છૂટક મજૂરી કરનારને મળ્યા હીરા, પછી તેણે જે કર્યું તે આજે ઘણા ઓછા લોકો કરે છે, વાંચવા જેવી લઘુકથા.

0
521

લઘુકથા – હિરો :

– માણેકલાલ પટે.

હિરાભાઈ નાનો માણસ. છૂટક મજૂરી કરી પરિવારનું પરાણે પૂરું કરે. ગામની કોઈ વાતમાં આવા માણસને તો કોઈ કંઈ પૂછે જ નહિ.

પણ, એક દિવસ અચાનક બધા એમને “કેમ છો, હિરાભાઈ?” આવું પૂછવા માંડ્યા એટલે એમને પણ નવાઈ લાગવા માંડી.

આખા ગામનુ વાતાવરણ અચાનક બદલાઈ ગયેલું. બધા હિરાભાઈને માનની નજરે જોવા માંડેલા.

વાત એવી બનેલી કે થોડા દિવસ પહેલાં સવારે હિરાભાઈ ઘરેથી રોડ પરની હોટલે જવા નીકળેલા ત્યારે દલીચંદ શેઠનો સામાન ભરાતો હતો. એ પરિવાર સાથે શહેરમાં રહેવા જતા હતા.

હિરાભાઈ પાછા વળ્યા ત્યારે સામાન ભરીને ટેમ્પો અને શેઠનો પરિવાર તો નીકળી ગયો હતો. પણ, સામાન ભરતી વખતે છાપાની પસ્તી, ખાલી ખોખાં અને વધારાનો જે જે કચરો હતો એ ઓટલાની બાજુમાં ઢગલો કરીને રાખ્યો હતો.

હિરાભાઈ ત્યાંથી નીકળ્યા ત્યારે એમની નજર એ કચરામાં પડેલી એક સ્ટીલની ડબ્બી પર પડેલી.

એમણે એ ડબ્બી ખોલીને જોઈ તો એમાં ચળકાટ વાળા થોડા ટુકડા હતા. એમણે ઘરે આવીને ફરીથી ડબ્બીમાં રહેલા ટુકડા ઝીણવટથી જોયા તો એ હિરા હોય તેવું લાગેલું.

એ વિચારમાં પડી ગયેલા.

નાના માણસને તો જાણે કે લોટરી લાગી ! એમની પત્નીએ પૂછેલું :- “આ હિરા સાચા હોય તો………”

“કરોડોની કિંમત થાય.”

” પણ………..”

હિરાભાઈએ એમની પત્ની સામે જોયેલું. પછી પાછું ડબ્બીમાંના ચળકાટને એ નિહાળી રહેલા. સૂરજ મધ્યાહ્ને આવ્યો હતો. એના પ્રકાશની ધવલતા જોઈને એ બોલેલા :- “આપણે દલીચંદને આ ડબ્બી પહોંચાડી દેવી જોઈએ.”

એમની પત્નીએ પણ કહેલું :- “હા, હરામની મિલકત આપણને ન ખપે.”

અને એ ડબ્બી એક આગેવાન મારફતે એમણે દલીચંદ શેઠને પહોંચાડેલી ત્યારે શેઠે હસીને કહેલું :- “આ ડબ્બીમાં તો નકલી હિરા છે એટલા માટે તો અમે એને ત્યાં કચરામાં ફેંકીને આવ્યા હતા.”

એ આગેવાન વિચારમાં પડી ગયેલા – “હિરા ભલે નકલી હતા પણ હિરાભાઈ તો અમારા ગામના અસલી હિરો છે !!”

અને આ વાત ગામ આખામાં ફેલાઈ ગયેલી.

– માણેકલાલ પટેલ.

(ફોટા પ્રતીકાત્મક છે.)