જાણો ક્યારે છે ચૈત્ર વદ સંકષ્ટી ચતુર્થી, વાંચો તેની વ્રત કથા અને જાણો તેનું માહાત્મ્ય.
આ વર્ષે ચૈત્ર માસના વદ પક્ષનું સંકષ્ટી ચતુર્થી વ્રત 10 એપ્રિલ 2023 સોમવારના રોજ આવી રહ્યું છે. આવો આ વ્રતની વ્રત કથા અને માહાત્મ્ય જાણીએ.
મકરધ્વજ રાજાની કથા
ફાગણ મહિનાની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સમાપ્ત થતાં શૌનકાદિ ઋષિ-મુનિઓ કહેવા લાગ્યા : હે સૂતજી, હવે તમે ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આવતી શ્રીગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કહેવાની કૃપા કરો તો સારું.
સૂતજી બોલ્યા : પાર્વતી માતાજીએ શ્રીગણેશજીને પૂછ્યું, હે ગણેશજી, ચૈત્રની વદ ચતુર્થીને દિવસે શ્રીગણેશ પૂજા કઈ રીતે કરવી? એ દિવસે કયું ભોજન લેવું? આ માસના દેવનું નામ શું છે? પૂજાનાં વિધિવિધાન ક્યા છે? તે વિશે તમે સવિસ્તાર કહો.
શ્રી ગણપતિજી બોલ્યા : હે મહાદેવી, ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે. ત્યારે શ્રીગણેશજીની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ. વિનાયકનું લક્ષણ વિઘ્નકર્તાનું છે. સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, તપ, યજ્ઞ, પૂજન આદિમાં વિઘ્ન નાખે છે વિનાયક. તેથી તેમને વિઘ્નેશ્વર પણ કહેવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવાને શ્રીગણેશજીનું સૌ પ્રથમ પૂજન કરવામાં આવે છે. આથી તેઓ પ્રસન્ન રહીને કોઈ વિઘ્ન લાવે નહીં અને શાંતિ તથા આનંદથી કાર્ય કરી શકાય.
વિધિ પ્રમાણે પૂજનવિધિ કરવો જોઈએ. આખો દિવસ વ્રત રાખીને રાત્રે ષોડશોપચાર પૂજન કરવું. બ્રહ્મભોજન કરાવ્યા પછી વ્રતીએ પોતે પંચગવ્ય-ગાયનું છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘી નું પાન કરવું. આ વ્રત સંકટનાશક છે. એ દિવસે ચોખ્ખું ઘી અને બિજોરાંથી હવન કરવાથી નિઃસંતાન સ્ત્રી પણ પુત્રવતી થાય છે. હે શૈલપુત્રી, એની કથા ઘણી અદ્ભુત છે, જેના કેવળ સ્મરણથી જ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે ચૈત્ર માસમાં આવતી શ્રીગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા હું તમને કહી સંભળાવું છું, તે સાંભળો.
પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના એક રાજા હતા. તે પ્રજાપાલક હતા. તેમના રાજ્યમાં કોઈ ગરીબ નહોતું. ચારે ય વર્ણો – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – પોતાના ધર્મનું સુપેરે પાલન કરતા હતા. લોકોને ચોર-ડાકુનો કોઈ પણ જાતનો ડર નહોતો. બધી પ્રજા ધર્મચુસ્ત, ઉદાર, બુદ્ધિવંત, દાનવીર અને ધર્મપરાયણ હતી.
આ બધું જ હોવા છતાં યે રાજા મકરધ્વજને એકે ય પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. થોડા વખત પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ. રાજ્યનો વહીવટ પ્રધાન પર છોડીને રાજા પુત્રનું પાલન કરવા લાગ્યા. રાજ્યનું શાસન પ્રધાન ધર્મપાલના હાથમાં આવતાં તે ધન-ધાન્યથી સમૃદ્ધ થઈ ગયો. તેને એક-એકથી ચડિયાતા પાંચ પુત્રો થયા. તે બધા પુત્રોનાં બડી ધૂમધામથી ધર્મપાલે લગ્ન કર્યાં. તે છૂટે હાથે ધનનો ઉપભોગ કરવા લાગ્યો.
સૌથી નાના પુત્રની વહુ ઘણી ધર્મપરાયણ હતી. ચૈત્ર વદ સંકષ્ટી ચતુર્થીને દિવસે તેણે ભક્તિભાવથી શ્રી ગણપતિજીનું પૂજન કર્યું. એ જોઈને તેની સાસુએ કહ્યું : અરે વહુ, તું આ વ્રત, તંત્ર, મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરવા માગે છે?
