શર્ટનું તૂટેલું બટન અને ઈસ્ત્રી વગરના કપડાં જોઈ પતિ ગુસ્સે થયો, પછી જે થયું તે દરેકે સમજવા જેવુ છે.

0
880

ખવડાવો તો ખાઉં :

તુષાર અને માયાની સગાઈ લગભગ પાકી થઈ ગઈ હતી. પણ અચાનક વાત અટકી ગઈ.

માયાના પિતા ઉદ્યોગપતિ હતા. માયા ખુબ દેખાવડી, ભણેલ ગણેલ અને આધુનિક હતી. તુષાર એનાથી પ્રભાવિત થઈ ગયો હતો.

તુષાર સામાન્ય ઘરનો, પણ ભણવામાં હોશીયાર હતો. એન્જીનીયર થઈને નોકરીએ લાગી ગયો હતો.

સગાઈની તારીખ ગોઠવવાની જ બાકી હતી, ત્યાં માયાના પિતાની એક દરખાસ્તથી વાત ડહોળાઈ ગઈ. એણે કહેલું કે.. ‘નોકરીમાં કંઈ વળે નહીં.. તુષાર થોડો અનુભવ લઈ લે.. પછી હું એને નવું એકમ કરાવી દઈશ.’

તુષારના ઘરમાં ચર્ચા થઈ. મા બાપનો મત એવો થયો કે.. ‘એ લોકો દિકરી દેવાને બદલે દિકરો લઈ લેવાની જોગવાઈ કરતાં લાગે છે. નાણાના ભારમાં દટાઈ મરવા કરતાં આપણે આપણા જોગું સગું ગોતીએ તો વધુ સારું.’

તુષારે જરા કચવાતે મને વાત સ્વિકારી લીધી.

એક જાણીતા સાધારણ કુટુંબની સુંદર, ભણેલી દિકરી કરુણા પર પસંદગી ઉતરી. સગાઈ, લગ્ન થઈ ગયા. નોકરીવાળા શહેરમાં ભાડાના મકાનમાં પતિ પત્ની રહેવા ગયા.

તુષાર આજે ઉતાવળમાં હતો. એણે જમી લીધું એટલે કરુણાએ કપડાં આપ્યા. બુશકોટમાં એક બટન તુટેલું હતું. બીજી જોડ આપી. તેમાં કરચલીઓ ખુબ હતી.

એ ગુસ્સે થયો.. “તું આખો દિવસ નવરી હો.. તોય આટલું નથી કરી શકતી? એકાદ બે જોડીમાં અગાઉ ઈસ્ત્રી કરતાં શું તકલીફ પડે છે?”

એણે ઈસ્ત્રી વગરના કપડાં પહેરી લીધા. કરુણા રડમસ થઈ ગઈ.. “લાવો બટન ટાંકી દઉં.. ઈસ્ત્રી ફેરવી દઉં.. વાર નહીં લાગે.”

તુષારે કંઈ સાંભળ્યું નહીં. ઓફીસે જવા નિકળી ગયો.

તુષારનું મન ઓફીસના કામમાં લાગ્યું નહીં. મનમાં ઉચાટ થવા લાગ્યો.. ‘એ કાલે પેટમાં દુ:ખવાનું કહેતી હતી. એટલે કદાચ કપડા તપાસ્યા નહીં હોય. મેં એને ખોટી ધ મકાવી. મને એક એક ગરમ રોટલી આપવા માટે એ સાથે જમવા પણ બેસતી નથી. આને બદલે માયા હોત તો એ સહન કરત?’

એને ખોટા વિચારો આવવા લાગ્યા. ગાડીના પાટા દેખાયા. પં ખે બાંધેલ દુ પટ્ટો દેખાયો. આગનો ભડકો દેખાયો. એને પરસેવો વળી ગયો. એને જોઈને ઉપરી અધિકારીએ કહ્યું.. “તબીયત ઠીક ના હોય તો.. ઘરે જઈને આરામ કરો.”

એણે બારણું ખટખટાવ્યું. કરુણાએ ખોલ્યું. તુષારના હાથમાંથી બેગ લઈ લીધી.

“કેમ પાછા આવ્યા? તબીયત તો સારી છે ને?”

એણે હાથ પકડ્યો.. “તમને ધગશ જેવું લાગે છે. ચાલો, સુઈ જાવ. હું માથું દબાવી દઉં.”

સુતા સુતા તુષારે પુછ્યું.. “તને પેટમાં સારું થઈ ગયું? હું તારા પર ખોટો ખીજાયો. માફ કરીને ભૂલી જઈશ ને?”

“એમ ના બોલાય. તમને ઓફીસનું તાણ હોય તો, ખીજ બીજે ઉતરે. તમે રોજ ઘણું બધું વહાલ કરો છો. તો થોડાક ગુસ્સાનો શું હિસાબ?”

થોડીવારનું મૌન.

કરુણા બોલી.. “સાવ સાચો જવાબ આપજો. માયા હજી તમારા મનમાંથી ગઇ નથીને?”

“હા, એ થોડીક ચોંટી હતી. પણ હવે સાવ નિકળી ગઈ. અને તેં ખાધું કે નહીં?”

“નથી ખાધું. ભૂખ તો લાગી છે. પણ મારા હાથે ખાવું નથી. તમે ખવડાવો.. તો ખાઉં..”

તુષાર કરુણાને રસોડા તરફ દોરી ગયો. કરુણાએ એના કાનમાં કહ્યું.. “મને પેટમાં દુ:ખવાનું કારણ તમને પછી કહીશ.”

– જયંતીલાલ ચૌહાણ ૮ -૧૦ -૨૧

(ફોટા પ્રતીકાત્મક છે)