દલિતોના ઉધ્ધારની પ્રવૃત્તિઓમાં ધણો જ સક્રિય ફાળો આપનાર ‘સંત સવૈયાનાથ’ વિષે જાણવા જેવી વાતો.

0
513

સંત શ્રી સવૈયાનાથ

ધંધુકા તાલુકાના ‘ઝાંઝરકા’ ની એ પવિત્રભૂમિ, (આમ તો તેમનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું ‘ટૂંડીયા’ ગામ હતું.) એમના પિતા સુરા ભગત અને માતા ગરબી બાઈના ગરીબ ઘરમાંને વણકર સમાજમાં સંત સવૈયાનાથનો જન્મ લગભગ ઈસ.1757 ની આજુબાજુ થયો હતો. જેને જગત સવગુણ, સવાભગત કે સવગણ દાદા તરીકે પણ જાણે છે એવા સંત સવૈયાનાથ એક વિરલ સંત તેમજ સાચા સમાજ સુધારક તરીકે પ્રખ્યાતી પામ્યા હતા.

માતા ગરબી બાઈએ બાળપણથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન કરી ધાર્મિક શિક્ષણની સાથે જ્ઞાન આપ્યું હતું પરિણામે સવાભગત ભક્તિની સાથે કુશાગ્ર બુદ્ધિમત્તા રાખતા હતા.

પિતા સુરાભગત પોતાના બાપદાદાના વણાટ્કામનો ધંધો કરી ધંધુકામાં પોતાની વણાટકામની વસ્તુંઓ જેવી કે વેજુ, પછેડી, ચોફળી, કામળી, ધાબળા વગેરેને વેચીને પેટીયું રડતા હતા. એકદમ નાની વયે સવારામ શાળ ચલાવી અને બોબીન ભરતા. આથી સવાભગતને બાળપણથી કર્મથી ધર્મ તરફનો રસ્તો મળ્યો હતો.

એમના લગન લીંબડી તાલુકાના ગેડી ગામે જાદવજીની દિકરી મેઘાબાઇ સાથે 15 વર્ષની ઉંમરે થયા હતા. જેનો ભાવ ભક્તિમય બન્યો હતો, એવા સવાભગત આખો દિવસ વણાટકામમાં સખત પરિશ્રમ કરતા અને રાત્રીના સમયે ગામ લોકો, સાધુ-સંતોને મહેમાનો સાથે ભજન-કિર્તન કરતા રહેતા હતા.

એક વખત મહાજ્ઞાની તુલસીનાથજી ઝાંઝરકા પધાર્યાં ત્યારે સવાભગતે પોતાને મુંઝવતા એક સાથે અનેક પૂછી નાખ્યા જેવા કે,…, “હું કોણ છું“ “મારો જન્મ શા માટે થયો છે”? “સત્ય શું છે?” “આત્મા અને પરમાત્મા શું છે?“. સાચો ધર્મ કોને કહેવાય?“ સંત તુલસીનાથે સવાભગતના તમામ સવાલોનું નિરાકરણ કર્યુ. તે દિવસથી સવાભગતે તુલસીનાથને પોતાના ગુરૂ માન્યા. સંત તુલસીનાથે તેમને દિક્ષા આપી અને “જે દે ટુકડો એને પ્રભુ ઢુંકડો” નો મંત્ર આપ્યો. એ એક જ મંત્ર રહસ્યથી અલખના આરાધક, નિર્ગુણ ભક્તિના ઉપાસકમાં ભક્તિની જ્યોત જગાડી હતી.

સમાજ સેવા થકી વેઠપ્રથા નાબૂદ કરાવી

સંત સવૈયાનાથે દલિતોના ઉધ્ધારની પ્રવ્રૃતિઓમાં ધણો જ મહત્વનો ફાળો આપ્યો હતો. 17 મી સદીમાં દલિત સમાજ અનેક યાતનાઓ અને પિડાઓનો ભોગ બન્યો હતો.

એ સમયમાં દલિતો ગામની બહાર રહેતા એમને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. દલિતો સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર, ગામનું મેલુ ઉપાડતા, ગામમાં પ્રવેશનો નિષેધ, મંદિર પ્રવેશનો નિષેધ, વાસી ભોજન, જાહેરજળાશયો માંથી પાણી નિષેધ વગેરે આવી અનેક પારવાર મુશ્કેલીઓ વેઠ્તા હતા.

