મંદિરે દેવ દર્શનના સર્વ સામાન્ય નિયમો, જાણો કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન.

0
709

1) કોઈપણ દેવાલયમાં દેવ દર્શનનો કોઈ નિષેધ નથી. દેવ દર્શન દરેક કરી શકે છે. પણ પૂજા વગેરે માટે જે તે વ્યક્તિ પોતાની જ્ઞાતિ, શાસ્ત્રીય નિયમો અને અધિકાર હોય એ મુજબ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી પૂજા ઇત્યાદિ કરી શકે અન્યથા પુણ્ય કરતા પાપના ભાગીદાર તો નથી બનતા ને એ વિચારવું રહ્યું.

2) જેનો પૂજા વગેરેમાં અધિકાર નથી તેમણે મંદિરની સાફ સફાઈ, અન્ય નાનીમોટી સેવા પૂજારીના કીધા અનુસાર કરવાથી જ પૂજા નું પુણ્ય સહજમાં પ્રાપ્ત થઈ જાય છે.

3) મંદિર એ ભક્તિ, ભજન, નામ સ્મરણ, કીર્તન, જપ વગેરે કરવાનું શાસ્ત્રોમાં અતિઉત્તમ સ્થળ કીધું છે. માટે મંદિરે જઈ સાંસારિક, લૌકિક વાતો કે ગપાટા ના મારવા.

4) મંદિરની અને પોતાની સંસ્કૃતિની મર્યાદા જળવાય એવા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ને જ દેવ દર્શને કે પૂજને જવું જોઈએ.

5) મંદિરે ગયા પછી આપડે સેવા કરીને આવીએ છે કે અન્ય માટે સેવા વધારીને એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

6) જ્યાં ત્યાં કચરો ફેંકવો, મંદિરની કોઈ વસ્તુ ને પૂછ્યા વિના લેવી કે અડકવી, મંદિરના ફૂલ છોડ તોડી ભગવાનને ચડાવવા આવી બાબતોથી દૂર રહેવું.

7) કોઈપણ શિવાલયમાં જઈએ ત્યારે પોતાને ઘરેથી જળ ભરેલો કળશ, પૂજા સામગ્રી લઈને જવી જોઈએ એ જ ઉત્તમ છે.

8) મંદિર એ ઈશ્વરનું રહેવાનું સ્થળ છે એટલે ત્યાં કેમ વર્તવું એ વિશે આત્મ ચિંતન કરવું.

9) મંદિરે કારણવિના બિનજરૂરી ચર્ચા કે વાતો વિના મૌન અને જપ વધુ કરવા.

10) મંદિરે વધુ સમય પસાર કરવો એ સારી વાત છે પણ પ્રભુ સ્મરણમાં સત્સંગમાં થાય તો, બાકી વાતો, નિંદા કે ગપાટામાં સમય પસાર કરવો એ યોગ્ય નથી.

11) મંદિર એ તીર્થ સમાન પવિત્ર છે. માટે કહ્યું છે કે…..

अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति।

तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति।।

બીજે કરેલું પાપ તીર્થમાં નાશ પામે છે, પણ તીર્થમાં કરેલું પાપ વજ્ર સમાન બની જાય છે એ નાશ નથી થતું પણ પાપ કરનારનો જ નાશ કરે છે.

12) પૂજારી, વિપ્ર એ દેવ છે માટે એની અવજ્ઞા કરી કોઈપણ પૂજા પાઠ મંદિરે કરીયે તો તે કદાપિ ફળતું નથી.

13) જે મંદિરના જે નિયમો અને પરંપરા હોય એને અનુસરવા.

એક મંદિરમાં બેસી બીજા મંદિરના વખાણ કરવા અથવા નિંદા કરવી એ પણ પાપ છે.

સનાતન ધર્મ કી જય, વિશ્વ કા કલ્યાણ હો.

– સાભાર વીરેન વી પાઠક (અમર કથાઓ ગ્રુપ)