લઘુકથા – વિવાદ :
– માણેકલાલ પટેલ.
ગામ સમરસ હતું અને સંપીલું પણ હતું.
સારા- માઠા પ્રસંગે વહેવારમાં બધા એકબીજાની સાથે રહેતા હતા.
દામાનું અ-વ-સાન થયું ત્યારે ધોધમાર વરસાદ ચાલુ હતો. રસ્તામાં ઢીંચણ સરખાં પાણી ભરાઈ ગયાં હતાં. ડાઘુઓમાંથી કોઈ બોલ્યું :- “આપણું સ્મશાન તો છેટું છે અને ખુલ્લું પણ છે. આવા વરસાદમાં અગ્નિદાહ કેમ આપીશું?”
“એમ કરોને?” જ્ઞાતિના વડિલ ખીમજીભાઈએ સીધો રસ્તો બતાવ્યો :- “નજીકના સ્મશાને લઈ લો. ત્યાં પતરાંનો શેડ પણ બનાવેલો છે.”
વરસાદે સહેજ પૉરો ખાધો એટલે દામજીની સ્મશાન યાત્રા નીકળી.
ગામના બીજા લોકો પણ એમાં જોડાતા ગયા.
ગામના પાદરે યાત્રા પહોંચી અને પૉરો ખાધા પછી જેવી એ ડાબીને બદલે જમણી બાજુ વળી ત્યારે ડાઘુઓમાંથી કેટલાકે વાંધો લીધો. થોડી ચણભણ પણ શરૂ થઈ. બે- ત્રણ જણ બોલ્યા પણ ખરા :- “અમારા સ્મશાનમાં આ લાશને ન લઈ જાઓ. તમારું સ્મશાન તો ડાબી બાજુ છે ત્યાં લઈ લો.”
વરસાદ તો બધાંને સરખા ભીંજવી બંધ થયો હતો પણ ડાઘુઓમાં વાદ વિવાદ બંધ થતો નહોતો.
ઠાઠડીમાં બંધાયેલ દામો પણ ભગવાન સાથે વિવાદે ચઢ્યો હશે :- “કાશ! મને માણસ તરીકે જન્મ આપ્યો હોત તો?”
– માણેકલાલ પટેલ.