બજારમાંથી આવીને સાવિત્રીબેનને થાક લાગવા લાગ્યો અને તાળું ખોલ્યા વગર આરામ કરવા ઘરની બહાર જ બેસી ગયાં. એટલામાં નજીકના એક પાડોશીનો અવાજ આવ્યો, “શું થયું સાવિત્રી, થાકી ગઈ?” તે અવાજ સાંભળીને સાવિત્રીએ ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, “હા બહેન, હવે વૃદ્ધાવસ્થામાં શરીર સાથ આપતું નથી. હવે તો જરાય દોડધામ થતી નથી.” સાવિત્રીબેનના આવા શબ્દો સાંભળીને પાડોશીએ ફરી કહ્યું, “ચાર દિવસની જ વાત છે, પછી વહુ આવવાની છે, પછી તો આરામ જ આરામ મળશે.”
પાડોશીના મોઢેથી આવી વાતો સાંભળીને સાવિત્રીબેનના કપાળ પર ચિંતાની રેખાઓ ઉભરી આવી અને તે વિચારમાં પડી ગયા કે,
“શું આજની ભણેલી ગણેલી અને નોકરી કરનારી છોકરીઓ વહુનું સુખ આપશે?”
તેમણે નાનપણથી ખુશીનો ચહેરો પણ જોયો નહોતો. બાળપણમાં માતા ગુ-જરી ગયા. પિતા ડા રુપી ને જ્યાં ત્યાં પડ્યા રહેતા હતા. જેમતેમ મોટી થઈ, પછી એક સારા છોકરા સાથે લગ્ન થયા. લગ્ન પછી પતિ પણ પાંચ વર્ષના દીકરાને તેના ખોળામાં રમતો મુકીને યુવાનીમાં દુનિયા છોડીને જતો રહ્યો.
બીજાના ઘરના ઝાડુ-પોતા, વાસણ-કપડા ધોઈ તેણે ખૂબ જ મુશ્કેલીથી પુત્રને ઉછેરીને મોટા કર્યો. દીકરો ભણી-ગણીને સરકારી ઓફિસર બન્યો અને હવે બરાબર ચાર દિવસ પછી તે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, જે સારું ભણેલી છે અને નોકરી પણ કરે છે.
નોકરી કરનારી વહુ નોકરી કરવા જાય તો ઘરનું બધું કામ કોણ કરશે? શું આરામ? અત્યાર સુધી પડોસમાં જેટલી પણ નોકરી કરનારી વહુઓ આવી છે, તેઓ સાસુ સાથે સરખી વાત પણ કરતી નથી, તો તેમની સેવા તો દૂરની વાત છે. ભણેલી-ગણેલી નોકરી કરતી વહુ મને શું સુખ આપશે? મારી પાસે એટલું સોનું, ચાંદી અને જમીન-સંપત્તિ પણ નથી કે એના લોભમાં જ તે મારી સેવ કરે, લઇ દઈને ફક્ત આ માત્ર એક ઝૂંપડું છે.
સાવિત્રીબેને ઘરનું તાળું ખોલ્યું અને કામ કરવા લાગ્યા. ચાર દિવસ પછી દીકરાના લગ્ન છે અને બધા કામની જવાબદારી તેમના માથે છે. ચાર દિવસ પછી વહુ પરણીને ઘરે આવી જ ગઈ. વહુની આન, બાન અને શાન જોઈને સાવિત્રીબેન ફરી વિચારવા લાગ્યા કે, હવે મને ક્યારેય સુખ નહિ મળે. અને તેમણે મનમાં નક્કી કર્યું કે, આજ સુધી તે સંજોગો સાથે જેમ સમાધાન કરતી આવી છે તેમ જ કરતી રહેશે. ઘરમાં ઝઘડાનું કારણ તે પોતે ક્યારેય નહીં બને.
બીજા દિવસે સવારે સાવિત્રીબેન જાગ્યા ત્યારે તેમની નજર સીધી પોતાની સામે દીવાલ પર લટકતી ઘડિયાળ પર પડી. તેમણે જોયું કે આઠ વાગી ગયા હતા. તે બડબડાટ કરવા લાગ્યા, “બાપ રે! ઊઠવામાં આટલું મોડું થઈ ગયું, ઘરનાં બધાં કામો કરવાનાં છે. ગઈકાલ સુધી તો દીકરાનો જ નાસ્તો બનાવવો હતો, આજથી વહુનો પણ બનાવવો પડશે.”
બડબડાટ કરતાં તે ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે, વહુ અને દીકરો બંને તેમની ઓફિસે જવા તૈયાર હતા. તેમણે દીકરા તરફ જોઈને કહ્યું, “આટલું મોડું થઈ ગયું, તુએ મને કેમ ઉઠાડી નહિ. થોભી જાવ, નાસ્તો કરીને નીકળજો, હું ફટાફટ નાસ્તો બનાવી લાવું છું.” તે રસોડા તરફ જવા લાગ્યા ત્યારે વહુએ તેમને રોક્યા અને કહ્યું, “મમ્મી, મેં નાસ્તો બનાવી લીધો છે અને ઘરનાં બધાં કામો કરી લીધાં છે. તમે નાસ્તો કરીને આરામ કરજો. તમે લગ્નના કામમાં ખૂબ થાકી ગયા હતા એટલે તમને જગાડવા અમને યોગ્ય ન લાગ્યું.”
તમારે હવે આરામ કરવો જોઈએ. પુત્રવધૂની વાત સાંભળીને સાવિત્રીએ ઘરમાં આજુબાજુ જોયું તો જાણવા મળ્યું કે, ઘરના બધાં કામ ખરેખર પૂરાં થઈ ગયાં હતાં. આ બધું જોઈને સાવિત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું, “તારે જોબ પર જવાનું હોય છે, તારે કામ કરવાની શી જરૂર છે? મને ઘરના કામકાજ કરવાની આદત છે, હું બધું જ કરી લઈશ.
તેમની આવી વાતો સાંભળીને વહુ ફરી બોલી “મમ્મી, હું નોકરી કરું છું તો શું થયું, હું આ ઘરની વહુ છું અને મારી નોકરીની સાથે સાથે આ ઘરના તમામ કામ કરવા અને તમારી સેવા કરવાની મારી ફરજ છે. હું માત્ર મારી ફરજ નિભાવવા માંગુ છું. આજથી તમારે કોઈ કામ કરવાની જરૂર નથી. તમારે બસ આરામ કરવાનો છે, બાકીનું બધું હું સંભાળી લઈશ.”
વહુના મોઢેથી આવી વાતો સાંભળીને તેમણે તરત જ વહુને ગળે લગાડી અને રડવા લાગ્યા. હંમેશા ભાગ્યને દોષ આપનારા સાવિત્રીબેન આજે પોતાના ભાગ્ય પર ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા.