એક ભરવાડ મ **રવા પડ્યો. આજીવન પરણ્યો નહોતો એટલે બસ ત્રણ ભાઈઓ સિવાય કુટુંબમાં તેનું કોઈ હતું નહીં, માટે પોતાની પાસે જે છે, તે ત્રણેય ભાઈઓને નામ કરી જવું તેને વ્યાજબી લાગ્યું.
હવે, મિલકતમાં તેની પાસે કેટલીક ભેંસો સિવાય કઈં જ નહોતું. એટલે ત્રણેય ભાઈઓના પોતાની સાથેના ઓછાવત્તા સંબંધોને હિસાબે, તે જ પ્રમાણમાં, પોતાની ભેંસો તેમની વચ્ચે વહેંચી આપવાનો એક પત્ર લખીને, તે મ રન પામ્યો.
તેની ઉત્તરક્રિયા પછી ત્રણેય ભાઈઓએ કાગળ ખોલ્યો તો તેમાં લખ્યું હતું કે, સહુથી મોટા ભાઈએ તેને નાનપણથી સાચવ્યો હોવાથી કુલ ભેંસના અડધા ભાગની ભેંસ તેને મળે. બીજા ભાઈએ તેને છાશવારે નાણાકીય મદદ કરી હતી, એટલે કુલ ભેંસના ત્રીજા ભાગની ભેંસ તેને મળે. અને સહુથી નાના ભાઈને કુલ ભેંસના નવમા ભાગની ભેંસ મળે.
હવે જ્યારે ત્રણેય ભાઈઓએ ભેંસ ગણી, તો સમજાયું કે પેલો કુલ સત્તર ભેંસ મૂકી ગયેલો.
પત્યું?
ત્રણેય ભાઈ મૂંઝાઈ ગયા કે આ ભાગ પાડવા કેમ હવે?
૧૭ ભેંસના અડધા ભાગની ભેંસ મોટાભાઈને કેમ આપવી?
૧૭ ભેંસના ત્રણ ભાગ કરીને એક ભાગ બીજા ભાઈને ય નહોતો આપી શકાતો, ને આ ૧૭ ભેંસના નવ ભાગ કરીને એક ભાગ સહુથી નાના ભાઈને આપવાનો હતો, તો ૧૭ ના નવ ભાગ પાડવા કેમ?
કોઈને કઈં ભેંસ મા રીને અડધી અડધી તો અપાય નહીં. ને કોઈને ય જરાય ઓછું વધુ મળે તે નહોતું જોઈતું. ત્રણેય મક્કમ હતા, કે કાગળમાં લખ્યું તેમ જ ભાગ મળવો જોઈએ.
મામલો અટવાયો. ઉપાય સૂઝતો નહોતો. આખરે ગામમાં એક ખૂબ ચતુર ડોસી હતી તેની પાસે જવાનું નક્કી કર્યું.
ડોસી ડહાપણની ભંડાર, સદાયની આશાવાદી, ને કાયમ લોકોનું ભલું જ વાંછનારી સાલસ બાઈ હતી. નિસ્વાર્થ હતી ને સદાય સાચી સલાહ આપનારી, એટલે ત્રણેય ભાઈઓને લાગ્યું કે આ મામલો એ ડોસી જ ઉકેલી શકશે. ત્રણેય તેની પાસે ગયા.
ડોશીએ મામલો જાણ્યો ને વિવાદને સમજ્યો. મામલો અઘરો તો હતો જ. પણ ડોસી સદાયની આશાવાદી હતી એટલે વિચારવાનો સમય મેળવવા ત્રણેય ભાઈઓને, બીજે દિવસે બધી ભેંસોને ભેગી લઈ આવવાનું કહીને રવાના કરી દીધા.
બીજા દિવસે ભાઈઓ પેલી ૧૭ ભેંસ લઈને ગયા, એટલે ડોસીએ કહ્યું કે તેની પોતાની પાસે પણ એક ભેંસ છે, ને તાત્પુરતી તેનેય તે પેલી ૧૭ ભેંસમાં ઉમેરીને પછી ભાગ પાડશે.
ભાઈઓ કઈં સમજ્યા નહીં પણ ડોસીના ડહાપણ પર વિશ્વાસ હતો એટલે સહમત થયા. ડોસીએ પેલી ૧૭ ભેંસો ભેગી પોતાની એક ભેંસ ઉમેરીને ભાગ પાડવા શરૂ કર્યા.
