એક સંન્યાસી નદી કિનારે બેઠા હતા. લાંબા સમય સુધી તેમને ત્યાં બેસી રહેલા જોઈ એક સજ્જને તેમને આશ્ચર્યપૂર્વક પૂછ્યું, ”બાપજી, અહીં બેસી રહેવાનું કારણ?”
સંન્યાસીએ જવાબ આપ્યો, “ભાઈ, મારે નદી પાર કરવી છે, પણ આ નદીમાં પાણી વહેતું બંધ થાય અને નદી સુકાય તેની રાહ જોઉં છું.”
પેલા માણસનું માથું ભમી ગયું, “અરે બાપજી, મગજ તો ઠેકાણે છે ને, એમ તો કાંઈ નદી સુકાતી હશે? આખો જન્મારો બેસી રહેશો તો પણ નદી પાર નહીં કરી શકો.”
સંન્યાસીએ કહ્યું, “ભાઈ, હું આજ વાત તો સૌને સમજાવવા માંગુ છું કે, લોકો હંમેશા કહેતા હોય છે કે એક વખત બધી જ જવાબદારીઓ પતાવી લઉં, ત્યાર બાદ મન ભરીને મોજ કરીશ, દુનિયા ફરીશ, સૌ કોઈને મળીશ, લોકસેવા કરીશ, પરિવાર માટે સમાજ માટે જીવીશ.”
“પણ જેમ આ નદીનું જળ ક્યારેય સુકાવાનું નથી, એજ રીતે મનુષ્યજીવનના કામો પણ ક્યારેય પુરા થવાના નથી. જેમ આ નદીનું જળ અનંત છે, એજ રીતે મનુષ્યજીવનની જવાબદારીઓનો પણ કોઈ જ અંત નથી. એટલા માટે મારે નદીના વહેણની સાથે જ નદી પર કરવી પડશે તેવી જ રીતે તમારે લોકોએ જીવનની જવાબદારીઓ નિભાવતા નિભાવતા જીવનનો આનંદ લેવો પડશે, નહીં તો આમ ને આમ જ જીવન પૂરું થઈ જશે.”
મિત્રો, આ કથા નાની છે પણ તેનાથી મળતી શીખ ઘણી મોટી છે. જો આપણે આ વાતને સમજી લઈશું તો જીવન સુખદ રીતે પસાર થશે.
– લેખક અજ્ઞાત, સ્ટોરી ઉપયોગી લાગી એટલે તમારી સાથે શેર કરી છે.