લઘુકથા – “કેતકી” – ભાગ 1 અને 2 :
શિક્ષક દંપતી વંદનાબેન અને વિનોદભાઈના દિકરા કૌશીકને એમ.બી.બી.એસ પુરું કર્યા પછી, આંખના વિભાગમાં એમ.એસ. માં પ્રવેશ મળ્યો. એ સમાચાર મળતાની સાથે જ વંદનાબેને ચોકની દુકાનમાં હતા એટલા બધા પેંડા જોખાવી લીધા અને ખોબા મોઢે પાડોશમાં વહેંચ્યા.
રોંઢાની ચા પીયને સોફાપર બેઠેલા મમ્મીના ખોળા પાસે માથું રાખી, કૌશીક આડો પડ્યો. મમ્મીનો હાથ તેના માથા પર ફરતો હતો.
“દિકરા.. એક વાત કહું.. હું અને તારા પપ્પા વનમાં પહોંચી ગયા છીએ. તારી ઉમર હવે લગ્ન જેવડી કહેવાય. એમ.એસ. પુરું થવાની રાહ જોવી નથી. અમારો પગાર ચાલુ છે. તને પણ શિષ્યવૃત્તિ મળશે. પૈસા ટકાનો સવાલ નથી. તારી સાથે ભણતી કોઈ છોકરી પસંદ કરી હોય તો કહી દે.”
કૌશીકે મમ્મીનો હાથ પકડ્યો. આંગળામાં આંગળા પરોવી રમવા માંડ્યો.
મમ્મીને દિકરાનું બચપણ યાદ આવ્યું. રમકડાની દુકાન પાસેથી નિકળે ત્યારે.. ત્યાં ઉભો રહી જાય. હાથ પકડીને આંગળા સાથે રમતો રમતો રમકડાં જોયા કરે. પછી આંગળી ચીંધે.. ‘મમ્મી .. ઓલું મને ગમે છે.’ અને પોતે હસીને અપાવી દેતા.
એ ફરીથી બોલ્યા.. “કેમ કંઈ બોલતો નથી? નાત જાત ફેર હોય તો પણ કહી દે.”
મોં ઉંચુ કર્યા વગર એ બોલ્યો.. “મમ્મી.. મને કેતકી ગમે છે.”
“કેતકી?” મમ્મી આશ્ચર્ય પામ્યા.. હસીને માથા પર ટપલી મા રી.
“મને તો એમ.. કે તું કોઈક ડોક્ટર છોકરી પસંદ કરીશ.”
કેતકી.. સ્વગ્નાતિના પાડોશીની સુંદર બી.એ. થયેલી દિકરી હતી.
એ બોલ્યા.. “ખુબ સરસ.. એ છોકરીને મેં ભણાવી છે. હોશીયાર, ચાલાક, ને તોફાની હસમુખી છે. મેં એને ક્યારેય ગંભીરતામાં જોઈ નથી. એને બીજાની નકલ કરતાં સારી આવડે છે. કુતરા-મીંદડા.. મોર-કુકડા બોલાવતાં પણ આવડે છે. એ નિશાળમા બધાની.. મારી પણ.. નકલ કરીને છોકરીઓને હસાવતી.”
કૌશીક બોલ્યો.. “એટલે જ તો.. બેય ડોક્ટર હોય તો.. ઘરમાં ને બહાર.. બધે સરખી વાતો. ઘરમાં આવીએ ત્યારે હસાવે એવું તો કોઈક હોવું જોઈએ ને.”
મમ્મી ઉભા થયા.. “આજે સારો અને આપણા આનંદનો દિવસ છે.. ચાલ.. અત્યારે જ પુછી આવું.”
વંદનાબેનની વાત સાંભળી કેતકીના મમ્મી રાજી રાજી થઈ ગયા.. ‘મારી કેતકી કેટલી નસીબદાર છે.. કેવું મજાનું માંગુ આવ્યું.’
કેતકીના મનમાં આનંદની લેરખી ફરી વળી.
જુના પાડોશી હતા. એટલે સંકોચ જેવું હતું નહીં. વંદનાબેને કેતકીને કહ્યું.. “જા.. કૌશીકને આંખના નિષ્ણાંત થવાના અભિનંદન તો આપી આવ.”
હરખાતી, શરમાતી કેતકી ગઈ. કૌશીક સામે બેઠી. પોતાની આંખો ફાંગી કરી. બોલી..
“જુઓ તો ડોક્ટર સાહેબ.. મારી આંખોમાં શું વાંધો છે?”
આંખો જોઈને કૌશીકે પણ મજાક કરી.. “ખાસ વાંધો નથી.. લાઈન બિલકુલ ત્રાંસી છે.. પણ મેડમ.. તમને તકલીફ શું થાય છે?”
“ડોક્ટર સાહેબ.. મને છે ને.. અત્યારે એક સરખા બે છોકરા દેખાય છે. એમાંથી મારું માંગું કોણે નાખ્યું એ સમજાતું નથી.”
