દયાની દેવી આહિર અમર માં કપરા સંજોગોમાં રોગીઓની સેવા કરતા હતા, વાંચો તેમનું જીવન ચરિત્ર.

0
356

દયાની દેવી આહિર અમર માં, પરબધામ.

સત દેવીદાસ અમર દેવીદાસ.

જેતપુર તાબાના પીઠડીયા ગામના લખમણ ડવ અને કમુમાની દીકરી અમરબાઈ વિસાવદર તાબાના શોભાવડલા ગામમાં પોતાના મોસાળ ચાવડા પરિવારમાં લાડકોડથી રહેતા. અમરબાઈની ઉંમર થતા જમાનાને અનુરૂપ સારા ઘરેથી સગાઈના માંગા આવવા લાગ્યા. દીકરીના માંગા આવતા લખમણ ડવ અને કમુમાએ મોસાળમાં મોટી થઈ રહેલ દીકરીની સગાઈ સાથે તેના લગ્નની ઉતાવળ કરી.

અમરબાઈનું બગસરામાંથી માંગુ આવતા સગાઈનો પ્રસંગ ધામધૂમથી ઉજવવા લખમણ ડવે તૈયારી આદરી. તો કમુમા પિયરીયાઓને સગાઈનું આમંત્રણ આપવા સાથે દીકરીને તેડવા લખમણ ડવને લઈ શોભાવડલા પહોંચી ગયા. પીઠડીયાથી દીકરી-જમાઈ આવતા ચાવડા પરિવારમાં ખુશીનો માહોલ રચાયો. ત્યારે પિતા લખમણ ડવ અને માતા કમુમાને જોઈ હરખાયેલા અમરબાઈનો હરખ હૈયામાં સમાતો ન હતો.

લખમણ ડવે શોભાવડલામાં બે-ત્રણ દિવસ મહેમાનગતિ માણી સગાઈમાં હાજર રહેવાનું સૌને ભાવપૂર્વક આમંત્રણ આપી પરિવાર સાથે પીઠડીયા જવા વિદાય લીધી. લખમણ ડવે જાતવાન બળદોને ગાડે જોડી રાશ ઢીલી કરતા રેવાળ ચાલે બળદોએ પીઠડીયાનો મારગ લીધો. ગળામાં રૂમઝુમ કરતા ઘુઘરાના અવાજ સાથે પીઠ ઉપર શોભતી ઝુલો સાથે બળદો એકધારી ચાલે આગળ વધી રહ્યા હતા. કમુમા અને અમરબાઈ સાથે લખમણ ડવ અલક મલકની વાતો સાથે રસ્તો ઉકેલી રહ્યા હતા.

લખમણ ડવે બપોરનો સમય થતા બળદોને બેઘડી આરામ કરાવવાનું વિચારતા આસોના આકરા તાપમાં વાવડીની સીમમાં સરભંગ ઋષિનો આશ્રમ જોયો. આશ્રમની બાજુમાં આવેલ વડ જોતા રાશ ખેંચી ગાડુ વડના છાંયા નીચે લીધું. બળદોને વહેતા ઝરણાંમાં પાણી પીવરાવી નીરણ-પૂળો કરી પરિવાર સાથે બપોરો કરવા બેઠા. કમુમાએ પિયરમાંથી આપેલ સુખડીનું ભાતું ખોલતા તેની સોડમ ચારેબાજુ ફેલાઈ ગઈ. લખમણ ડવે સૌ સાથે સુખડીના ત્રણ-ચાર ચોસલા ખાય ઓડકારો લેતા વડલા નીચે આરામ કરવા વાંહો લંબાવ્યો.

અમરબાઈએ મા-બાપને આરામ કરતા જોઈ વડ સામે આવેલ ઝુંપડીઓમાં રોગીઓની સેવા કરતા સાધુને જોતા, તે ત્યાં પહોંચી ગયા. કોઢ અને ર ક્તપીત્તિથી પીડાતા લોકોના શરીરમાંથી નીકળતા લો હી-પરુ સાફ કરતા સાધુને જોઈ અમરબાઈ નવાઈ પામ્યા. દર્દીઓના લો હી-પરુ સાફ કરી સ્નેહથી સાંત્વન આપવા સાથે પાટા-પીંડી કરતા સાધુ એક પછી એક દર્દીની સારવાર કરતા આગળ વધી રહ્યા હતા. તે જોઈ અમરબાઈ તેમને મદદ કરવા આગળ વધતા સાધુએ રોકતા કહ્યું. ”દીકરી, તું રકતપીત્તિયાથી દૂર રહે તેને અડવાથી ચેપ લાગે !”

