“દે દામોદર દાળમાં પાણી” આ લાઈન તમે ઘણી વખત બોલતા હશો પણ શું તેની આખી કવિતા આવડે છે…

0
1917

“દે દામોદર દાળમાં પાણી…” વર્ષોથી કંઈ ખૂટી પડે ત્યારે આ કાવ્ય પંક્તિ આપણે બોલીએ છીએ, પણ આખું કાવ્ય જાણતા નથી. આ હાસ્ય વ્યંગ કાવ્યના રચયિતા છે જન્મશંકર પંડ્યા. જે જર્મન પંડયા તરીકે જાણીતા હતા. પહેલાના જમાનામાં નાત જમાડતી વેળા કેવા ગોટા વળતા, તેનું આ કાવ્યમાં હાસ્ય રસિક વર્ણન છે. – મહેશકાન્ત વસાવડા.

દે દામોદર દાળ માં પાણી.

દે દામોદર દાળમાં પાણી, વાત વધી કોઈ વાતને જાણી,

નોતરાં માં છે ગોટમગોટા; નોતર્યા નાના ને આવ્યા મોટા,

વાટકા લાવ્યા એવડા મોટા, પીરસનાર ની ભૂલ દેખાણી,

જેને લીધે થઇ છે ઘાણી, દે દામોદર દાળમાં પાણી,

તાપ વધ્યો ને તપેલું ચીબું, ઉકળી દાળ ને ઉછળ્યું છીબું,

ત્યાં પડેલું બોલ્યું લીંબુ, થોડી ઉભરાણી, થોડી ઢોળાણી,

જેની રસોડે છે એંધાણી, દે દામોદર દાળમાં પાણી,

કેટલી સંખ્યા કો’કને પૂછી, દાળ ઓરાણી વાત માં ઓછી,

ને ભાત વેળાએ તાણાતાણી, દે દામોદર દાળમાં પાણી,

એના વરામાં શું ઠેકાણું? વાલ બોલ્યાં, પતરાળું કાણું,

કો’કને ભાણે ક્યાંક અથાણું, ઠીક વરાની વાત ફેલાણી,

એનીજ છે આ રામ કહાણી, દે દામોદર દાળમાં પાણી,

આંગળી બોલી કોળિયો રીઢો શાક તાડુકયું લાડવો મીંઢો,

બેઉની એવી છે આ ઉઘરાણી, કેમ રીસાણી,

ક્યાં સંતાણી, ભાતની રાણી? – દે દામોદર દાળમાં પાણી.

કૃતિ હાસ્યકવિ ‘જર્મન પંડ્યા’ ઉર્ફે જ્નમશંકર પંડયા. (સાભાર કવિજગત)