ભાગવત રહસ્ય 117: બ્રહ્મા, વિષ્ણુ, મહેશે અત્રિમુનિને ત્યાં શા માટે અવતાર લીધા તે કથા વાંચો.

0
683

ભાગવત રહસ્ય – ૧૧૭

સનાતન ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી. તેમાં રહેલા ભાવને મહત્વ આપેલું છે. સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી, પાપ થાય છે. શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે. તેથી ‘સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે’ મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત થાય છે. આ જગતમાં મારો કોઈ શત્રુ નથી, દુશ્મન નથી, કોઈએ મારું બગાડ્યું નથી. કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે. કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે. સર્વમાં સદભાવ રાખો, સર્વને સદભાવથી નિહાળો.

મહાભારતમાં કથા છે કે દુર્યોધને પણ વિષ્ણુયાગ કરેલો. તે વિષ્ણુયાગ કરે છે પણ તેના મનમાં સદભાવ નથી એટલે તેને કંઈ ફળ મળ્યું નથી.

મૈત્રેયજી વિદુરજીને કહે છે : મનુ મહારાજને ત્યાં ત્રણ કન્યાઓ થયેલી. આકુતિ, દેવહુતિ અને પ્રસૂતિ. તેમના લગ્ન અનુક્રમે રુચિ પ્રજાપતિ, કર્દમ અને દક્ષ પ્રજાપતિ જોડે કરેલા.

કર્દમ અને દેવહુતિને ત્યાં નવ કન્યાઓ થયેલી તે નવ બ્રહ્મર્ષિઓને પરણાવેલી. તેમાંની એક અનસુયા અત્રિઋષિને પરણાવેલી. તેમના ત્યાં ત્રણ પુત્રો દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા થયેલાં. જે અનુક્રમે વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા.

વિદુરજી પૂછે છે : આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિમુનિને ત્યાં શું કરવાની ઇચ્છાથી અવતાર લીધા તે કથા કહો.

દત્તાત્રેય અત્રિના ઘેર જ આવે છે. પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનસુયા જેવી તપસ્વીની બને તો, દત્તાત્રેય આજ પણ આવવા તૈયાર છે.

ન-ત્રિ તે અત્રિ. સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોનો નાશ કરી નિર્ગુણી બને તે અત્રિ. આજકાલ સત્વ, રજસ અને તમસ ગુણોમાં જીવ મળી ગયો છે. આ ત્રણ ગુણોથી જીવને અલગ કરવાનો છે. ત્રણ ગુણો છોડીને બ્રહ્મસંબંધ કરવાનો છે. ત્રિગુણાતીત (ત્રણ ગુણોથી અલગ) બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ.

શરીરમાં તમોગુણ છે તેને રજોગુણથી મા-રો (નષ્ટ કરો). રજોગુણને સત્વગુણથી મા-રો. સત્વગુણ પણ બંધન કરે છે. એમાં થોડો અહંભાવ રહી જાય છે. માટે સત્વગુણને સત્વગુણથી મા-ર-વા-નો છે. સત્વગુણનો પણ નાશ કરી નિર્ગુણી થવાનું છે. જીવ અત્રિ થાય તો બુદ્ધિ અનસુયા બને.

અસૂયા (મત્સર-ઈર્ષા) વગરની બુદ્ધિ તે અનસૂયા. બુદ્ધિનો મોટામાં દોષ અસૂયા(મત્સર-ઈર્ષા) છે. બીજાનું સારું જોઈ ઈર્ષ્યા કરે, બળે તે અસૂયા. અસૂયા જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન કરી શકાશે નહિ. જીવ અત્રિ થાય અને બુદ્ધિ અનસૂયા વગરની બને એટલે પછી દત્તાત્રેય પધારે. અનસૂયા મહાન પતિવ્રતા છે.