“બાપુ, ર ક્તપીત્તિયાના લો હી-પરુ ઘસી તમે સાફ કરો છો, તોય તમને ચેપ નથી લાગતો?”

”દીકરી, હરિનામનો ચેપ જેને લાગ્યો હોય તેને ર ક્તપીત્તનો ડર કેવો?”

“બાપુ, જો તમને ડર ન હોય તો હું આહીરની દિકરી છું, મને બીક કેવી ?” ”દીકરી, હું તને બીવડાવતો નથી, આ ચેપી રોગ છે એટલે દૂર રહે તો સારૂ !”

“બાપુ, તમે આ ઉંમરે દીનદુ:ખીયાની સેવા કરો, અને મને દૂર રહેવાનું કહો ? ઈ’ ઠીક નથી !”

”દીકરી, મને આદત છે પણ તારા માટે નવું કે’વાય !”

મૂળ મુંજિયાસર ગામના દેવા રબારી ગિરનારના જંગલમાં આવેલ રામનાથ મહાદેવના તપસ્વી ઋષિ જેરામભારતીના શિષ્ય હતા. જ્યારે દેવા રબારીના ગુરુ ઋષિ જેરામભારતી ગધેસરના ડુંગર ઉપર સાધના કરતા મુસ્લીમ ફકીર નૂરશાહપીરના શિષ્ય હતા. દેવા રબારીએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરતા ગુરુ જેરામભારતીએ દેવાની જગ્યાએ ‘દેવીદાસ’ નામ આપી ર ક્તપિત્તિયાની સેવા કરવાનો આદેશ કર્યો.

બિરદ અપના પાળતળ, પૂરન કરત સબ આશ;

જાકો જગમેં કોઈ નહીં, તાકો એક સંત દેવીદાસ.

સંત દેવીદાસને રક્તપિત્તિયાની સેવા કરતા જોઈ અમરમા ભાવવિભોર થઈ ગયા. ક્ષણભંગુર સાંસારીક સુખની જગ્યાએ સેવામાં રહેલ સાશ્વત સુખનો સાક્ષાત્કાર કરતા અમરમા વડ નીચે સુતેલા મા-બાપ પાસે પહોંચી ગયા. લખમણ ડવ, બળદોની રાશ ખેંચી ગાડુ ઊભું રાખી મા-દીકરીની રાહ જોતા હતા, પરંતુ અમરમાને સમાધિ લાગી ગઈ હોય તેમ રક્તપીત્તિયાની સેવા કરતા સંત દેવીદાસને જોઈ રહ્યા હતા. દીકરીને ભાવવિભોર જોતા કમુમાએ તેના ખંભા ઉપર ધીમેથી હાથ મૂકી ગાડામાં બેસવાનો ઈશારો કર્યો.

અમરમાએ અચકાતી જીભે રક્તપીત્તીયાની સેવા કરવાની જનેતા પાસે રજા માંગી.

અમરમાની વાત હસી કાઢતા કમુમાએ તેનો હાથ પકડી ગાડા તરફ આગળ વધ્યા. ત્યારે અમરમાએ આંખમાં આંસુ સાથે હાથ જોડી રક્તપીત્તિયાની સેવા કરવાની ફરી મંજૂરી માંગી. લખમણ ડવે મા-દીકરીની વાત સાંભળી સંન્યાસી જીવનની કઠીનતા અમરમાને સમજાવી. પરંતુ અમરમા મક્કમતાથી પોતાની વાતને વળગી રહેતા લખમણ ડવે શોભાવડલાથી મામા-મામી અને બગસરાથી સગાઓને તેડવા માણસો દોડાવ્યા.

લક્ષ્મણ ડવ-કમુમા સાથે શોભાવડલાથી આવેલા મામા-મામીએ સમજાવવા છતાં અમરમાએ મક્કમ રહી સૌને હાથ જોડી રજા માંગી. અમરમાનો વૈરાગ્ય જોઈ મા-બાપ અને મામા-મામીએ આશીર્વાદ સાથે સંત દેવીદાસના આશ્રમમાં જોડાવાની ભારે હૈયે રજા આપી. એ દરમિયાન બગસરાથી પોતાના દીકરા માટે અમરમાનું માંગુ નાંખનાર સગા આવી પહોંચતા તેમણે અમરમાને સમજાવ્યા, પરંતુ અમરમાએ તેમની વાત કાને ન ધરતા માથેભારે સગાઓએ ગુસ્સે થઈ આશ્રમ માથે લેતા વાતાવરણ તંગ થઈ ગયું. અમરમાનો વૈરાગ્ય જોઈ મા-બાપે રક્તપિત્તિયાની સેવા કરવાની રજા આપતા સંત દેવીદાસ આશ્રમમાં સંન્યાસીની તરીકે તેઓ જોડાયા.

