ઠગ વેપારી ગામના દરજીને ખોટા સિક્કા આપી જતો અને દરજી ખુશી ખુશી તેને લઇ લેતા, જાણો તે એવું એમ કરતા.

0
8721

એક ગામમાં એક દરજી રહેતા હતાં, સ્વભાવે પુરા સંત, મનના એકદમ વૈરાગી, નહીં રાગ નહીં દ્વેષ, સાદાઇ અને સરળતાને પણ ધર્મ સમજનારા, સત્યના આગ્રહી, કુટુંબનુ ભરણ પોષણ કરવા માટે દરજી કામ કરતા,તે પણ એવી જ શ્રધ્ધાથી.

તેમણે એક છોકરાને પોતાની દુકાને કામ પર રાખેલો, ગામમાં એક મારવાડી વેપારી ઘણો ઠગ, જ્યારે પણ આ દરજી પાસે કપડા સીવડાવે ત્યારે જાણી જોઇને ખોટા આવીગયેલા સિક્કાઓ દરજીને પધરાવી દે, દરજી કાંઇ બોલે નહીં એટલે મારવાડી વેપારી સમજતો કે આ દરજીને ખોટા સિક્કાની કાંઇ સમજ પડતી લાગતી નથી. આ વાતનો તે અવારનવાર ગેરલાભ ઉઠાવે.

એક વાર દરજી ઘરે જમવા ગયા ત્યારે દુકાન પર પેલો છોકરો એકલો જ હતો. મારવાડી વેપારી દરજીની દુકાને સીવવા નાખેલા કપડા લેવા આવ્યો. રાબેતા મુજબ ભુલથી આવીગયેલા ખોટા સિક્કાઓ લઇને જ આવ્યો હતો.

છોકરો ચાલાક હતો, તેને ગોતી ગોતીને ખોટા સિક્કા મારવાડીને પાછા આપ્યા અને કહ્યું – આ ખોટા સિક્કાઓ છે નહીં ચાલે, બદલીને બીજા આપો. મારવાડીએ કહ્યું – તું તો નોકર છે તને શું ખબર પડે, તારા શેઠ તો ક્યારેય ખોટા સિક્કા પાછા આપતા નથી, લઇલે છાનોમાનો. છોકરાએ કહ્યું – મારા શેઠ હોય ત્યારે આવજો જાવ.

દરજી દુકાન પર આવ્યા ત્યારે છોકરાએ મારવાડી વાળી આખી વાત કરી, અને કહ્યું – તે મને ઠગવા આવ્યો હતો, મે તેને ઘર ભેગો કરી દીધો. દરજીએ છોકરાને કહ્યું – બેટા લઇ લેવા જોઇતા હતાં. તે કેમ ન લીધા? છોકરાએ કહ્યું – શેઠ શા માટે તમે ખોટા સિક્કા લઇ લો છો. પછી તમે તેનું શું કરો છો?

દરજીએ કહ્યું – બેટા હું તે બધા સિક્કા જમીનમાં દાટી દઉં છું કારણ કે જો તે સિક્કાઓ ફરતા રહે તો કોણ જાણે કેટલાય લોકોને ઠગે, તેને ચુપ ચાપ ચલાવી દેવા માટે કેટલાય લોકોની નિયત ખરાબ થાય. સારા માણસો પણ આ દુશ્ચક્રમાં આવતા રહે, તેના કરતા આવા દુશ્ચક્રને જમીનમાં દાટીને જો ખતમ કરી શકતાં હોઇએ તો આપણું બગડી બગડીને કેટલું બગડે? બેટા ઘણી ખરી વ્યવસ્થા આપણે જ સંભાળી લેવી પડે, બધું ઇશ્વર પર ન છોડાય.

– અજ્ઞાત.

(ગુજરાતી સાહિત્ય પર મુકાયેલી પોસ્ટ)