ચાણક્યની આ સમજણ જો દરેક લોકોમાં આવી જાય તો બધાનું જીવન ધન્ય થઈ જાય.

0
634

ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી તરીકે કામ કરતા હતા તે સમયની આ વાત છે. એકવાર સાંજના સમયે ચાણક્ય પોતાના ઘર પર કોઈ કામ કરી રહ્યા હતા. ચીનનો એક માણસ ભારતના પ્રવાસે આવ્યો હતો અને ચાણક્યના કાર્યની વાતો સાંભળીને તેને મળવા આવ્યો હતો. ચાણક્ય કામમાં ડૂબેલા હોવાથી પેલા મુલાકાતીને થોડો સમય રાહ જોવા માટે વિનંતી કરી અને કામ પૂરું કરીને આપણે વાતો કરીએ એમ કહ્યું અને કામમાં લાગી ગયા.

કામ પૂરું થયું એટલે ચાણક્યએ દૂર બેઠેલા પેલા મુલાકાતીને નજીક બોલાવ્યો અને બંને વાતોએ વળગ્યા. આ સમય દરમ્યાન થોડીવારમાં નોકર એક દીવો લઈને આવ્યો. આ બંને વાત કરતા હતા ત્યાં એક બીજો દીવો સળગતો હતો. નોકરે પેલા સળગી રહેલા દીવાની જગ્યાએ નવો લાવેલો દીવો મુક્યો અને પેલા દીવાને ધીમેથી ફૂંક મારીને ઓલવી નાખ્યો.

ચીનથી આવેલા મુલાકાતીએ આ જોયું એટલે એ પૂછ્યા વગર ન રહી શક્યો કે આવું કેમ કર્યું? એક દીવો પહેલેથી જ અહીંયા સળગતો હતો તો એને ઓલવીને આ નવો દીવો કેમ લાવ્યા?

ચાણક્યએ હસતા હસતા જવાબ આપ્યા, ‘‘ભાઈ તમે જયારે મને મળવા માટે આવ્યા ત્યારે હું રાજયનું કામ કરતો હતો અને ત્યારે જે દીવો સળગતો હતો એના તેલનો ખર્ચ રાજયના ભંડોળમાં પડતો હતો. અત્યારે તમારી સાથે વાત કરું છું એ રાજ્યનું કોઈ કામ નથી. આ મારું અંગત કામ છે અને એટલે હું રાજયનું તેલ મારા અંગત કામ માટે ના બાળી શકું. મારા નોકરને સૂચના આપેલી છે કે જ્યારે મારું અંગત કામ ચાલતું હોય ત્યારે રાજ્યના ભંડોળમાંથી તેલ માટે ખર્ચ થતો હોઇ તે નહીં પણ મારા અંગત પગારમાંથી તેલનો ખર્ચો પડે એવો બીજો દીવો સળગાવવો.”

પેલો ચીની મુલાકાતી તો ચાણક્યની સામે જ જોઈ રહ્યો.

રજાના દિવસોમાં પરિવારને બહાર ફરવા લઈ જવા માટે અને ચાલુ દિવસોએ બાળકોને લઇ લાવવા, લઈ જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કરનારા સરકારી અધિકારીઓ – કર્મચારીઓને પ્રેમપૂર્વક અર્પણ !

પ્રેરણાની પતવાર – શૈલેષભાઇ સગપરિયા.

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)