શા માટે નથી કરવામાં આવતી બ્રહ્માની પૂજા? દરેક જગ્યાએ કેમ નથી હોતા તેમના મંદિર? અહીં જાણો વિસ્તારથી.
આપણો દેશ ભારત ઘણી વિવિધતાઓનો સંગ્રહ છે. અહિયાં ઘણા અલગ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, અને જુદા જુદા ધર્મોના લોકો રહે છે. હિંદુઓના મુખ્ય દેવતાઓમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ) નો સમાવેશ થાય છે. ખાસ કરીને વિષ્ણુ અને શિવની પૂજા કરવાનું વિધાન છે. પણ ક્યારેય તમે વિચાર્યું છે કે, સૃષ્ટિના રચયિતા બ્રહ્માની પૂજા કેમ નથી કરવામાં આવતી?
બ્રહ્મદેવના નામ ઉપર આખા વિશ્વમાં અમુક જ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાંથી સૌથી જુનું મંદિર છે પુષ્કરનું બ્રહ્મા મંદિર. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો અને બ્રહ્માની પૂજા ન કરવાના કારણો વિષે.
ક્યારે થયું હતું મંદિરનું નિર્માણ?
ભગવાન બ્રહ્માને સમર્પિત કેટલાક મંદિરો માંથી એક આ પુષ્કર મંદિરનું નિર્માણ 14 મી સદીમાં કરવામાં આવ્યું હતું. અહીં એક સુદંર નકશીકામ ધરાવતો ચાંદીનો કાચબા છે, જે જુદા જુદા મુલાકાતીઓ દ્વારા દાન કરવામાં આવેલા ચાંદીના સિક્કા સાથે આરસપહાણના ફ્લોર ઉપર સ્થાપિત કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં તેમની પત્ની ગાયત્રી સાથે બ્રહ્માજીની ચાર મુખી મૂર્તિ છે.
પુષ્કરમાં ઘણા મંદિર છે જે બીજા દેવતાઓને સમર્પિત છે. વરાહ મંદિર એક જંગલી ભૂંડના અવતારમાં વિષ્ણુને સમર્પિત છે. આપ્ટેશ્વર મંદિર એક ભૂમિગત શિવ મંદિર છે જેમાં એક લિંગમ છે. છેલ્લે બ્રહ્માની પત્ની સાવિત્રીને સમર્પિત સાવિત્રી મંદિર, બ્રહ્મા મંદિરની પાછળ એક પહાડ ઉપર આવેલું છે, અને તળાવના સુંદર દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
મંદિરની પૌરાણીક કથા :
એક પૌરાણીક કથા મુજબ એક વખત બ્રહ્માજીએ પૃથ્વી ઉપર ભક્તોના ભલા માટે એક યજ્ઞ કરવાનો વિચાર કર્યો. યજ્ઞની જગ્યા પસંદ કરવા માટે તેમણે પોતાના એક કમળને પૃથ્વી લોક મોકલ્યા અને જે સ્થાન ઉપર કમળ પડ્યું તે સ્થળને બ્રહ્માએ યજ્ઞ માટે પસંદ કર્યું. તે સ્થળ રાજસ્થાનનું પુષ્કર શહેર હતું, જ્યાં તે પુષ્પનો એક અંશ પડવાથી તળાવ બની ગયું હતું. ત્યાર પછી બ્રહ્માજી યજ્ઞ કરવા માટે પુષ્કર પહોચ્યા, પણ તેમની પત્ની સાવિત્રી સમય સર ન પહોચ્યા.
યજ્ઞનું શુભ મુહુર્ત પસાર થઇ રહ્યું હતું, પણ સાવિત્રીનું કોઈ ઠેકાણું ન હતું. બધા દેવી-દેવતાઓ યજ્ઞ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. તે વખતે બ્રહ્માજીએ નંદી ગાયના મુખ માંથી ગાયત્રીને પ્રગટ કર્યા અને તેમની સાથે લગ્ન કરી યજ્ઞ શુભ સમય ઉપર શરુ કર્યો. થોડા સમય પછી સાવિત્રી યજ્ઞ સ્થળ ઉપર પહોંચ્યા અને બ્રહ્માજી સાથે કોઈ બીજી સ્ત્રીને જોઈ ગુસ્સે થઈ ગયા. સાવિત્રીએ બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે, આ પૃથ્વી લોકમાં તમારી પૂજા ક્યાય નહિ થાય. પછી બધા દેવી-દેવતાઓએ જયારે સાવિત્રીને આગ્રહ કર્યો ત્યારે તેમણે શ્રાપ પાછો લીધો અને કહ્યું કે, ધરતી ઉપર માત્ર પુષ્કરમાં જ બ્રહ્માજીની પૂજા થશે.
પુષ્કર તળાવના કાંઠે આવેલું છે :
આ મંદિર પુષ્કર તળાવના કાંઠે આવેલું છે, અને બ્રહ્મ દેવના સૌથી જુના મંદિરોમાંથી એક છે. આ મંદિર દર વર્ષે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવામાં આવે છે કે, પુષ્કરની સુંદરતા જોતા બ્રહ્મ દેવે પોતે જ આ મંદિરને પસંદ કર્યું હતું. પ્રાચીન ગ્રંથો મુજબ, પુષ્કર દુનિયાનું એક માત્ર સ્થળ છે, જ્યાં બ્રહ્માનું મંદિર આવેલું છે અને આ સ્થળને હિંદુઓના પવિત્ર સ્થાનોના રાજાના રૂપમાં વર્ણિત કરવામાં આવ્યું છે.
કેવી રીતે કરી મંદિરની સંરચના :
પુરાણો મુજબ આ મંદિરનું નિર્માણ લગભગ 2000 વર્ષ પૂર્વે થયું હતું. પણ મંદિરની હાલની વાસ્તુકળા મુજબ આ મંદિરનું નિર્માણ 14 મી સદીમાં થયું હોય તેમ માનવામાં આવે છે. પુષ્કરને મંદિરની નગરી પણ કહેવામાં આવે છે, પણ ઔરંગઝેબના શાસન દરમિયાન અહિયાં મોટાભાગના હિંદુ મંદિરોને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
જોકે આજે પણ પુષ્કર તળાવના કાંઠે બ્રહ્મા મંદિર અને બીજા મંદિરો એવાને એવા જ સ્થિત છે. એવું માનવામાં આવે છે કે, પુષ્કર તળાવ બ્રહ્માજીના એક કમલના એક પાંદડા માંથી બન્યું છે, જે હિંદુઓ માટે અત્યંત પવિત્ર તળાવ છે. ઘણી વિશેષતાઓ પોતાનામાં સમાવેલું આ મંદિર હકીકતમાં ઘણું સુંદર છે અને તમારે આ મંદિરના દર્શન માટે જરૂર જવું જોઈએ.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.