બુધવારની વાર્તા : જમાઈએ બુધવારે જ પત્નીને ઘરે લઇ જવા કરી જિદ્દ, જાણો તેનું કેવું પરિણામ આવ્યું.

0
2386

શાહુકાર મંગળદાસનો છોકરો પરણ્યો. ધૂમ-ધામથી તેના લગ્ન થયા.

લગ્નના થોડા દિવસમાં તેણે માં ને કહ્યું : હું આજે સાસરે જવાનો છું, મારી પત્નીને તેડવા માટે.

માં : એક કામ કર મહારાજને પૂછીને સારું મુહૂર્ત કઢાવ, પછી જજે.

દીકરો : ના, હું તો આજે જ જવા માંગું છું.

માં : આજે તો જવાય જ નહિ. આજે તો બુધવાર છે. બુધવારે સાસરે ન જવાય.

દીકરી : હું તો જઈશ જ કહીને છોકરો હાથે ચઢ્યો અને તે સાસરે જવા નીકળી ગયો.

જમાઈને આવતા જોઈ સાસુ-સસરા હરખાયા. તેમણે જમાઈનું સ્વાગત કર્યું. તેમને ભાવતા ભોજન જમાડ્યા. જમાઈ થોડા દિવસ સાસરે રહ્યા.

અઠવાડિયું થયું એટલે જમાઈએ સાસુને કહ્યું – હું કાલે જ મારેરા ઘેર જવા માંગું છું. તમારી દીકરીને તૈયાર કરજો.

સાસુ : કાલે તો બુધવાર છે. બુધવારના દિવસે દીકરીને સાસરે ન મોકલાય. બે દિવસ પછી જજો.

જમાઈ : ના, હું તો કાલે જ જવાનો છું. તમારી દીકરીને મોકલવી હોય તો મોકલજો, નહીં તો અમારે એનું કામ નથી.

જમાઈને આ જીદ્દ છોડવા લોકોએ સમજાવ્યા પણ જમાઈ માન્યા નહિ. તે જોશમાં આવી ગયા અને કહ્યું – ભલે ગમે તે થાય, હું તો કાલે જ જવા ઇચ્છું છું.

દીકરીના માં-બાપ પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેમણે આંખમાં આંસુ સાથે બુધવારના રોજ જ પુત્રીને જમાઈ સાથે વિદાઈ કરી.

બુધવાર એ બુધ દેવનો વાર છે. છોકરાએ તેમનું અપમાન કર્યું તો બુધ દેવથી આ સહન ન થયું. તેમણે એને પાઠ ભણાવવાનો નિર્ણય લીધો.

તે પત્ની સાથે પોતાના ગામ જઈ રહ્યો હતો. આનંદથી બંને જતા હતા. હવે તેમનું ગામ વધારે દૂર નહોતું. એટલામાં એક બનાવ બન્યો. સામેથી બરાબર એના જ જેવો એના જ રૂપરંગ જેવો બોલવા-ચાલવામાં પણ તેવો જ એક યુવાન આવ્યો અને બોલ્યો – ‘અલ્યા મારી પત્નીને તું ક્યાં લઇ જાય છે?

શાહુકારનો પુત્ર : આ તો મારી પત્ની છે. તારી ક્યાંયથી આવી?

યુવાન : તું ગળે પડે છે. આ પત્ની મારી જ છે.

શાહુકારનો પુત્ર : તારી ક્યાંથી આવી? હું મારા સાસરેથી હાલ જ તેને લઈને આવ્યો છું. તું મારા જેવો જ પોશાક પહેરીને ચાલાકી કરે છે, લુચ્ચા.

પ્રતીકાત્મક ફોટો

યુવાન : સમજી વિચારીને બોલ, આ મારી પત્ની છે.

શાહુકારનો પુત્ર : ‘ચાલ દૂર થા અહીંથી’. એમ કરીને તેણે યુવાનને ધક્કો મારી દુર કર્યો.

હવે બંને મા-રા-મા-રી પર આવી ગયા. પરસ્થિતિ વધારે બગડે તે પહેલા રાજાના સિપાઈઓ ત્યાં આવી ગયા. તેઓ બંનેને રાજા આગળ લઇ ગયા.