વારંવાર સાસુએ રોકવા છતાં વહુ ધર્મકર્મના કાર્યમાં પ્રવૃત્ત રહી. સાસુને લાગ્યું, કે વહુ મારા પ્રત્યે ધ્યાન જ આપતી નથી, એટલે તેણે પોતાના નાના પુત્રને કહ્યું, હે દીકરા, તારી આ વહુ વ્રત-બ્રત, જાદુ-ટોના કરીને આપણા કુટુંબ પર આફત લાવવા માગે છે. આ બધ ધતિંગો મને પસંદ નથી. માટે તું એને એ બધું છોડી દેવાની સ્પષ્ટ સૂચના આપી દે. અને જો તે નહીં માને તો તેને મેથીપાક ચખાડ. જે કંઈ કરવું હોય તે કર, પણ આ બધું બંધ કરાવી દે.
નાનો દીકરો સમજુ હતો. તેણે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું, હું જે વ્રત કરું છું તે સંકટમોચન શ્રીગણેશજીનું વ્રત છે. એ વ્રત તો સારું ફળ આપનારું છે.
વહુની વાત સાંભળીને સાસુએ પુત્રને કહ્યું, હે પુત્ર, તારી વહુ નક્કી જાદુ-ટોના કરે છે. મેં વારંવાર મના કરી હોવા છતાં તે મારું કે તારું પણ માનતી નથી. તે જીદ પર ચડેલી જણાય છે. માર માર્યા વિના તે સીધી થાય તેમ લાગતું નથી. હું ગણેશ-બણેશને જાણતી નથી. એ વળી કોણ ફૂટી નીકળ્યો છે? કે જે વહુને આટલી બધી ભરમાવે છે. આપણે રાજઘરાનાના લોકો કહેવાઈએ અને એ ગણપતિ વળી આપણા કયા સંકટને દૂર કરશે?
માતાની વાત સાંભળીને વહુની વાત નહીં માનીને પતિ તેને મારપીટ કરવા લાગ્યો. છતાં વહુએ પોતાના પૂજાપાઠ ચાલુજ રાખ્યાં. તેણે શ્રી ગણપતિદાદાને સાચા દિલથી પ્રાર્થના કરી, કે હે પ્રભુ, વિઘ્નહર્તા શ્રીગણેશજી, મારાં સાસુ અને પતિ વગેરેને એવો બોધપાઠ આપો, કે જેથી તેમના હૃદયમાં તમારી ભક્તિની ભાવના જાગે.
વિશ્વાત્મા ગણપતિજીએ વહુની પ્રાર્થના સાંભળીને તે જ વખતે રાજકુમારનું હરણ કરીને ધર્મપાલના મહેલમાં ક્યાંક સંતાડી દીધો. તેનાં વસ્ત્રાભૂષણો વગેરે રાજમહેલમાં ફેંકી દીધાં અને ભગવાન અંતર્ધાન થઈ ગયા.
હવે આ બાજુ ધર્મપાલ રાજાએ રાજકુમારને બૂમ પાડીને બોલાવ્યો, તો યે કંઈ જવાબ નહીં મળ્યો. પ્રધાનના મહેલમાં જઈને રાજાએ પૂછ્યું, રાજકુમાર ક્યાં ગયો? કોણે આવું નીચ કર્મ કર્યું છે? હે ભગવન્, રાજકુમાર ક્યાં ગયો હશે?
ચારે દિશામાં રાજકુમારની શોધાશોધ ચાલુ થઈ. રાજા અને નોકરો આખો મહેલ શોધી વળ્યા. કોઈ જગ્યાએ રાજકુમાર દેખાયો નહીં. રાજા-રાણીની ચિંતા વધી ગઈ.
આખરે રાજાએ પ્રધાન ધર્મપાલને બોલાવીને રાજકુમારના ગુમ થયાની વાત કરી અને કહ્યું : આખા રાજ્યમાં તત્કાળ નોકરોને મોકલીને તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે હાજર કરો.
પ્રધાન બોલ્યા : હે રાજન્, રાજકુમાર ક્યાં ગયા છે તેની મને કંઈ જ ખબર નથી. હું રાજ્યભરમાં ખૂણેખૂણે શોધ કરાવું છું. ધર્મપાલે રાજકુમારની શોધ માટે રાજ્યભરમાં ચારે દિશામાં સિપાઈઓ રવાના કર્યા. સિપાઈઓએ બધે ઘણી શોધખોળ કરી છતાં ક્યાં ય પણ રાજકુમારનો પત્તો લાગ્યો નહીં. પછી હતાશ થઈને ધર્મપાલે ડરતાં ડરતાં રાજાજીને જઈને વિગત જણાવી.
રાજાજી એ સાંભળીને ઘણા ગુસ્સે થઈ ગયા. તેમણે ધર્મપાલને કહ્યું : તેં જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે, કેમ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે. જો મારો રાજકુમાર મળશે નહીં તો હું તારો અને તારા આખા કુટુંબનો નાશ કરીશ.
