દરબારની દીકરીએ ‘કરિયાવર’માં માંગી એવી વસ્તુ કે બધાની આંખમાં આંસુ આવી ગયા, અચૂક વાંચજો આ કિસ્સો

0
9597

“કરિયાવરની કલગી”

આ વાત તો ચાલીશ વરસથી પણ વધારે પહેલાંની છે. પરંતુ સમજવા માટે આજે પણ તદ્દન નવી છે.

ત્રણ ગામના દરબાર. હાંડા જેવાં ગામ અને પરિવારમાં દરબારને એક ત્રણ વરસનો કુંવર અને સત્તર વરસની કુંવરી. ધરમાં ભારે કોઠા ડાહ્યાં અને હેતાળ ઠકરાણાં.

ઘરના આંગણે દીકરીનાં લગ્ન લેવાયાં, દરબારગઢના દ્વારે જાન આવી હથેવાળે પરણવા અને રંગેચંગે વૈભવથી વિવાહ ઉજવાયા. શરણાઈના સૂર, ઢોલની દાંડી અને કોટવાળની મશાલ ખીલી ઊઠ્યા. દીકરી વળાવવાનું ટાણું આવીને ઊભું.

હજાર હજાર દેતાં ના મળે એવા મહાદેવના પોઠિયા જેવા બળદોની જોડી વેલને જુતી. શણગારેલ બળદ અને વેલની ઘુધરમાળ ગાજી ઊઠ્યા. વેલ દરબારગઢની દોઢીએ આવીને ઊભી. પાછળ સાત ગાડાં કરિયાવરના હકડેઠઠ ભરેલાં. ગાડાની હેડમાં દરબારી રિવાજ મુજબ દીકરીને દાયજો આપવામાં દરબારે પાછી પાની કરી ન હતી.

રજવાડી રિવાજને અનુસરી રાજરીત મુજબ દીકરીના બાપે ધરવખરી અને ઉપયોગી ચીજવસ્તુ ઉપરાંત કન્યાદાનમાં દરદાગીનો પણ આપેલો. આ રજવાડાના વર્ષો જૂના રિવાજ અને રૃઢિ ચાલ્યાં આવતાં હતાં.

લોક ટોળાં ચારે તરફ ઉભરાતાં હતાં. રાયગઢનાં સ્ત્રી અને પુરુષો તેમજ બાળકોની પણ ઠઠ જામી હતી. ચારે તરફ આનંદ મંગલ વર્તાઈ રહ્યું હતુ. સાજન મહાજન અને ગામના પ્રતિષ્ઠિત ગૃહસ્થો અને રાજકુટુંબના ભાયાતો પણુ કન્યા વળામણાના પ્રસંગે હાજર હતા.

વેલ રૂમઝુમ કરતી ગામને પાદર આવીને ઊભી. સ્ત્રીઆના મધુર લગ્ન ગીતાના સૂર સંભળાતા હતા. દરબારની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બૈરાંઓ પણ મંગલ ગીતો ગાતાં ગાતાં પણ અશ્રુની ધાર વહાવતાં હતાં. મરદ જેવા મરદ દરબાર પણ દીકરીનું લાલચોળ સુખ જોઈને રડી પડયા. વેવાઈપક્ષને ભળભળામણ થતી હતી.

દરબારે પરણેલી દીકરીને કહ્યું, “બેટા, ત્રણ વળા ઉજાળજે. તું જરાય કોચવામાં. હજુ તું રાજી થા તે આપું. કહેતી હોય તો ત્રણ ગામમાંથી એક ગામ તને દાયજામાં આપું.

બાપુની ઉદારતા જેઈને દીકરી હીબકાં ભરતાં પણ હેતથી બોલી : “બાપુ, તમે મને એવા ઉદાર અને સમૃદ્ધ સાસરામાં દીધી છે કે મારે ગામ, ગરાસ કે દાયજાની પણ ભૂખ નથી. ત્રણ ગામ તો મારા વીરાને આપ્યાં’તાં. બાપુ, ધરની ધરવખરી, ભગરી ભેંશ, ગોરી ગાય, રોજડી ધોડી અને ધીંગા બળદની જોડ વેલડી સોતી દીધી છે. સિવાય ઘરેણા ગાંઠાં એટલાં સાસરેથી આવ્યાં એટલાં જ તમે દીધા. બાપુ, હવે મને કોઇ વાતની કમી નથી, પણ તમે વેણ આપો તો એક વેણ માગું, જે કરિયાવરની કલગી બની રહેશે.”

ભભકીને દરબાર બોલ્યા, “માગ બેટા માગ, એક નહિ પણ બે વેણ માગ. તું માગીશ તે હું ઈશ્વર સાક્ષીએ આપીશ બેટા, માગ.”

“તમારું સહુ સલામત રહે, પણુ હું તો ફક્ત એક જ વેણ માગું છું”. કુંવરીએ કહ્યું.

“માગ્ય બેટા માગ્ય.” દરબારે પ્રેમથી કહ્યું. સાંભળનારા કુતૂહલથી એક નજરે અને એક કાને થઈ થઇ ગયા.

“બાપુ, મારી માનો ચૂડો અમર રહે. મારા ભાઇનો ગીરાસ કાયમ રહે. મને તો કરિયાવરની કલગી જેવી અને આકારની મને તમારી દા-રૂ-ની પ્યાલી આપો.” કુંવરીએ ધીમા, મંજુલ અને મધુર સ્વરે માગ્યું, “બાપુ, હવે તમે કદી દા-રૂ ના પીતા, એ ન પીવાનું નીમ લઈને મને વેણ આપો એટલે હું રાજીના રેડ.”

કુંવરીની માગણી સાંભળી વરરાજા, ખૂદ જાનૈયા અને ગામના લોકો ઉપરાંત મહેમાનો ભારે આશ્ચર્ય, અનુભવવા લાગ્યા.

દરબારે કહ્યું, “દીકરી, આ વેણ માગીને તો તેં તારી માતાનું, ભાઈનું અને ત્રણે ગામનું ભલુ કરી દીધું અને મારું પણુ તે ઓછું હિત નથી કર્યું. દા-રૂ-નો દૈત્ય મને ગળી જાત તે પહેલાં તેં મને પણ બચાવી લીધો.

લોકોએ તાળીઓના ગડગડાટ પાડયા. જાનૈયા, વરરાજા ખૂદ અને વરના બાપ બધાએ દા-રૂ-નો ત્યાગ કર્યો. દરબાર બોલ્યા : “બેટા, કહે, આ ઘડીથી ગાયના ર-ક-ત બરાબર છે. ગામનું દા-રૂ-નું પીઠું પણુ બંધ. જાનૈયાઓ અને મહેમાનોએ પણુ દરબાર સાથે દા-રૂ ન પીવાના શપથ લીધા.

દરબાર કહે, “દીકરી, તેં તો ઘણાનાં ઘર ઉજાળ્યાં. ઘણાનાં વહુ સંતાનો તને આશિષ આપશે.”

અને પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેરના મંગલ ગીત સાથે જ ધૂધરમાળ ધમકાવતી વેલડી સસરાના ગામને રસ્તે પડી.

– ધૈર્ય ચંદ્ર બુદ્ધ