બુઢા શાહુકારે ખેડૂતની યુવાન દીકરીને મેળવવા માટે કરી ચીટિંગ, પણ કુદરતે આ રીતે તેને પાઠ ભણાવ્યો.

0
1025

એક ગરીબ ખેડુતે નગરના શાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજ પર લીધેલી હતી. એક દિવસ શાહુકારે ખેડુતને બોલાવીને કહ્યુ, “મને મારી રકમની જરૂર છે માટે બધી જ રકમ વ્યાજ સહિત એક અઠવાડીયામાં આપી દેજે નહીતર તારી જમીન મને લખી આપજે.”

ખેડુત મુંઝાયો. આટલી રકમની વ્યવસ્થા કરવી શક્ય જ ન હતી. જીવનનો એકમાત્ર આધાર એવી જમીન હાથમાંથી જતી રહેશે એ વિચાર માત્રથી ખેડુત ધ્રુજતો હતો.

એક અઠવાડીયુ પુરુ થયુ અને ખેડુત રકમ ન આપી શક્યો એટલે શાહુકારે ગામના પંચને ભેગુ કર્યુ અને બધી વાત કરી.

પંચે કહ્યુ કે ખેડુત રકમ નથી આપી શક્યો માટે એમણે એમની જમીન શાહુકારને આપી દેવી જોઇએ.

આ વાતચિત ચાલતી હતી ત્યાં પેલા ખેડુતની યુવાન દિકરી આવી.

અત્યંત સ્વરુપવાન છોકરી જોઇને આ શાકુકારને બીજો વિચાર આવ્યો.

શાહુકારે ગામ લોકોને કહ્યુ, “હું આ ગામનો જ છુ એટલે મને આ ખેડુતની ચિંતા થાય છે. હું એની જમીન છીનવવા નથી માંગતો.

હું એમને એક તક આપવા માંગું છું. મારી આ થેલીમાં બે પથ્થર નાંખીશ અને પછી એની દિકરી આ બે પથ્થરમાંથી એક ઉપાડશે.

જો તે ધોળો પથ્થર ઉપાડે તો એનું તમામ દેવુ માફ પણ જો એ કાળો પથ્થર ઉપાડે તો એણે એમની છોકરી મારી સાથે પરણાવવાની રહેશે.”

ખેડુતે તો તુંરત જ ના પાડી દીધી. પણ દિકરીએ બાપને કંઇક મદદ થઇ શકે એવી આશાએ આ શરત સ્વિકારી.

બુઢા શાહુકારે નીચે પડેલા સફેદ અને કાળા રંગના પથ્થરોમાંથી બે પથ્થર ઉપાડીને પોતાની થેલીમાં નાંખ્યા.

પેલી છોકરીની તિક્ષ્ણ નજર એ પામી ગઇ કે શાહુકારે બંને કાળા પથ્થર જ થેલીમાં નાંખ્યા છે.

એક ક્ષણે છોકરીને વિચાર આવ્યો કે બાપના માટે મારુ નસીબ સમજીને આ બંને કાળા પથ્થરમાંથી એક ઉપાડી લઉં અને આ શાહુકાર સાથે ચાલી જાઉં.

પણ બીજી જ ક્ષણે એને કંઇક જુદો વિચાર આવ્યો અને એના ચહેરા પર રોનક આવી ગઇ.

એણે થેલીમાં હાથ નાંખીને એક પથ્થર ઉપાડ્યો અને જેવો હાથ બહાર કાઢ્યો કે હાથમાંથી પથ્થર નીચે પડી ગયો.

જમીન પર તો અનેક કાળા અને ધોળા પથ્થર પડેલા હતા.

છોકરીના હાથમાંથી નીચે પડેલો પથ્થર કાળો હતો કે ધોળો તે નક્કી કરી શકાય તેમ ન હતુ.

છોકરીએ કહ્યુ, “હવે એક કામ કરો આ થેલીમાં રહેલો બીજો પથ્થર બહાર કાઢો જો તે ધોળો હોય તો મેં ઉપાડેલો પથ્થર કાળો હતો. અને જો એ કાળો હોય તો મેં ઉપાડેલો પથ્થર ધોળો હતો.”

થેલીમાંથી તો કાળો પથ્થર જ નિકળ્યો અને શરત પ્રમાણે ખેડુતનું દેવુ માફ થઇ ગયુ.

મિત્રો, પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોવા છતા હકારાત્મક્તા સાથે જો થોડો વિચાર કરવામાં આવે તો સમસ્યાઓને સુવિધાઓમાં બદલાવી શકાય છે.

– સાભાર વિશાલ સોજીત્રા (અમર કથાઓ ગ્રુપ)