વાતોમાં થઈ જતો ગુસ્સે, પછી તેના પિતાએ તેની સાથે જે કર્યું તે જાણવા અને સમજવા લાયક છે.

0
4393

ગુસ્સામાં બોલવામાં આવેલી વાતો અને કરવામાં આવેલા કામ હંમેશા દુઃખનું કારણ જ બને છે. તેમ છતાં પણ લોકો એ વાત નથી સમજી શકતા. શરીર ઉપરના ઘા તો ભરાઈ જાય છે, પણ કડવી વાતોના ઘા જીવનભર નથી ભરાઈ શકતા.

ગુસ્સામાં ક્યારેય પણ કોઈને અપશબ્દ ન કહેવા જોઈએ. લોકો એવા બનાવને હંમેશા યાદ રાખે છે. સમય સમયે તે વાતો તેમની સામે આવતી રહે છે. આજે અમે તમને એવો જ એક પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જેનો સાર એ છે, ગુસ્સામાં કહેવામાં આવેલી કડવી વાતોના ઘા ક્યારે પણ નથી ભરાતા.

જયારે ગુસ્સે થયેલા યુવકને થયો પોતાના કૃત્ય ઉપર પસ્તાવો :

એક ગામમાં એક છોકરો રહેતો હતો. તે ખુબ જ ગુસ્સા વાળો હતો, નાની નાની વાતો ઉપર લોકોને સારું નરસું કહી દેતો. તેની એ ટેવથી પરેશાન થઇને એક દિવસ તેના પિતાએ તેને ખીલાથી ભરેલો એક થેલો આપ્યો અને કહ્યું કે, હવે જયારે પણ તને ગુસ્સો આવે તો તું આ થેલામાંથી એક ખીલો કાઢજે અને દીવાલ ઉપર લગાવેલા લાકડાના પાટિયા ઉપર ઠોકી દેજે.

પહેલા દિવસે તે છોકરાએ 40 વખત ગુસ્સો કર્યો અને એટલા જ ખીલા તેણે લાકડાના પાટિયા ઉપર ઠોકી દીધા. ધીમે ધીમે થેલામાં રહેલા ખીલાની સંખ્યા ઘટવા લાગી. તેને લાગ્યું કે, ખીલા ઠોકવામાં આટલી મહેનત કરવાથી સારું છે કે પોતાના ગુસ્સા ઉપર કાબુ કરવામાં આવે. પછી તો થોડા અઠવાડિયામાં તેણે પોતાના ગુસ્સા ઉપર ઘણે અંશે નિયંત્રણ કરતા શીખી લીધું. પછી એક દિવસ એવો આવ્યો કે તે છોકરાને આખા દિવસમાં એક વખત પણ ગુસ્સો ન આવ્યો.

જયારે તેણે પોતાના પિતાને આ વાત જણાવી તો તેમણે ફરી તેને એક કામ આપી દીધું. તેમણે કહ્યું કે, હવે જે દિવસે તું એક પણ વખત ગુસ્સો ન કરે તે દિવસે આ લાકડાના પાટિયામાંથી એક ખીલો કાઢી લેજે. છોકરાએ એવું જ કર્યું અને થોડા જ દિવસોમાં લાકડાના પાટિયા ઉપર લાગેલા બધા ખીલા કાઢી નાખ્યા.

તેણે પોતાના પિતાને ખુશી સાથે આ વાત જણાવી ત્યારે તેના પિતા તેને તે લાકડાના પાટિયા પાસે લઇ ગયા. તેના પિતાએ તેને સમજાવતા કહ્યું, દીકરા તે ઘણું સારું કામ કર્યું છે. હવે આ લાકડામાં થયેલા છિદ્રોને જો. ખીલા કાઢ્યા પછી પણ તેના છિદ્ર પુરાયા નથી. એટલે કે જ્યારે આપણે ગુસ્સામાં કાંઈ કહીએ છીએ ત્યારે તે શબ્દ પણ આ જ રીતે સામે વાળા વ્યક્તિ ઉપર ઊંડા ઘા છોડી જાય છે.

છોકરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે ભવિષ્યમાં ફરી ગુસ્સો ન કરવાનો સંકલ્પ લીધો અને જે જે લોકોના તેને દિલ દુભાવ્યા હતા તેમની પાસે જઈને માફી પણ માંગી.

લાઈફ મેનેજમેન્ટ : ઘણા લોકો ગુસ્સામાં એવી વાતો બોલી જાય છે જે તેને ન બોલવી જોઈએ. તેના માટે તેને પાછળથી પસ્તાવો પણ થાય છે, પણ તે વાતો લોકોના દિલમાં બેસી જાય છે. તેનાથી તમારી છાપ પણ ખરાબ થાય છે.