સરભંગ ઋષિનો આશ્રમ યુગોથી તેની આગવી ઓળખ ધરાવે છે. કચ્છના પ્રસિદ્ધ સંત મેકરણ દાદાએ અહીં કઠોર તપ કરી બાર વર્ષ સુધી કાવડ ફેરવી અન્નક્ષેત્ર ચલાવેલ. ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ મંત્રને સાર્થક કરતા સંત દેવીદાસે સમાજમાંથી તિરસ્કૃત કોઢીયા અને રકતપીત્તિયાની સેવા સાથે ભૂખ્યાને ભોજનનો સિલસિલો ચાલુ રાખેલો. સંત દેવીદાસના સેવા કાર્યમાં અમરમા જોડાતા તેઓ દર્દીઓને નવરાવી, ઘાવ સાફ કરી, ઔષધના લેપ અને પાટાપીંડી સાથે પ્રેમથી જમાડતા. અમરમાની પ્રેમભરી હુંફ અને હામ રોગીને રોગમુકત કરતા. એ સાથે ભીક્ષા માટે ખંભે કાવડ મૂકી ભૂખ્યાની ભૂખ ભાંગવા સદાવ્રત ચલાવતા.

ભેંસાણના સાદુળ ખુમાણે અમરમાની પરીક્ષા કરતા તેને સદાચારના માર્ગે વાળી અમરમાએ ભક્તિના રંગે રંગી દેતા, સંત દેવીદાસે તેને કંઠી બાંધી શિષ્ય બનાવેલ. સાદુળ ભગત તરીકે પ્રસિદ્ધ થયેલ આ શિષ્યની સમાધિ પરબધામમાં આજેય પૂજાય છે. એક વખત સોરઠમાં વરસાદ ઓછો પડતા સરભંગ ઋષિના આશ્રમમાં પાણીની તકલીફ પડતા કૂવો ગાળવાનું શરૂ કર્યુ. પરંતુ કૂવો ઊંડો ગાળવા છતાં તેમાં પાણી ન આવતા સૌ મુંઝાયા. એ દરમિયાન ગોંડલથી દાસી જીવણ આશ્રમમાં દર્શને આવતા આભડછેટના કારણે લોકોએ તેમને આશ્રમથી દૂર રાખ્યા.

આત્મજ્ઞાની સંત દાસી જીવણને નાત-જાતના ભેદના કારણે આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવતા નથી, તેવું અમરમાએ જાણતા ‘આત્મા સો પરમાત્મા’ સૂત્રને સાર્થક કરવા દાસી જીવણ પાસે જઈ તેમને કૂવા પાસે લઈ ગયા. દાસી જીવણે ખાલી કૂવો જોતા તેમાં ઉતરી અલખને આરાધતા પાણીની સરવાણીઓ ચારેબાજુથી ફુટતા દાસી જીવણ પાણી સાથે કૂવા બહાર આવી જતા સૌ તેમની માફી માંગવા લાગ્યા. આજેય આ કુંડ(કૂવા)ના ચરણામૃત વિના પરબ યાત્રા અધૂરી માનવામાં આવે છે.

સંત દેવીદાસ- અમરમાએ કોઢીયા અને રક્તપીત્તિયાની સેવા કરી જગતને સેવાનો મહિમા સમજાવ્યો. ઇંગ્લેન્ડના ‘લેડી વીથ લેમ્પ ફ્લોરેન્સ નાઇટીંગલ’થી પણ કપરા સંજોગોમાં રોગીઓની સેવા કરનારા અમરમાએ સંત દેવીદાસ સાથે વિ.સં. 1839(ઇ.સ. 1783)ની અષાઢી બીજે સમાધિ લીધી હતી .

એક વખત ઘેઘૂર વડથી શોભતી આ પવિત્ર ભૂમિ આજે શિખરબંધ ભવ્ય મંદિરથી શોભે છે, રોજ હજારો યાત્રીઓ અહીં દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ એ સાથે સંત દેવીદાસ – અમરમાના ગરીબ નિરાધાર રોગીઓની સેવાના સૂત્રને સાર્થક કરે તેવી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે તો લોકો માટે તે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે તેમ છે.

– સાભાર કેસરિયો રાજપૂત સમાજની વોલ પરથી.