સુગંધાને દાદી સાથે બહુ ફાવતું.. પપ્પાની નોકરીવાળા, દુરના અજાણ્યા શહેરમાં દાદા દાદીને ફાવે નહીં.. એટલે એટલે વતનના નાના શહેરમાં રહે.. પણ વેકેસન પડે કે તરત જ એ દાદી પાસે આવી જતી.
એને દશમામાં સારા ટકા આવ્યા.. મેડીકલ માટે તૈયારી કરવા અગીયાર બારના બે વરસ સુધી એ આવી શકી નહીં.. પણ જેવી બારમાની પરીક્ષા પતી.. કે તરત જ ઉતાવળી થવા માંડી..
પપ્પાને રજા મળવામાં મોડું થાય એમ હતું.. તો એણે કહ્યું.. ” હવે તો હું મોટી થઈ ગઈ છું, એકલી પહોંચી જઈશ..” અને એ એકલી દાદી પાસે પહોંચી ગઈ..
બે વરસ પછી પૌત્રીને નજર સામે જોતાં , દાદીની આંખો છલકાઈ ગઈ.. સુગંધા પણ દાદીને મીનીટો સુધી વળગી રહી.. પણ તરત જ ફરિયાદ કરી..
” બા, મારી મમ્મી કહેતી હતી કે મારું નામ તમે પાડ્યું છે.. તમે આવું નામ કેમ પાડ્યું? મને બેનપણીઓ અગરબત્તી કહીને ખીજવે છે..”
” ભલેને કહે.. પણ તારે સ ળગવું ના જોઈએ..”
” બા, તમેય મને અગરબત્તી સમજો છો.. હું રિસાઈ જઈશ.. હો..”
દાદીએ એનો હાથ હાથમાં લીધો.. ” તું સાવ નાની હતી, ત્યારે હું જ તને નવડાવીને તૈયાર કરતી.. પછી તારા ગાલને સુંઘતી.. મને તારી સુગંધ બહુ જ ગમતી.. એટલે નામ સુગંધા રાખ્યું.. બોલ..”
ગામથી થોડે દુર નદી કાંઠે હનુમાનનું મોટું મંદિર હતું.. ત્યાં ચૈત્રી પૂનમે સાંજે જાહેર પ્રસાદ રખાતો.. રાતે મેળો ભરાતો.. લોકો ચાંદનીમાં નદીના વિશાળ પટમાં રાતના મોડે સુધી આનંદ પ્રમોદ કરતા..
આજે ચૈત્રી પૂનમ હતી.. સુગંધા અને દાદી ગયાં, પ્રસાદ લીધો, દર્શન કર્યા.. સુગંધા તો નદી જોઈને ખુશખુશાલ થઈ ગઈ.. દુર સુધી દાદીને દોરી ગઈ, એક જગ્યાએ રેશમ જેવી રેતી પર બેઠાં.. દુર એક ટોળકી રાસ લઈ રહી હતી.. ગીત વગડી રહ્યું હતું.. ‘ ચાંદો ઉગ્યો ચોકમાં ઘા યલ.. ચાંદો ઉગ્યો ચોકમાં.. ઠીકને ઠેકાણે વેલો આવજે રે.. અરજણિયા..’
સુગંધા બોલી ” બા , કંઈક વાત કરોને..”
થોડીવાર પછી દાદી બોલ્યા.. ” જો, તને ગીત સંભળાય છે ને? એની વાત કરું.. પણ તું કોઈને કહેતી નહીં..”
” અમારી સગાઈ થઈ , ત્યારે હું તારા જેવડી હતી.. એ વખતે અત્યારની જેમ હળવા મળવાનો રિવાજ ન હતો.. એકવાર તારા દાદા અમારે ઘરે આવ્યા.. અમને બેયને મળવાની ખુબ તાલાવેલી હતી.. તે દિવસે શરદ પૂનમ હતી.. અમે બધી બેનપણીઓ અગાસીમાં ભેગી થવાની હતી.. મેં એક ચીઠ્ઠીમાં ચોકમાં મળવાનું લખી, તારા દાદાને આપી.. એ પણ બહાનું કાઢીને ત્યાં આવ્યા.. અને અમે સગાઈ પછી પહેલીવાર મળ્યા..”
” તો બા, તમે ઘણી વાતો કરી હશે.. નહીં?”
” અમે બેયે હાથ ઝાલ્યા.. એણે પુછ્યું.. ‘ક્યારે આવવું છે?’ મેં કહ્યું.. ‘જાવ, જાન લઈ આવો..’ ને મુલાકાત પુરી..”
” બા , આ વાત હું મારી એક પાકી બેનપણીને કહી દઈશ.. બહુ મજાની વાત છે..”
” વળી કોણ છે.. એ તારી પાકી બેનપણી..?”
સુગંધાએ દાદીને બથ ભરી.. ” આ રહી..”
દાદી બોલ્યા.. ” જા.. ને.. ધુ તારી..”
– જયંતીલાલ ચૌહાણ ૯-૮-૨૧