કહેવાતો સર્વણ સમાજ દલિતો સાથે આવો વ્યવહાર ના રાખે એ માટે સવૈયાનાથે રીતસરની ઝુંબેશ ઉપાડી હતી. સવાબાપાએ દલિત સમાજમાં ઘર કરી ગયેલા અંધશ્રધ્ધા, વહેમો, કુરીવાજો અને પાખંડમાંથી મુક્ત થવા લોકોને ખૂબ સમજાવ્યા, બાળલગ્નો પર પ્રતિબંધો મુકવા, દારૂબંધી, માંસાહાર ત્યાગ વગેરે દલિતોધ્ધારની પ્રવૃતિઓ હાથ ધરી હતી.

સંત સવૈયાનાથે દલિત સમાજને માનવતાનો ઉપદેશ આપીને દલિતસમાજને સાચા ધર્મ તરફ વાળ્યા હતા.

સવાભગત કહેતા કે “સાચો ભગવાન માણસની અંદર રહેલો છે, તેને મંદિરમાં જાવાની જરૂર નથી, માણસના કર્મ એજ સાચા ધર્મ તરફ લઇ જાય એટલે આપણે નિરાકાર ઈશ્વરની ભક્તિ કરવી.”

એકદમ સરળ ઉપદેશથી સવાભગત સાચા ધર્મના મસિહા તરીકે ખ્યાતી મેળવી હતી. આ ઉપરાંત સવાભગતે ધાર્મિક મેળાવડાઓ કરીને ભજન, કિર્તન, સંમેલનો, પાટોત્સવ વગેરેના આધારે ધાર્મિક એકતાની સાથોસાથ કોમી એકતા લાવવાનું કાર્ય કરીને સામાજિક સુધારણાની પ્રવૃત્તિને વેગ આપ્યો હતો, આ ઉપરાંત અબોલ જનાવર માટે ધાસચારો, પક્ષીઓ માટે ચણ આપવા જેવા પરોપકારી કાર્યો કર્યા હતા.

સવૈયાનાથે સૌ પ્રથમવાર સદાવ્રત પરંપરાની શરૂઆત કરી હતી. તેઓ સદાવ્રત ચલાવવા માટે કોઇની પાસે લાંબો હાથ કરીને ટેલ માંગતા ન હતા, પરંતુ વણાટકામના કપડા વેચીને પૈસા મેળવતા. આ પૈસાથી સાધુ-સંતો, દુખિયાંને જમાડીને પછી જ પોતે જમતા હતા. દુષ્કાળના સમયે પોતાની ધર્મપત્ની મેઘાબાઇના ઘરેણા વેચીને પણ લોકોની ભુખ ભાંગી હતી આવા પરહિતકારી સંત સવૈયાનાથની વિખ્યાતી ચારેબાજુ ફેલાવા લાગી હતી.

એવામાં ધ્રાંગધ્રા નરેશ માનસિંહે પોતાના મહેલામાં સવાભગતને આમંત્રણ આપ્યું હતું. એક રાજવીએ સૌ પ્રથમવાર દલિત સંતને પોતાના મહેલમાં તેડાવ્યા અને સવાભગતનું સ્વાગાત-સન્માન કર્યુ હતું. જેના પરિણામ સ્વરૂપે ઊંચ-નીચના ભેદભાવ મિટાવવા માટે એક મિશાલ પુરી પાડી હતી. સંત સવૈયાનાથને ધ્રાગધ્રા રાજવી પરીવાર પોતાના ગુરૂ માને છે અને આજે પણ રાજાની પેઢીના દરબારો સવાભગતની સમાધીએ દર્શન કરવા આવે છે.

મેઘવાળ સમાજના ઉધ્ધારક સવાભગતે સાચા અર્થમાં સિદ્ધપુરુષ હતા અને એટલે જ ”આત્માનંદ” થી સવંત 1898 (ઇ.સ.1842)ના ફાગણ સુદ 13ને ગુરૂવારે ઝાંઝરકામાં સમાધી લીધી હતી. આજેય સેંકડો શ્રધ્ધાળુંઓ સમાધી સ્થળે દર્શન કરવા આવે છે, સવાભગતે ચાલુ કરેલી સદાવ્રતની પરંપરા હાલમાં પણ એમના સદગુરુ ‘સંત તુલસીદાસ ભોજનાલય’ ના નામે ચાલુ છે, જ્યાં હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે.

કથાબીજ અને માહિતી સ્ત્રોત ગૂગલ

રામજી રાઠોડ ના સૌને જય ગુરુ મહારાજ..