હોંશિયાર દીકરાએ પોતાના વૃદ્ધ પિતાની જેલમાં બેઠા બેઠા કરી મદદ, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
1159

એક વૃદ્ધ ખેડૂત હતો. એકલો હતો. બટેટાનો પાક લેવા માટે ખેતર ખેડવું હતું.

મહેનત માંગી લેતું આ કામ આમ તો એનો એકમાત્ર પુત્ર કરતો, પણ અત્યારે એ જેલમાં હતો.

વૃદ્ધ ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતાં પુત્રને એક કાગળ લખ્યો : બેટા, હું ખૂબ પરેશાન છું. મને લાગે છે કે આ વર્ષે આપણા ખેતરમાં બટેટાનો પાક હું લઈ શકીશ નહીં.

વૃદ્ધાવસ્થાને કારણે ખેતર ખેડવાની ત્રેવડ મારામાં રહી નથી. જો તું અહીં હોત તો મારી બધી જ મુશ્કેલીઓનો અંત આવી ગયો હોત. જો તું જેલમાં ન હોત તો આપણું ખેતર તેં જરૂર ખેડી નાખ્યું હોત.

થોડા જ સમયમાં પેલા વૃદ્ધને વળતો ટેલિગ્રામ મળ્યો : મહેરબાની કરીને ખેતર ખેડતા નહીં. ખેતરમાં જ મેં બન ડુકો દાટી છે.

બીજે દિવસે વહેલી સવારે ડઝનબંધ પોલીસ ખેતરમાં આવી પહોંચે છે. ખેતરનો ખૂણેખૂણો ખોદી નાખે છે, પરંતુ એક પણ બન ડુક મળતી નથી.

મૂંઝવણમાં મુકાઈ ગયેલો વૃદ્ધ ખેડૂત એના પુત્રને બીજો કાગળ લખી જે કાંઈ થયું એ જણાવે છે અને હવે પછી શું કરવું એવી મૂંઝવણ વ્યક્ત કરે છે.

તરત જ એના પુત્રનો જવાબ આવ્યો : તમારું કામ થઈ ગયું છે, હવે બટેટાનું વાવેતર કરી દો. અહીં બેઠાં મારાથી જે કાંઈ શ્રેષ્ઠ થઈ શકે એ આ કર્યું છે.

જગતના કોઈ પણ ખૂણામાં ભલે ને તમે હો, જો તમે કોઈનું ભલું કરવાનો મક્કમ નિર્ધાર કરો તો અચૂક તમે એ કરી જ શકો છો.

– સાભાર વિશાલ સોજીત્રા (અમર કથાઓ ગ્રુપ)