વહુ નાના કપડાં પહેરતી તો પાડોશીઓ સાસુ પાસે ફરિયાદ લઈને આવ્યા, પછી સાસુએ કર્યું એવું કામ કે….

0
3289

સરિતાબેન પોતાના પુત્ર સૌરભના લગ્ન સરિતાબેને પોતે પસંદ કરેલી એક છોકરી સાથે કરવા માંગતા હતા. પણ થોડા દિવસો પહેલા જ્યારે સૌરભે સિયાને પોતાની લાઈફ પાર્ટનર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી તો સરિતાબેન ના પાડી  શક્યા નહીં.

સિયાને સરિતાબેન પહેલેથી ઓળખતા હતા. શિક્ષિત, બુદ્ધિશાળી, વ્યવસાયે ફેશન ડિઝાઇનર, આત્મવિશ્વાસથી ભરપૂર, ખૂબ જ સ્વીટ સિયાએ ટૂંક સમયમાં જ એક વહુ તરીકે સરિતાબેનના હૃદયમાં સ્થાન બનાવી લીધું. સાસરિયાંમાં વડીલોને આદર અને નાનાને પ્રેમ આપીને સિયા સૌની પ્રિય બની ગઈ.

તે સવારે વહેલા ઉઠીને સરિતાબેનને ઘરના કામકાજમાં મદદ કરતી, પછી તે પોતાના બુટિક માટે નીકળી જતી. તે સાંજે ઘરે આવતી એટલે સરિતાબેન ચા બનાવી દેતા. સાસુ અને વહુ બંને સાથે ચા પીને ખૂબ વાતો કરતા અને પછી સિયા જમવાનું બનાવતી. આખો પરિવાર રાત્રિભોજન એકસાથે કરે છે. સિયાના આગમનથી આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

બધું સારી રીતે ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ પાડોશમાં રહેતી કેટલીક મહિલાઓ સરિતાબેનને મળવા આવી. સિયાએ તેમનું સારી રીતે સ્વાગત કર્યું અને અંદરથી સરિતાબેનને બોલાવવા ગઈ. સરિતાબેન સાથે થોડીક વાતો કર્યા પછી બધા વાસ્તવિક મુદ્દા પર આવ્યા.

એક મહિલા બોલી, “તમારી વહુ બહુ સ્વીટ છે, પણ રોજ આ રીતે નાના કપડા પહેરીને ઘરની બહાર નીકળવું એ યોગ્ય નથી. તેની ખરાબ અસર તેની આસપાસ રહેતી અમારી વહુ-દીકરીઓ પર પડશે, તો મહેરબાની કરીને તમારી વહુને સમજાવો કે ઘરમાં પોતાની ઈચ્છા મુજબ કપડાં પહેરે, પણ ઘરની બહાર આવે ત્યારે આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરીને જ નીકળે.

આ સાંભળીને સરિતાબેનને આખો મામલો સમજાયો કે છેવટે આ બધાં એક સાથે મને મળવા કેમ આવ્યા છે. તેઓ ખુબ નમ્રતાથી હાથ જોડીને બોલ્યા, “માફ કરજો પરંતુ હું મારી વહુની આવી ટીકા સાંભળી શકતી નથી. મારી વહુ એક હીરો છે, ભગવાને આપેલો અમૂલ્ય ખજાનો છે, તે એટલી સભ્ય, સંસ્કારી અને કુશળ છે તેથી જ તે ઘરની બહારનું બધું જ સારી રીતે સંભાળે છે.

જ્યારે કપડાંની વાત આવે છે, ત્યારે તે તેના કપડાં પસંદ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, તેણે ક્યારે શું પહેરવું છે તે તેની પોતાની ઈચ્છા છે, કોઈએ તેનામાં દખલ કરવાની જરૂર નથી. અને મારી વહુ સમજદાર છે, તે જાણે છે કે ક્યારે શું પહેરવું જોઈએ.

તેના નાના કપડા જોઈને તમારા લોકોની વહુઓ અને દીકરીઓ પર ખરાબ અસર થાય છે, પણ તેના જેવી સંસ્કારી, બુદ્ધિશાળી, આત્મનિર્ભર છોકરીને જોઈને તેના જેવી બનવાની ઈચ્છા તેમને કેમ નથી થતી? અને મારી વહુ ક્યાં ફિલ્મોની હિરોઈનોની જેમ એકદમ ટૂંકા કપડા પહેરે છે. તેના કપડા ક્યારેય ઘૂંટણની ઉપર રહે તેવા નથી હોતા.

મારી વહુ આજના યુગની છોકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે, તે સારી રીતે જાણે છે કે કેવી રીતે પરિવારને સંભાળીને પોતાના કરિયરમાં આગળ વધવું. માફ કરજો પરંતુ નાના મારી વહુના કપડાં નહીં, પણ તમારા લોકોની વિચારસરણી નાની છે. અને તમારા લોકોની આ વિચારશરણીના કારણે મારી વહુ પોતાને બદલશે નહીં. તેણીને જે યોગ્ય લાગશે તે કરશે.

તે એવું જ પહેરશે જેમાં તે આરામદાયક અનુભવે. તમે અમારા ઘરે આવ્યા છો, તમારું ખૂબ સ્વાગત છે. પણ તમારી વિચારસરણીનો પરિચય આપવા આવી રીતે ફરી ક્યારેય ના આવશો. સરિતાબેનની વાત સાંભળી બધી મહિલાઓએ  માથું નીચે નમાવી લીધું અને ત્યાંથી ચૂપચાપ જતા રહેવું યોગ્ય સમજ્યું. અને અંદરથી પોતાની સાસુની વાત સાંભળી સિયાના મનમાં તેની સાસુ પ્રત્યેનો આદર હજુ વધી ગયો.