રાજાજીની આવી ગંભીર ધમકી સાંભળીને ધર્મપાલ તો હેબતાઈ ગયો. તેને ડર પેઠો, કે રાજકુમાર જો નહીં મળશે તો રાજાજી મારા સમગ્ર કુટુંબનું નિકંદન કાઢી નાખશે.
પછી ધર્મપાલ પોતાના મહેલમાં આવ્યો. તે ઘણો ગમગીન અને ઉદાસ હતો. તેણે પોતાની પત્ની, પુત્રો અને વહુઓને પૂછ્યું, કે આ બરું કર્મ કોણે કર્યું? તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. મોં પર નૂર નહોતું. તેનાં ગાત્રો ધ્રૂજતાં હતાં.
ધર્મપાલની પત્નીએ તેને પૂછ્યું : હે સ્વામી, તમે તો રાજાજીને મળી આવ્યા છો. પછી શા માટે આટલા બધા નંખાઈ ગયા છો? શું રાજાજી તમારા પર ખફા થયા છે? કોઈ કડવાં વેણ કહ્યાં છે?
ત્યારે ધર્મપાલે પત્નીને વિગતે વાત કરી. પછી પુત્રો ને વહુઓને બોલાવ્યાં અને વિગતો જણાવી. આ સંકટમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઊગરવું તે માટે સલાહ આપવા સૌને જણાવ્યું. ધર્મપાલની મુંઝવણ જાણીને નાની વહુ બોલી હે પિતાજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમારા પર શ્રીગણેશજી કોપિત થયા છે. તેથી હવે શ્રી ગણપતિજીનું પૂજન-આરાધના કરવી જોઈએ.
વળી, રાજાજીથી માંડીને નગરની સઘળી પ્રજા – સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો – બધાં વિઘ્નહર્તા શ્રીગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો શ્રી ગણપતિજીની કૃપાથી રાજકુમાર જરૂરથી મળી જશે. મારું વચન કદાપિ મિથ્યા નહીં થાય.
નાની વહુની વાત સાંભળીને ધર્મપાલ ઊંડા વિચારમાં પડી ગયા. તેને નાની વહુની વાતમાં શ્રદ્ધા બેઠી. તેમણે શ્રી ગણેશજીનાં વ્રત-પૂજનવિધિ કેવી રીતે કરવાં તે પૂછ્યું. શ્રી ગણપતિજી આ સંકટમાંથી સમસ્ત કુટુંબને ઉગારી લે તે માટે મનમાં પ્રાર્થના કરી. નાની વહુને કહ્યું : હે વહુબેટી, તને ધન્ય છે. તું જ મારો તથા મારા કુળનો ઉદ્ધાર કરી શકશે એવો મને વિશ્વાસ છે. પછી નાની વહુની સલાહ પ્રમાણે રાજાજી, સઘળા પ્રજાજનો સહિત ધર્મપાલના કુટુંબે પણ શ્રીગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટહર્તા શ્રીગણેશ ચતુર્થીનાં વ્રત અને પૂજાનાં વિધિવિધાન શરૂ કર્યાં.
આથી શ્રીગણેશજી વ્રતથી પ્રસન્ન થયા. સૌના દેખતાં તેમણે રાજકુમારને મહેલમાં હાજ૨ કર્યો. આ જોઈને લોકો, રાજા-રાણી, ધર્મપાલ – સૌ કોઈ આશ્ચર્ય પામ્યા. રાજા-રાણીના હર્ષનો પાર નહીં રહ્યો. નગરમાં આનંદોત્સવ ઉજવાયો.
રાજાજી બોલ્યા : હે વિઘ્નવિનાયક, તમને વંદન કરીએ છીએ. ધર્મપાલની નાની વહુ-કલ્યાણીને પણ ધન્ય છે. તેની કૃપાથી મારો પુત્ર મને પાછો મળ્યો. હવે સર્વ પ્રજાજનોએ આ વ્રત સદા સર્વદા વિધિપૂર્વક કરવું. સૌ રાજાજીના આદેશનું પાલન કરવા લાગ્યા.
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : હે યુધિષ્ઠિર ધર્મરાજા, ત્રિલોકમાં આનાથી મોટું બીજું કોઈ વ્રત નથી. તમે પણ તમારા ક્લેશના નિવારણ અર્થે આ વ્રત અવશ્ય કરો.
ભગવાનના સ્વમુખેથી આ કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરીને યુધિષ્ઠિરે સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક ચૈત્ર કૃષ્ણ પક્ષ ચતુર્થીનો ઉપવાસ કર્યો. વિધિપૂર્વક પૂજન કર્યું. વિઘ્નહર્તા વિનાયક ભગવાનની કૃપાથી પોતે ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું.
।। ૐ હ્રીં ગઁ ગણપતયે નમઃ ।।
– વિરાનંદજી મહારાજ (શ્રીગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રર્તો માંથી)