આ તારીખથી શરુ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી, અહીં જાણો તેની દરેક તિથિ અને મુહૂર્ત.

0
531

ચૈત્ર નવરાત્રી 2023 : જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ અને કળશ સ્થાપનાની વિધિ.

ચૈત્ર નવરાત્રી એ દેવી દુર્ગાને સમર્પિત એક ખૂબ જ પ્રખ્યાત અને મુખ્ય તહેવાર છે, જે ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 2023 માં ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થશે? કળશ સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવી? એ જાણવા માટે આ લેખ અંત સુધી વાંચજો.

સનાતન ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે, જેને હિન્દુઓ ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવે છે. નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાને સમર્પિત પવિત્ર તહેવાર છે અને તે વર્ષમાં કુલ ચાર વખત આવે છે. આ ચાર નવરાત્રીના નામ આ પ્રમાણે છે : મહા, અષાઢ, ચૈત્ર અને આસો નવરાત્રી. વિશ્વભરમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવતી નવરાત્રિ દરમિયાન દેવી શક્તિના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

દર વર્ષે મહા, અષાઢ, ચૈત્ર અને આસો આ ચાર નવરાત્રિ ઉજવવાનું વિધાન છે, પરંતુ આ ચાર નવરાત્રીઓ પૈકી મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રિ ગણવામાં આવે છે. આ સિવાય ચૈત્ર અને આસો નવરાત્રી એ બે નવરાત્રી છે જેનું હિન્દુ ધર્મમાં સૌથી વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી વસંતઋતુમાં ઉજવવામાં આવે છે, તેથી તેને ‘વાસંતી નવરાત્રી’ પણ કહેવામાં આવે છે.

આ સાથે જ ચૈત્ર નવરાત્રિનું વિશેષ સ્થાન છે કારણ કે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ મરાઠી નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. ચૈત્રમાં આવતી નવરાત્રિને ચૈત્ર નવરાત્રિ કહેવાય છે અને શરદ ઋતુમાં આવતી નવરાત્રિને શરદ નવરાત્રિ અથવા શારદીય નવરાત્રિ કહેવાય છે.

ચૈત્ર નવરાત્રી 2023 તિથિ :

ઘટ સ્થાપના મુહૂર્ત – સવારે 06:29 થી સવારે 07:39 સુધી, 22 માર્ચ 2023

સમયગાળો – 01 કલાક 10 મિનિટ

ચૈત્ર નવરાત્રી 2023 તિથિ

ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ (22 માર્ચ 2023) – પ્રતિપદા તિથિ, માતા શૈલપુત્રીની પૂજા, ઘટ સ્થાપના

ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ (23 માર્ચ 2023) – દ્વિતિયા તિથિ, માતા બ્રહ્મચારિણીની પૂજા

ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ (24 માર્ચ 2023) – તૃતીયા તિથિ, માતા ચંદ્રઘંટાની પૂજા

ચૈત્ર નવરાત્રીનો ચોથો દિવસ (25 માર્ચ 2023) – ચતુર્થી તિથિ, માતા કુષ્માંડાની પૂજા

ચૈત્ર નવરાત્રીનો પાંચમો દિવસ (26 માર્ચ 2023) – પંચમી તિથિ, માતા સ્કંદમાતાની પૂજા

ચૈત્ર નવરાત્રી છઠ્ઠો દિવસ (27 માર્ચ 2023) – ષષ્ઠી તિથિ, માતા કાત્યાયનીની પૂજા

ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ (28 માર્ચ 2023) – સપ્તમી તિથિ, માતા કાલરાત્રીની પૂજા

ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ (29 માર્ચ 2023) – અષ્ટમી તિથિ, માતા મહાગૌરીની પૂજા, મહાઅષ્ટમી

ચૈત્ર નવરાત્રીનો નવમો દિવસ (30 માર્ચ 2023) – નવમી તિથિ, માતા સિદ્ધિદાત્રી પૂજા, દુર્ગા મહાનવમી, રામ નવમી

દસમા દિવસે નવરાત્રિ વ્રતના પારણાં કરવામાં આવશે.

