મીઠી માથે ભાતની મીઠીને પત્ર
વ્હાલી વ્હાલી મીઠીબેન,
આજે ફરીથી વીર પસલી આવી ને તું યાદ આવી ગઈ. મારી આંખોમાં ડબડબિયાં આવી ગયા. વરસોથી સૂતરના દોરા વગરનું અડવું અડવું મારું કાંડુ આજે પણ ખાલી ખાલી છે. તું ક્યાં હાલી ગઈ…..મીઠીબેન તું કેમ આટલે દૂર હાલી ગઈ?
તારો ચહેરો મારી બહુ સાંભરણમાં નથી. હું તો સાવ નાનો હતો પણ તું મને કેવાં મીઠાં હાલરડાં ગાઈને પારણે ઝૂલાવતી.બા કે’તી’તી કે ઈ ને બાપુ કામકાજમાં હોય તો તું જ મને રમાડતી, સાચવતી. મારાં બાળોતિયાં બદલાવી દેતી. હું રડું તો તું છાનો રાખતી.બા બાપુ મને વઢે તો તારી આંખમાંથી પણ આંસુ નીકળતાં અને હું માંદો પડ્યો હોઉં તો આખી રાત મારી બાજુમાં બેસી મીઠાનાં પાણીનાં પોતાં મૂકતી. તારા ભાગમાંથી યે મારો ભાગ કાઢવાનું ક્યારેય ન ભૂલતી. નિશાળેથી આવી દફતર મૂકીને સીધ્ધી મને તેડીને ખૂબ વ્હાલ કરતી.
તે દિ’ બાપુ વાડીએ શેરડીના ચિચોડા બેસાડવા માટે ઘણુંય કામ હોઈ રોંઢે આવ્યા નહિ ને બાને એમ થાય કે બાપુ બિચારા ભૂખ્યા થયા હોય તે તને ભાત દેવા મોકલી. આમ તો તું ઘણી વાર બાપુને ભાત દેવા જાતી પણ તે દિ’ તને તારો કાળ બોલાવતો હશે ને તે તું ટૂંકે રસ્તે કેડીવાટે હાલવા ગઈ ને ઓલો કાળમુખો વાઘ ઈ જ ઘડીએ તારી ઉપર ત્રાટક્યો. નખ્ખોદ જાય ઈ જનાવરનું. એણે તને પીંખી નાખી. કેટલી વેદના થઈ હશે તને, નહિ? એનો જીવ કેમ ચાલ્યો હશે, તારી કોમળ, નાજુક કાયા પર હાથ ઉગામતાં? એ નિર્દય-નિષ્ઠુરે તને પલકવારમાં રહેંસી નાખી. ઈ યે એનાં બચ્ચાંનાં માબાપ નહિ હોય? તું તો મોટે ગામતરે હાલી નીકળી.
આંહી રાતે બાપુ વાડીએથી ઘેર આવ્યા અને રોજની ટેવ મુજબ તારા નામની બૂમ પાડી. બાએ કહ્યું કે તું તો વાડીએ ભાત દેવા આવી હતી. બાપુએ તો તને જોઈ યે ન હતી.ને બેયને પેટમાં ફાળ પડી. એ બેય જણાં એ જ વખતે તને ગોતવા નીકળ્યા.સીમ- શેઢો, ખેતર- પાદર, ઝાડી- ઝાંખરા બધું જ ફેંદી વળ્યા.તારી કોઈ ભાળ મળી નહિ.

ત્યાં તો કાંઈક વાસણનું પગે ઠેબું આવ્યું. જોયું તો આપણાં ઘરની તાંસળી ઊંધી વળેલી હતી. બા- બાપુના પેટમાં ફાળ પડી. થોડાંક આગળ ગયા ને તારી ચૂંદડી ઝાંખરામાં વીંટળાયેલી જોઈ પણ ક્યાંય તારો અત્તો પત્તો ન લાગ્યો. બા- બાપુ સમજી ગયા કે કોક રાની જનાવર તને ઉપાડી ગ્યું ને પછી તો બા બાપુ કોઈના ઝાલ્યા ઝલાય નહીં ને નિરાશ થઈ રોતાં કકળતાં ઘેર આવ્યા.
તરત જ આ વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ ને આખું ગાંભુ ગામ હિબકે ચડ્યું. રોઈ રોઈને બા બાપુની આંખો સૂઝીને દડા જેવી થઈ ગઈ. બા બાપુનું મન ગામમાંથી ઊઠી ગયું. વાડી- ડેલીબંધ મકાન બધુંય વેચીસાટીને શહેરમાં વસવાટ આદર્યો. મને ભણાવી ગણાવીને નોકરીભેગો કર્યો.પછી તો મારાય લગન લીધા. તારી ભાભી પણ તારી જેમ જ રૂપાળી, પ્રેમાળ ને ઘરરખ્ખુ છે. બા ત્રણ વરસ પહેલાં ને બાપુ વરસ દિ’ પહેલાં તારી પાસે પહોંચી ગયા છે. મારે ઘેર પણ બે વરસની અસ્સલ તારા જેવી બેબી ને છ મહિનાનો બાબો છે.
આજે રક્ષાબંધન છે ને બેને ભાઈને હરખભેર રાખડી બાંધી ને મને આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં.
વધુ નહિ લખી શકું, બેના. જ્યાં હો ત્યાં સુખી થજે.
ચાલ, આવજે.
એ જ
તારો લાડકવાયો વીરો
કીકાનાં જય માતાજી
સોર્સ- સ્ટોરી શણગાર ગૃપ- અલ્પાબેન પંડ્યા.
(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ) (તમામ ફોટા પ્રતીકાત્મક છે.)