ચંદ્ર દેવને આ કારણો સર પ્રજાપતિ દક્ષ દ્વારા મળ્યો હતો ક્ષય રોગનો શ્રાપ, વાંચો પુરાણ કથા.

0
750

પ્રજાપતિ દક્ષ અને ચંદ્ર દેવ :

આપણી શ્રેષ્ઠ પુરાણ કથાઓ.

તારીખ :02\10\2021ને શનિવાર

પ્રજાપતિ દક્ષે પોતાની અશ્વિની આદિ સત્તાવીસ કન્યાઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો હતો. ચંદ્રમાને સ્વામીના રૂપમાં મેળવીને તે દક્ષકન્યાઓ વિશેષ શોભા પામવા લાગી. તથા ચંદ્રમા પણ એમને પત્નીના રૂપમાં મેળવીને નિરંતર સુશોભિત થવા લાગ્યો. આ બધી પત્નીઓમાં જે રોહિણી નામની પત્ની હતી, એકમાત્ર તે ચંદ્રમાને જેટલી પ્રિય હતી એટલી અન્ય કોઈ પત્ની ક્યારેય પ્રિય ન બની. આથી અન્ય સ્ત્રીઓને ભારે દુ:ખ થયું. તે દરેક પોતાના પિતાજીના શરણે ગઈ. ત્યાં જઈને એમણે જે કંઈ દુ:ખ હતું, એનું વર્ણન પિતા પાસે કર્યું

પોતાની પુત્રીઓની વાત સાંભળીને દક્ષ પણ દુ:ખી થયો અને ચંદ્રમાની પાસે આવીને શાંતિથી કહ્યું. ‘તમે નિર્મળ કુળમાં ઉત્પન્ન થયા છો. તમારા આશ્રમમાં રહેતી જેટલી સ્ત્રીઓ છે, તે બધાને પ્રતિ તમારા મનમાં ન્યૂનાધિકભાવ કેમ છે? તમે કોઈને વધારે અને કોઈને ઓછો સ્નેહ કેમ કરો છો? અત્યાર સુધી જે થયું તે થયું. હવે પછી આવું કરશો નહિ.’

પોતાના જમાઈને આમ કહીને પ્રજાપતિ દક્ષ પોતાના સ્થાને ચાલ્યા ગયા. દક્ષને મનમાં થઈ ગયું હતું કે હવે પછી જમાઈ આવો વ્યવહાર કરશે નહિ અને દરેકને સમભાવે સ્નેહ તથા આદર કરશે.

પરંતુ ચંદ્રમાએ ભાવીથી વિવશ થઈને એમની વાત માની નહિ. તેઓ રોહિણીમાં એટલા આસક્ત થઈ ગયા હતા કે બીજી કોઈ પત્નીનો આદર કરતો નહોતો. આ તરફ આ વાત સાંભળીને પ્રજાપતિ દક્ષ દુ:ખી થઈ ગયા; તેમણે ચંદ્રમાને સમજાવવાનો ફરીથી પ્રયત્ન કર્યો. પરંતુ છેવટે ક્રોધિત દક્ષે શાપ આપ્યો, ‘ચંદ્રમા, મેં આ પહેલાં અનેકવાર પ્રાર્થના કરી છે. છતાંય તમે મારી વાત માન્યા નથી. એટલા માટે આજે શાપ આપું છું કે તમને ક્ષયનો રોગ થઈ જાય.

પ્રજાપતિ દક્ષના શાપનો પ્રભાવ તરતજ ચંદ્રમા પર પડયો. ક્ષણભરમાં ચંદ્રમા ક્ષયરોગથી ગ્રસ્ત થઈ ગયો. ચંદ્રમા ક્ષીણ થતાં એ સમયે હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ અને ઋષિઓ કહેવા લાગ્યા ઓહ…! હવે શું કરવું જોઈએ! ચંદ્રમા શી રીતે સ્વસ્થ થશે?’ આમ સૌ દુ:ખી થઈ ગયા.

ચંદ્રમાએ દેવતાઓ અને ઋષિઓને પોતાની વાત જણાવી.

ત્યારે ઈન્દ્ર આદિ દેવતાઓ તથા વશિષ્ઠ આદિ ઋષિઓ બ્રહ્માજીના શરણમાં ગયા. એમની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું. દેવતાઓ, જે થયું તે થયું ! એમાં અત્યારે કંઈ જ થશે નહિ. એના નિવારણ માટે હું તમને એક ઉત્તમ ઉપાય બતાવું છું.

દેવતાઓ બ્રહ્માજીની સામે જોઈ રહ્યાં.

બ્રહ્માજીએ કહ્યું: દેવતાઓ, ચંદ્રમા તમારી સાથે પ્રભાસ નામના શુભ ક્ષેત્રમાં આવે અને ત્યાં મૃત્યુંજય મંત્રનો વિધિપૂર્વક અનુષ્ઠાન કરે, ભગવાન શિવની આરાધના કરે. ત્યાં પોતાની સામે શિવલિંગની સ્થાપના કરીને ચંદ્રદેવ નિત્ય તપસ્યા કરશે તો એનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ એમને ક્ષય રહિત કરી ત્યારે દેવતાઓ તથા ઋષિઓના કહેવાથી તથા બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ચંદ્રદેવે ત્યાં (પ્રભાસ) છ મહિના સુધી નિરંતર તપસ્યા કરી. મૃત્યુંજય મંત્રથી ભગવાન વૃષભધ્વજનું પૂજન કર્યું.

ચંદ્રદેવની તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને ચંદ્રમાને કહ્યું: ચંદ્રદેવ ! તારું કલ્યાણ થાઓ. તારા મનની જે ભાવના હોય તે જણાવ. હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. હું તને ઉત્તમ વર પ્રદાન કરીશ.’

ચંદ્રમાએ કહ્યું: દેવેશ્વર ! જો આપ પ્રસન્ન છો તો મારા માટે શું અસાધ્ય હોઈ શકે છે. પ્રભુ ! આપ મારા શરીરના આ ક્ષયરોગનું નિવારણ કરો. મારાથી જે કંઈ અપરાધ થયો હોય તો ક્ષમા પ્રદાન કરો.

શિવજીએ કહ્યું. ચંદ્રદેવ ! હું તને વરદાન આપું છું કે મહિનાના એક પક્ષમાં પ્રતિદિન તમારી ક્લા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં ફરીને તે નિરંતર વધતી રહેશે.’
ત્યારપછી ચંદ્રમાએ ભક્તિભાવથી ભગવાન શંકરની સ્તુતિ ગાઈ.

ભગવાન શિવજી અંતર્ધાન થઈ ગયા.

દેવતાઓ પર પ્રસન્ન થઈને તે ક્ષેત્રના મહાસ્યને વધારવા તથા ચંદ્રમાના યશનો વિસ્તાર કરવા માટે ભગવાન શંકર એમના નામ પર ત્યાં સોમેશ્વર કહેવાયા અને સોમનાથના નામથી ત્રણેય લોકમાં વિખ્યાત થયા.

– સૌજન્ય કૃપાલસિંહ જાડેજા (Kripalsinh Jadeja) (અમર કથાઓ ગ્રુપ)