ચૈત્ર નવરાત્રીનું મહત્વ :

દેવી દુર્ગાના ભક્તો આખું વર્ષ ચૈત્ર નવરાત્રીની રાહ જોતા હોય છે. ચૈત્ર નવરાત્રીનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી ઉનાળાની ઋતુની શરૂઆત કરે છે અને પ્રકૃતિ એક નોંધપાત્ર આબોહવાના પરિવર્તનમાંથી પસાર થાય છે. ચૈત્ર નવરાત્રી સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે.

ચૈત્ર શુક્લની પહેલી તિથિથી શરૂ થતી નવરાત્રિ નવમી તિથિએ પૂરી થાય છે. ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે નવમી તિથિ ભગવાન શ્રીરામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તિથિને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે અયોધ્યામાં માતા કૌશલ્યાના ગર્ભમાંથી ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આ કારણે ચૈત્ર નવરાત્રીને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ કોઈપણ નવા કે શુભ કાર્યની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપો :

ચૈત્ર નવરાત્રીના નવ દિવસો દરમિયાન આદિશક્તિના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાન કરવામાં આવે છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપો નીચે મુજબ છે.

માતા શૈલપુત્રી : માઁ દુર્ગાના નવ સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે જે ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે તે શૈલપુત્રી તરીકે ઓળખાયા. તેમનું વાહન વૃષભ છે અને તેઓ વૃષારુઢા તરીકે પણ ઓળખાય છે.

માઁ બ્રહ્મચારિણી : માઁ બ્રહ્મચારિણી દેવી દુર્ગાનું બીજું સ્વરૂપ છે અને તે સફેદ વસ્ત્રો પહેરે છે. દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને જ્યોતિર્મય છે, તેમની પૂજા કરવાથી મંગળ ગ્રહની નકારાત્મક અસર દૂર થાય છે.

માઁ ચંદ્રઘંટા : દેવી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ માઁ ચંદ્રઘંટા છે જે શુક્ર ગ્રહને નિયંત્રિત કરે છે અને તેમનું વાહન સિંહ છે. દેવીની પૂજા કરવાથી શુક્રની અશુભ અસરોથી રક્ષણ મળે છે.

માઁ કુષ્માંડા : દેવી દુર્ગાનું ચોથું સ્વરૂપ માઁ કુષ્માંડા છે જે સૂર્ય ભગવાનને માર્ગદર્શન આપે છે. સિંહ દેવી કુષ્માંડાનું વાહન છે અને તેમની પૂજા કરવાથી સૂર્યની નકારાત્મક અસરોથી રક્ષણ મળે છે.

માઁ સ્કંદમાતા : દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ માઁ સ્કંદમાતાની પૂજા નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી બુધ ગ્રહ સાથે જોડાયેલા દોષો અને તેની આડ અસર સમાપ્ત થાય છે.

માઁ કાત્યાયની : નવરાત્રિના છઠ્ઠા દિવસે માઁ કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ગુરુ ગ્રહ સંબંધિત દુષ્પ્રભાવો દૂર થાય છે.

માઁ કાલરાત્રી : દેવી દુર્ગાનું સાતમું સ્વરૂપ માઁ કાલરાત્રી છે જેમની પૂજા સપ્તમીના દિવસે કરવામાં આવે છે. માઁ કાલરાત્રિ શનિ ગ્રહને નિયંત્રિત કરે છે અને તેમની પૂજા કરવાથી શનિદેવની અશુભ અસર ઓછી થાય છે.

માઁ મહાગૌરી : દેવી મહાગૌરી એ માઁ દુર્ગાનું આઠમું સ્વરૂપ છે જેમની પૂજા અષ્ટમી તિથિ પર કરવામાં આવે છે. દેવીની પૂજા કરવાથી રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.

