વહુએ ફોન પર પોતાની મમ્મી સાથે કરી એવી વાત કે સાસુને સમજાઈ પોતાની ભૂલ, પછી જે થયું તે જાણવા જેવું છે  

0
3962

સારો બોધ :

રસોડામાં વાસણો સાફ કરીને નિશા હૉલમાં આવી ને જોયું તો ટેબલ પર એક એઠો કપ પડેલો હતો. નિશાની સાસુ નાસ્તા સાથે ચા ચોક્કસ પીવે છે. પણ એઠો કપ જોઈને નિશાનું મન વિચલિત થઈ ગયું.

તે બબડવા લાગી કે, વાસણ ધોવાનો અવાજ અહીં હૉલ સુધી પણ આવે છે, તો પછી આ એઠો કપ અહીં જ મૂકી રાખ્યો. રસોડાના વોશબેઝિન સુધી પણ આપવા ના આવી શક્યા. એક તો લોકડાઉનમાં કામવાળી પણ નથી આવતી. આમ ને આમ બે મહિના થઈ ગયા, આવી સ્થિતિમાં શું વહુ બસ એક કામવાળી બનીને જ રહેશે.

નિશા એઠો કપ ધોવા માટે વોશબેઝિન પાસે પહોંચી જ હતી કે ફ્રિજ પર રાખેલા મોબાઈલ ફોનની રીંગ વાગી. જોયું તો મમ્મી નો ફોન હતો. ફોન લઈને બહાર હોલમાં આવીને બોલી : નમસ્તે મમ્મી… કેમ છો?

મમ્મી : મજામાં… બસ આ લોકડાઉનમાં હું આમ તમે આંટો મા રવા કે કોઈ મંદિરોમાં જઈ શકતી નથી… નહીં તો બહેનપણીઓ સાથે મન લાગી જતે. આ નવરાશમાં ક્યારેક ટીવી અને ક્યારેક ફોન પર સમય પસાર કરું છું. પછી બસ આરામ… કહીને હસવા લાગી.

નિશા : પણ ઘરનું કામ? એ પણ કરવું પડતું હશે ને, એમાં પણ પાછી કામવાળી નથી આવતી એટલે થોડી તો હેરાનગતિ થતી જ હશે ને?

મમ્મી : એ તો જેનું કામ છે તેને ખબર હશે. મારે શું…

નિશા : એટલે? ભાભી ક્યાં છે?

મમ્મી : વાસણ કે કપડાં ધોતી હશે. તેનું છોડ, તું તો આરામથી રહે છે ને, તને ત્યાં કોઈ સમસ્યા તો નથીને.

નિશાને હવે પોતાની અને પોતાની ભાભીની હાલત એક સમાન જણાઈ. અને તેનો ગુસ્સો વધવા લાગ્યો.

નિશા બોલી : મમ્મી… જ્યારે તમારું કામ પણ તમારી દીકરીએ જ કરવાનું હોય તો કેવો આરામ… અને કેવી તકલીફ…

મમ્મી : મારું કામ મારી દીકરીએ… સમજાતું નથી કે તું શું કહેવા માંગે છે?

નિશા : મમ્મી…. જેમ હું તારી દિકરી છું તેમ ભાભી પણ કોઈની દિકરી છે, જો બધા કામની જવાબદારી વહુની જ રહેશે, અને તમે એક સાસુની જેમ પોતાનું શાસન ચલાવશો તો કેવી રીતે કોઈ દીકરી આરામ કરી શકે.

મમ્મી : તું… તું… બરાબર તો છે ને… હે ભગવાન… શું ઘરનું બધું કામ તારે જ કરવું પડે છે? તો તારી સાસુ… તે શું કરે છે?

પ્રતીકાત્મક ફોટો

નિશા : એમને શા માટે દોષ આપી રહ્યા છો? તમે પણ એ જ તો કરી રહ્યા છો ભાભી સાથે પછી શું…..

ફોન પર બંને તરફ એકદમ સન્નાટો છવાઈ ગયો.

એવામાં અચાનક રસોડામાંથી વાસણ ધોવાનો અવાજ આવ્યો.

નિશાએ અંદર જઈને જોયું તો તેની સાસુ હતી.

અરે મમ્મી… તમે અહીં… હું હમણાં એ જ કરી રહી હતી. આ તો મમ્મીનો ફોન આવ્યો એટલે બહાર નીકળી… નિશાએ કહ્યું.

રસોડામાં સાસુ પોતાનો એઠો કપ ધોઈ રહી હતી.

સાસુ : શું મમ્મી અત્યારે ફોન પર છે?

હા… નિશાએ કહ્યું.

સાસુએ તેના હાથમાંથી ફોન લીધો અને કહ્યું : નમસ્કાર બહેન. મેં એક બોધ શીખી લીધો છે… તમે પણ શીખી લો… આપણે સાસુઓ હંમેશા વહુ પાસે અપેક્ષા રાખીએ છીએ કે તે આપણને આપણી દીકરી જેવું માન સમ્માન આપે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે પણ તો માં બનવાનું છે એ દીકરીઓની…

આપણે અહીં-તહીં ફરવામાં સમય પસાર કરીએ છીએ, અને આજે જ્યારે લોકડાઉનને કારણે ઘરનું કામ વધારે છે, તો આપણે આપણી દીકરીઓ સાથે કામ વહેંચીને સમયનો સદુપયોગ કરી શકીએ છીએ. મેં તો આ બોધપાઠ શીખી લીધો છે. તમે પણ શીખી લો.

સારું બહેન… ભરાયેલ આવજે નિશાની મમ્મી બોલી.

અને તે પણ ચાલી નીકળી પોતાની વહુને ઘરના કામ કરાવામાં મદદ કરવા.

– એક મિત્રની સુંદર રચના.