દરરોજ વહુ ઓફીસ જવા નીકળતી ત્યારે સસરા આપી દેતા કામ, પછી જે થયું તે દરેકે સમજવા જેવું છે.

0
5516

ઘરની નવી અને એકમાત્ર વહુ ખાનગી બેંકમાં ઉચ્ચ હોદ્દા પર હતી. તેની સાસુનું લગભગ એક વર્ષ પહેલા અ-વ-સા-ન થયું હતું. વૃદ્ધ સસરા અને તેના પતિ સિવાય ઘરમાં કોઈ નહોતું. પતિનો પોતાનો ધંધો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વહુ સાથે એક વિચિત્ર ઘટના બનતી. તે જયારે ફટાફટ પોતાના ઘરનું કામ કરીને ઓફિસ માટે નીકળતી તે સમયે જ સસરા તેને અવાજ લગાવતા અને કહેતા, વહુ મારા ચશ્મા સાફ કરી મને આપતી જા.

રોજ ઓફિસે જતી વખતે વહુ સાથે આવું થતું. કામના દબાણ અને વિલંબને કારણે ક્યારેક વહુ મનમાં ને મનમાં ગુસ્સે થઈ જતી પણ તેમ છતાં તે સસરાને કંઈ બોલી શકતી નહોતી. જ્યારે વહુ પોતાના સસરાની આ આદતથી કંટાળી ગઈ ત્યારે તેણે પોતાના પતિને બધી વાત જણાવી. પતિને પોતાના પિતાના આ વર્તન પર ઘણું આશ્ચર્ય થયું, પણ તેણે પોતાના પિતાને કાંઈ કહ્યું નહિ.

પતિએ પોતાની પત્નીને સલાહ આપી કે, તું સવારે ઉઠતાની સાથે જ પપ્પાના ચશ્મા સાફ કરીને તેમના રૂમમાં મૂકી દે, તો આ સમસ્યા ખતમ થઈ જશે. બીજે દિવસે વહુએ એવું જ કર્યું અને સવારે વહેલા સસરાના ચશ્મા સારી રીતે સાફ કર્યા તેમના રૂમમાં મૂકી દીધા.

પણ તે દિવસે ફરી એ જ ઘટના બની અને ઓફિસે જતા સમયે સસરાએ વહુને ચશ્મા સાફ કરવા માટે કહ્યું. હવે વહુ ગુસ્સાથી લાલ થઈ ગઈ પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. તેને ઓફિસમાં મોડું થઈ રહ્યું હતું. વહુના ઘણા ઉપાયો છતાં સવારે ઓફિસે જતી વખતે સસરાનો અવાજ આવવાનું બંધ ન થયું. ધીરે ધીરે સમય પસાર થયો અને આ રીતે જ થોડા મહિના પસાર થઈ ગયા.

હવે વહુ પહેલા કરતા થોડી બદલાઈ ગઈ હતી. ધીમે ધીમે તે પોતાના સસરાની વાતને અવગણવા લાગી અને પછી એક સમય એવો આવ્યો જ્યારે વહુએ પોતાના સસરાને સાવ અવગણવા લાગી. સસરાના કાંઈ કહેવા પર તે કોઈ પ્રતિક્રિયા આપતી ન હતી, અને ચુપચાપ પોતાના કામમાં લાગેલી રહેતી હતી. સમયની સાથે સાથે એક દિવસ વૃદ્ધ સસરા પણ ગુ-જ-રી ગયા.

સમયનું પૈડું ક્યાં અટકતું હોય છે, તે ફરતું જ રહે છે. એક વખત રજાના દિવસે અચાનક વહુને ઘર સાફ કરવાનો વિચાર આવ્યો. તેણીએ ઘર સાફ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ સફાઈ દરમિયાન તેણીને પોતાના સસરાની ડાયરી મળી.

જ્યારે વહુએ પોતાના સસરાની ડાયરીના પાના ફેરવવાનું શરૂ કર્યું, તો એક પાના પર લખ્યું હતું – “તારીખ 26-10-2019….. મારી વહાલી વહુ….. આજના ભાગદોડ ભરેલા અને ખૂબ જ તણાવપૂર્ણ અને સંઘર્ષમય જીવનમાં બાળકો ઘરેથી નીકળતી વખતે મોટાભાગે વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલી જાય છે, જ્યારે વડીલોના આ આશીર્વાદ જ મુશ્કેલ સમયમાં તેમના માટે ઢાલનું કામ કરે છે.

એટલે જ જ્યારે તું રોજ મારા ચશ્મા આપવા માથું નમાવતી ત્યારે હું મનમાંને મનમાં તારા માથા પર હાથ મૂકતો હતો, કારણ કે મ-ર-તા પહેલા તારી સાસુએ મને કહ્યું હતું કે વહુને પોતાની દીકરીની જેમ પ્રેમથી રાખજો. તેને ક્યારેય એવું અનુભવવા ન દેતા કે તે પોતાના સાસરે છે અને આપણે તેના માતા-પિતા નથી. તેની નાની-નાની ભૂલોને તેની અજ્ઞાનતા સમજીને માફ કરો. હું રહું કે ના રહું, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે, દીકરા… હંમેશા ખુશ રહેજે.” સસરાની ડાયરી વાંચીને વહુ રડવા લાગી.

આજે તેના સસરાને ગયાને બે વર્ષ જેટલો સમય થઈ ગયો હશે, તેમ છતાં પણ તે ઘરની બહાર નીકળતી વખતે પોતાના સસરાના ચશ્મા બરાબર સાફ કરીને તેમના ટેબલ પર મૂકે છે, તેમના અદ્રશ્ય હાથથી આશીર્વાદની ઝંખનામાં.

ઘણી વાર આપણે જીવનમાં સંબંધોના મહત્વને સમજી શકતા નથી, પછી ભલે તે કોઈ પણ હોય અને ગમે તે હોય. અને જયારે સમજીએ છીએ ત્યારે તે ઘણા દૂર નીકળી ગયા હોય છે. દરેક સંબંધનું મહત્વ અને ભાવનાત્મક મૂલ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો આ જીવન અર્થહીન છે.