નંબર :
– માણેકલાલ પટેલ
સુધાબેન શિવાનીને અવારનવાર કહેતાં : ” હવે તો તું મોટી થઈ. તારામાં અક્કલ ક્યારે આવશે? ”
શિવાની એમને ભોળી લાગતી હતી. દીકરી હોંશિયાર ન હોય તો આ જમાનામાં એ છેતરાઈ જાય એવું એ માનતાં હતાં.
શિવાની સગીર હતી.
એની સ્કૂલના એક છોકરાની નજરમાં એ વસી ગયેલી. પણ, શિવાની એના તરફ ધ્યાન જ ન આપતી. એને આવું ગમતું પણ નહિ.
એ છોકરાએ એક દિવસ હદ જ કરી દીધી. એને એકલી જોઈ એનો મોબાઈલ નંબર માગ્યો. શિવાનીએ આપવાની ના પાડી. બે દિવસ પછી પાછો એણે નંબર આપવા જિદ કરી એટલે શિવાનીએ હસતાં હસતાં એને નંબર આપ્યો અને પછી ત્યાંથી ચાલી નીકળી.
થોડા દિવસો પછી સુધાએ શિવાનીને પૂછ્યું : ” આ અમરીશ કોણ છે? વારંવાર એના ફોન આવે છે? ”
શિવાની કંઈ બોલી નહિ.
” આજે અમે પ્રિન્સિપાલને ફરિયાદ કરવા આવીએ છીએ.” શિવાનીના પપ્પાએ ખીજાઈને કહ્યું.
” પણ, મારો નંબર એની પાસે આવ્યો ક્યાંથી? ” સુધાને કંઈ સમજાતું નહોતું.
પ્રિન્સિપાલને મળ્યા પછી એ નંબર તો શિવાનીએ જ આપ્યો હતો એવું જાણ્યું ત્યારે સુધાથી બોલાઈ ગયું : ” તું તો હોંશિયાર નીકળી, શિવાની! ”
– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ) (પ્રિવ્યૂ ફોટો પ્રતીકાત્મક)