બેય ખુબ હસ્યા.
એણે ચોકલેટ કાઢી.. એક નાનો ટુકડો કર્યો.. કૌશીક તરફ ધર્યો.. પુછ્યું.. “આને શું કહેવાય?”
કૌશીકે કહ્યું.. “કટકી.”
“તો આજથી હું તમારી ‘કટકી..’ આપણે એકલા હોઈએ, ત્યારે મને ‘કેતકી’ ના કહેવી.. એમ કહી.. એ ‘કટકી’ કૌશીકના મોંમાં આપી..
આ તરફ વંદનાબેનની હાજરીમાં જ શારદાબેને પતિને દુકાને ફોન કર્યો.. કે વંદનાબેન કેતકીનું માંગું લઈને આવ્યા છે.. કેશવભાઈએ કહ્યું.. “બહુ ખુશીની વાત છે.. કોઈ માંગું લઈને આવે એને જમાડવા જોઈએ.. તું એ બધાને રાતે જમવાનું કહી દે.. હું જરા વહેલો આવીશ.. કંઈ લાવવા કરવાનું હોય તો, કમલેશને અત્યારે મોકલું છું.”
બધા સાથે બેસીને જમ્યા.
કેશવભાઈએ કહ્યું.. “શુભસ્ય શીઘ્રમ્ .. તમે કેતકીને અત્યારે જલ આપી દો, સગાઈનું અનુકૂળતાએ ગોઠવશું.”
કેતકી સાડીમાં તૈયાર થઈને આવી. વંદનાબેને નાળીયેર, એકસોએક રુપિયા અને સાકરનો પડો આપ્યો. બધાના ચહેરા આનંદિત થયા.
કમલેશે નાની દીદી શુભાંગીની મજાક કરી.. “જો.. મોટી દીદી ગલીમાંથી બહાર ના નિકળી.. પણ તને તો ખુબ દુર મોકલવી છે.”
તો શુભાંગીએ કૌશીકને કહ્યું.. “જીજુ, મારું નર્સીંગ પુરું થઈ જાય પછી મને તમારા દવાખાનામાં નોકરી આપજો.”
શુભાંગીને હમણાં નર્સીંગ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો.
કૌશીકને સોમવારથી કોલેજમાં હાજર થવાનું હતું. બે ત્રણ દિવસો જ વચ્ચે હતા. એણે થોડા કપડા ખરીદ્યા. જરુરી કાગળો એકઠા કરી લીધા. સામાન બાંધી લીધો.
ઘરથી નિકળતી વખતે શારદાબેન અને ઘરના બધા મળવા આવ્યા. કેતકી અને કૌશીક વાત કરી શકે, તે માટે સમજીને બધા બેઠકમાં બેઠા.
કૌશીકે કેતકીનો હાથ પકડ્યો. કેતકીના હસતા ચહેરા સાથે એની આંખોમાં ભીનાશ હતી.
“મમ્મી કહેતા હતા.. કે તું ક્યારેય ગંભીર થતી જ નથી. આજે કેમ ઢીલી થઈ ગઈ?”
એનો જવાબ કેતકીએ ન આપ્યો.. પણ બોલી.. “અહીંની ચીંતા કરતા નહીં, હું સંભાળી લઈશ. તબીયત સાંચવજો. સમયસર ખાઈ લેજો. રોજ ફોન કરજો.”
એણે એક કવર કૌશીકને આપ્યું.. “આ પછી નિરાંતે વાંચજો.”
ગાડીમાં બેઠાં બેઠાં કૌશીક મનને રોકી ના શક્યો. કવર ખોલ્યું.. તેમાંથી એક ચીઠ્ઠી અને અને બીજું બંધ કવર નિકળ્યું.. એણે ચીઠ્ઠી વાંચી.. “કૌશીક.. તમે જશો.. પછી હું ખુબ રોઈશ.. મને તમારા વિના એકલું લાગશે.. લી. તમારી કટકી.”
કૌશીકને કેતકીનો વિદાય વખતે હસતો.. પણ ભીની આંખોવાળો ચહેરો દેખાયો. એ પોતાના આંસુઓને રોકી ના શક્યો.
એની ઈન્તેજારી વધી ગઈ.. બીજું કવર પણ ખોલ્યું.. એમાં લખ્યું હતું.
“હું હસાવતી રહું.. એટલે તમે મને પસંદ કરી છે ને? મને રડાવતા પણ આવડે છે.. હો.. જુઓ.. તમને કેવા રડાવ્યા? હવે હસો તો ખરા.”
કૌશીક હસવું રોકી શક્યો નહીં.. એણે ફોન જોડ્યો.. પોતે કંઈ બોલે, એ પહેલાં જ સામેથી કેતકીએ પુછ્યું..
“ડોક્ટર.. કેવું લાગ્યું.. કટકીનું નાટક?”
– જયંતીલાલ ચૌહાણ.