એક વખત નારદજી કૈલાસમાં આવ્યા છે. શંકર સમાધિમાં હતા. પાર્વતીજી પૂજન કરતાં હતાં. પાર્વતી નારદજીને પ્રસાદ આપે છે. નારદજી કહે છે કે : લાડુ બહુ સુંદર છે, આજે તમારાં હાથનો પ્રસાદ મળ્યો પણ અનસૂયાના ઘરનો લાડુ તમારાં લાડુ કરતા શ્રેષ્ઠ છે. પાર્વતીજી પૂછે છે : આ અનસૂયા કોણ છે? નારદજી કહે છે : તમે પતિવ્રતા છો પણ અનસૂયા મહાન પતિવ્રતા છે. પાર્વતીના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઇ. મારાથી અનસૂયા વધે?

શંકર સમાધિમાંથી જાગ્યા છે. પાર્વતી વંદન કરે છે. (ઘરનાં માણસ બહુ વંદન, બહુ સેવા કરે એટલે માનવું કે ખાડામાં ઉતારવાની તૈયારી છે.) શંકરે પૂછ્યું : દેવી શું વાત છે? પાર્વતીએ શંકર પાસે માગણી કરી. કોઈ પણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય તેવું કરો. શિવજી કહે છે : બીજાને ખાડામાં ઉતારવાની ઈચ્છા કરનારો પોતે ખાડામાં પડે છે. દેવી, તેમાં કલ્યાણ નથી. પણ તમારી ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ.

નારદજીએ આવી જ રીતે લક્ષ્મીજી અને સાવિત્રીજી આગળ અનસુયાના પતિવ્રતાપણાની વાત કરી. અને એવીજ રીતે લક્ષ્મીજીએ વિષ્ણુને અને સાવિત્રીજીએ બ્રહ્માની પાસે પાર્વતીની જેમ જ માગણી કરી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે જણ ચિત્રકૂટમાં ભેગા મળ્યા. ત્રણે દેવો અનસુયાના આશ્રમમાં ભિક્ષા માગવા આવે છે.

ભિક્ષા માગી કહ્યું : અમે ભિક્ષા માંગીએ છીએ પણ તમે ન-ગ-ન બનીને ભિક્ષા આપો તોજ અમે ભિક્ષા લઈશું. (ન-ગ-ન થઈને એટલે કે વા સના વગરના થઈને ભિક્ષા આપો એમ અર્થ કરી શકાય. અનસુયાના મનમાં સૂક્ષ્મ વા સના પણ નહોતી. જો સૂક્ષ્મ વા સના પણ મનમાં હોય તો ત્રણે દેવો આવતા નથી.)

અનસૂયા વિચારે છે કે, જો ન-ગ-ન થઈને ભિક્ષા આપું તો મારા પાતિવ્રત્યનો ભંગ થાય અને ભિક્ષા ના આપું તો આંગણે આવેલા અતિથી પાછા જાય તો પણ મહા પાપ લાગે. અનસૂયાએ ધ્યાન કર્યું અને ત્રણે દેવો ઉપર પાણી છાંટ્યું. ત્રણે દેવો બાળક બની ગયા છે. પતિવ્રતામાં એવી શક્તિ છે.

આ બાજુ ત્રણે દેવોની પત્ની પરેશાન છે. સવારના ગયા હજુ સુધી પાછા આવ્યા નથી. ત્રણે દેવીઓ શોધવા નીકળી છે. ચિત્રકૂટમાં આવ્યા. ત્યાં નારદજીને તેમણે જોયા. દેવીઓએ તેમને પૂછ્યું : અમારા પતિઓના કોઈ સમાચાર જાણતા હો તો કહો. નારદજી કહે છે કે પહેલાં કહો કે મોટું કોણ? તમે કે અનસૂયા? દેવીઓ કહે છે કે : અનસૂયા. પણ અમારા પતિઓ ક્યાં છે?

નારદજી કહે છે કે : મેં સાંભળ્યું છે કે તમારા પતિઓ બાળક બન્યા છે. અનસુયાના ઘરમાં તે મળશે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)