માઁ સિદ્ધિદાત્રી : નવરાત્રિના નવમા અને છેલ્લા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દેવી કેતુ ગ્રહને નિયંત્રિત કરે છે અને તેની પૂજા કરવાથી કેતુની ખરાબ અસરોથી બચવામાં મદદ મળે છે.

ચૈત્ર નવરાત્રીમાં ઘટસ્થાપનનું મહત્વ :

ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ શુભ દિવસે ઘટસ્થાપન અથવા કળશની સ્થાપના કર્યા પછી દેવી શક્તિના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. કળશ સ્થાપના પૂર્ણ થયા પછી જ નવરાત્રિનો તહેવાર શરૂ થાય છે. શાસ્ત્રો અનુસાર, કળશને પ્રથમ ઉપાસક શ્રી ગણેશની સંજ્ઞા આપવામાં આવી છે.

હિન્દુ શાસ્ત્રો અનુસાર કોઈપણ શુભ કાર્ય અને પૂજા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે આપણે નવરાત્રી દરમિયાન માઁ દુર્ગાની પૂજામાં કળશની સ્થાપના શા માટે કરીએ છીએ? કળશ સ્થાન સાથે સંબંધિત પૌરાણિક ગ્રંથોમાં એક માન્યતાનું વર્ણન છે, જે મુજબ કળશને ભગવાન વિષ્ણુનું શાશ્વત સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાની પૂજા કરતા પહેલા કળશની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિના દિવસે કળશ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે.

કળશ સ્થાપન પૂજા વિધિ :

નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પૂજા સ્થળની સફાઈ કરો.

માઁ દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કર્યા પછી ફૂલ ચઢાવો.

દેવી દુર્ગાની સામે ડાબી બાજુ માટીના ખુલ્લા વાસણમાં માટી નાખીને સપ્તધાન અથવા જવ વાવવા જોઈએ.

હવે આ માટી પર 1 કળશ સ્થાપિત કરો અને તે કળશમાં પાણી ભરો.

આ પછી કળશના ઉપરના ભાગ એટલે કે ગળા પર નાડાછડી બાંધો.

હવે કળશની ઉપર આંબા અથવા આસોપાલવના પાન મૂકો, પછી તે પાંદડાઓની વચ્ચે નાળિયેર સ્થાપિત કરો અને તેના પર નાડાછડી બાંધો.

આ પછી સાચા મનથી માતા દુર્ગાનું આહ્વાન કરો અને દીવો પ્રગટાવીને કળશની પૂજા કરો.

દેવીની વિધિવત પૂજા કર્યા પછી, દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો. પૂજા પૂરી થયા પછી આરતી કરો અને દેવીને પ્રસાદ અર્પણ કર્યા પછી બધાને પ્રસાદ વહેંચો.

ચૈત્ર નવરાત્રી સાથે સંકળાયેલા તહેવારો : ચૈત્ર નવરાત્રિની પ્રતિપદા તિથિનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે અને આ દિવસે પ્રથમ નવરાત્રિ સિવાય દેશના વિવિધ ભાગોમાં અનેક તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે.

ગુડી પડવો : ગુડી પડવાનો તહેવાર મુખ્ય રૂપથી મહારાષ્ટ્રમાં હિન્દુ નવા વર્ષની શરૂઆત થવાની ખુશીમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. મરાઠી પંચાંગ મુજબ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા (એકમ) તિથિથી શરૂ થાય છે અને ગુડી પડવો આ દિવસે જ ઉજવવામાં આવે છે.

ઉગાડી : ભારત વિવિધતાઓ અને સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે અને અહીં વિવિધ રીતિ-રિવાજો, પર્વ અને તહેવારો ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના અવસર પર દક્ષિણ ભારતમાં ઉગાડી ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ઉગાડીને તેલુગુ નવવર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.