હવે કુલ ભેંસ ૧૮ થઈ ગઈ, એટલે કુલ ભેંસની અડધી ભેંસ મોટા ભાઈને આપવી હવે શક્ય બની ગયું. મોટાભાઈને ૧૮ની અડધી, એટલે કે ૯ ભેંસ ગણી આપી.
વચલા ભાઈને કુલ ભેંસના ત્રીજા ભાગની દેવાની હતી, એટલે કુલ ૧૮ ભેંસના ત્રીજા ભાગની, મતલબ કે ૬ ભેંસ તેને પણ ગણી આપી.
નાના ભાઈને કુલ ભેંસના નવમા ભાગની ભેંસ આપવાની હતી એટલે કે કુલ ૧૮ ભેંસના નવમાં ભાગની, મતલબ કે બે ભેંસ નાનાભાઈને આપી દીધી.
આમ એકંદરે ૧૮માંથી મોટાભાઈને ૯, તો વચલાને ૬, અને નાનાને ૨ ભેંસ આપ્યા બાદ એક ભેંસ વધી. આ ભેંસ ડોસીએ પોતે રાખી લીધી, કારણ તેણે તેની પોતાની એક ભેંસ આમાં ઉમેરી હતી.
ત્રણેય ભાઈ ડોસીની આ ગણતરીથી સંતુષ્ટ થયા, ને ખુશી ખુશી ઘરે ગયા.
જીવનબોધ : આવી ક્ષણો આપણા બધાનાં જીવનમાં ક્યારેક ને ક્યારેક, ને એક કરતાં વધુ વાર પણ આવી હશે કે જ્યારે આપણા વલણની ચકાસણી થતી હોય છે. ધંધાકીય, નોકરિયાત, સામાજિક કે ઘરેલુ સમસ્યા ઉકેલવા વાટાઘાટો, સમજૂતી, તોલમોલ કરવા પડે, નેગોશીએશન્સ કરવા પડે.
આવે વખતે તે સમસ્યા તરફનો આપણો અભિગમ કામ કરી જાય છે. આ અભિગમ હંમેશા હકારાત્મક હોવો ઇચ્છનીય છે. ધંધામાં ઘરાક સાથે, નોકરીમાં બૉસ કે પછી કલાઇન્ટ્સ સાથે, ને ઘરમાં કુટુંબીજનો વચ્ચે. માતા અને પત્ની હોય, કે પછી પત્ની અને દીકરાની વહુ હોય. ‘તમારું તમે ફોડી લો, મને વચ્ચે ના નાખશો’. આવા નકારાત્મક વલણથી સમસ્યા ઉકલી નથી જવાની. ચરુ ઉકળતો જ રહેવાનો. દીકરી અને તેના સાસરિયાનો ય ટંટો હોઈ હોય. દરેક વખતે, બન્ને પક્ષને ગમી જાય તેવું કોમન ગ્રાઉન્ડ શોધવું એટલે જ આ ‘અઢારમી ભેંસ.’
બાકી પેલી ડોસીનું તો કઈં જ ન ગયું. તેની ભેંસ તો તેને પછી મળી જ ગઈ. પણ વાત બધાને ગમી જાય, ગળે ઉતરી જાય તે માટેનું આ કોમન ગ્રાઉન્ડ તે વચ્ચે લઈ આવી.
અને આવી અઢારમી ભેંસ આપણા સહુ પાસે હોઈ જ શકે, બસ એક આશાવાદ મનમાં હોવો ખપે કે સમસ્યાનો ઉકેલ જરૂર મળશે જ. આનો કોઈ ઉકેલ જ નથી એમ કરીને હાથ ખંખેરી નાખવાથી સમસ્યા જેમની તેમ જ રહી જાય છે.
ડોસી આશાવાદી હતી, રસ લઈને, હોપફુલ બનીને સમસ્યાને સમજવાનો પ્રયત્ન કર્યો, તો ખ્યાલ આવ્યો કે અઢારમી ભેંસ તો પોતાની પાસે જ છે, જે પેલા ભાઈઓની સમસ્યાનો ઉકેલ લાવીને પાછી પોતા પાસે જ આવી જવાની છે.
આમ હકારાત્મક વલણ, જીવન પ્રત્યેનો તંદુરસ્ત અભિગમ અને ભરપૂર આશાવાદ. આપણું અને બીજાઓનું પણ જીવન સુખમય બનાવી શકે છે. અઢારમી ભેંસ બની શકે છે.
– અશ્વિન મજીઠિયા. (અમર કથાઓ ગ્રુપ)