રાજાએ બંનેને પૂછ્યું : તમારી શું સમસ્યા છે?

યુવાન : આ મારી પત્નીને પોતાની સાથે લઇ જઈ રહ્યો છે.

શાહુકારનો પુત્ર : તારી ક્યાંથી આવી? પત્ની તો મારી જ છે. હું સાસરેથી હાલ તેને લઈને આવ્યો છું.

રાજાએ બંને તરફ જોયું. તે બંને સરખા જ હતા રૂપરંગ, ચહેરો, બોલ-ચાલ બધું સરખું, વળી બંન્નેના પોશાક પણ સરખા જ. બંને પોતાની વાત જોરપૂર્વક કરતા હતા.

પેલી સ્ત્રી ગભરાઈ ગઈ. હવે તો તે એ પણ ભૂલી ગઈ કે તેને લેવા કોણ આવ્યું હતું? અને તેનો વર કોણ છે?

રાજાએ બુદ્ધિથી કામ લેવાનું વિચાર્યું. તેમણે જવાનોને કહ્યું : આ શહેરની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેની સાથે આ સ્ત્રી જશે. તો હવે દોડવા મંડો બંને જણા.

બંને દોડવા માંડ્યા.

શાહુકારનો પુત્ર તો દોડવા મંડ્યો. પણ જે નકલી હતો તેણે હવે પોતાનું દૈવિયરૂપ પ્રગટ કર્યું અને તે એક છલાંગ મારી વાયુયુગે દોડ્યો. પછી પ્રદક્ષિણા કરીને રાજા આગળ આવી કહ્યું : રાજાજી, હું પહેલા આવ્યો છું, સ્ત્રીને મારે હવાલે કરો.

રાજા શરતથી બંધાયેલા હતા એટલે તેમણે નકલી યુવાનને સ્ત્રી સોંપી દીધી.

પ્રદક્ષિણા કરી શાહુકારનો પુત્ર રાજા આગળ આવ્યો પણ તે વખત મોડું થઇ ગયું હતું. રાજાએ તેને કહ્યું : ‘તમે શરત હારી ગયા છો, સ્ત્રી તો જતી રહી છે.’

શાહુકારનો દીકરો દુઃખી થઇ પોતાના ઘરે આવ્યો. મોડી રાત થઇ ગઈ હતી. નોકરે બારણું ઉઘાડ્યું. તે ચુપચાપ જઈ ઓરડામાં સુઈ ગયો.

વહેલી સવારે કોઈએ તેમના ઘરના બારણાં ઠોક્યાં.

શાહુકારે બારણું ઊઘાડ્યું અને જોયું તો કોઈ દેવ જેવા માણસ સાથે તેમની પુત્રવધુ હતી.

એવામાં તેમનો પુત્ર પણ બહાર આવ્યો. તેણે પોતાની પત્નીને જોઈ. તેને ખુબ ગુસ્સો આવ્યો. તેણે પત્નીને મા-ર-વા-મા-ટે હાથ ઉગામ્યો.

ખબરદાર જો આને મા-રી-છે તો. પેલા દેવ જેવા માણસે કહ્યું : આ તારી જ પત્ની છે. એમાં કોઈ શંકા નથી. પણ મેં તને પાઠ શીખવવા માટે આ કર્યું છે. તે મને ઓળખ્યો?

શાહુકારનો દીકરો : ના.

હું બુધદેવ છું, તું મારી રજા વગર પ્રવાસે ગયો. છોકરીના બાપનું ઘર પણ તે બુધવારે જ છોડ્યું. તારી પત્નીને તું બુધવારે જ લઈને નીકળ્યો. તે મારું અપમાન કર્યું. એટલે મેં ગુસ્સે થઈ તને સજા કરી.

શાહુકારનો દીકરો બુધદેવના ચરણોમાં પડી ગયો. તેમની માફી માંગી અને કહ્યું, હવે આવી ભૂલ નહીં કરું.

બુધદેવે તેને ક્ષમા આપી.

આ છે બુધવારની વાર્તા.