“વહુની પસંદ”-સાસુએ બનાવ્યો ગાજરનો હલવો પણ વહુને માત્ર 2 ચમચી જ ખાવા મળ્યો, જાણો પછી શું થયું. 

0
964

“મમ્મી, તમે આજે આટલા બધા ગાજર કેમ મંગાવ્યા છે?”

“અરે વહુ, નિશા અને નીતિન બંનેને ગાજર હલવો ખુબ પસંદ છે. શિયાળો શરૂ થાય એટલે તેમની માંગણી શરુ થઈ જાય છે.”

માધવીને પણ ગાજરનો હલવો ખૂબ પસંદ છે, પણ તે પોતાની સાસુ પાર્વતીને આ વાત જણાવી શકતી નથી. આમ પણ જયારે ઘરમાં હલવો બનશે તો બધા જ ખાશે ને, આવું  વિચારીને માધવીએ ગાજર ધોઈને છીણવાનું શરૂ કર્યું. સાસુએ પોતાના હાથે ગાજરનો હલવો બનાવ્યો. તેની સુગંધ એટલી સરસ આવી રહી હતી કે બધા રાહ જોઈ રહ્યા હતા કે હલવો ક્યારે ખાવા મળે.

થોડી વારમાં હલવો ત્યારે થયો માધવીની સાસુ પર્વતીએ સૌથી પહેલા ભગવાનને ધરાવ્યો. નિશા અને નીતિન નાના બાળકની જેમ હલવા પર તૂટી પડ્યા. એટલામાં સાસુના ફોનની ઘંટી વાગી.

સાસુએ બુમ પાડીને પોતાની મોટી દીકરીના આવવાના સમાચાર સંભળાવતા કહ્યું, “અરે નીતિન, તારી મનીષા દીદી અને જીજુ આવી રહ્યા છે.”

“ચાલો સારું છે, તે આજે આવી રહ્યા છે. જમાઈને પણ ગાજરનો હલાવો બહુ ભાવે છે.” પાર્વતીજીએ ખુશ થઈને કહ્યું.

બધા આવ્યા અને ટેબલ પર ભોજન પીરસવામાં આવ્યું. માધવી બધાને ભોજન પીરસતી હતી. બધાએ પેટ ભરીને ખાધું અને હલવાનું વાસણ પણ ધીમે ધીમે ખાલી થતું ગયું. અંતે માધવીનો વારો આવ્યો ત્યારે વાસણમાં માત્ર બે ચમચી હલવો બચ્યો હતો. માધવીની માં હલવો બનાવતી ત્યારે સૌથી પહેલા માધવી જ જીવ ભરીને ખાતી પછી બીજાનો નંબર આવતો. પિયરની યાદ તાજી થતા માધવીનું ગળું ભરાઈ આવ્યું અને માધવીના ગળામાં બે ચમચી હલવો પણ ઉતર્યો નહિ. તે જમ્યા વગર ડાઈનીંગ ટેબલ પરથી ઉભી થઈ ગઈ.

થોડા દિવસ પછી માધવી પોતાના પિયરે ગઈ ત્યારે તેની માં એ માધવીની ભાભીને કહ્યું, “વહુ આજે સૌરભને કહેજે કે ઘરે આવતી વખતે બજારમાંથી ગાજર લઈ આવે. માધવી આવી ગઈ છે તો કાલે હું તેનો મનપસંદ ગાજરનો હલવો બનાવીશ. ”

બીજા દિવસે માં એ માધવી માટે ખૂબ જ ઉત્સાહથી હલવો તૈયાર કર્યો. માં એ પહેલા વાટકો ભરીને માધવીને આપ્યો.

માધવીએ કહ્યું, “ના મમ્મી, પહેલા ભાભીને હલવો આપો.”

માં ચકિત થઈને માધવીના ચહેરા તરફ જોવા લાગી અને બોલી, “પણ દીકરી, તને તો મારા હાથનો હલવો ખુબ ભાવે છે ને!”

“હા મમ્મી, મને ભાવે છે. પણ તમે ક્યારેય ભાભીને પૂછ્યું છે કે તેમને શું ભાવે છે?”

“અરે દીકરી, જો તેને ભાવતો હોત તો તેણે મને ક્યારનું જણાવી દીધું હોય.”

“ના મમ્મી, એવું નથી હોતું. હું વહુ તરીકે તને કહું તો એક વહુને ન તો તેની પસંદ પૂછવામાં આવે છે અને ન તો તે પોતાની પસંદ કોઈને કહી શકે છે. તું મહેરબાની કરીને પહેલા ભાભીને હલવો આપ કારણ કે તે પણ કદાચ મારી જેમ જ પોતાની પસંદ-નાપસંદ આપણને જણાવી શકતી ના હોય.”

“ઠીક છે દીકરી, હું પહેલા તમને બંનેને પીરસી દઉં.” એવું કહી માં એ હલવાના બે વાટકા ભર્યા અને વહુને અવાજ લગાડ્યો, “સ્નેહા વહુ, આવી જ દીકરી, તારો હલવો ઠંડો થઈ રહ્યો છે.”

પોતાના માટે હલવાનો વાટકો જોઈ સ્નેહાના ચહેરા પર જે ખુશી આવી તેણે શબ્દ વગર માધવીની વાત તેની માં ને સમજાવી દીધી.