‘દેવ દેરા છોડીને હનુમાનની હડફેટે ન ચડવું’ – વાંચો આ કહેવત પાછળની મજેદાર સ્ટોરી.

0
1083

ઘણાં વર્ષો પહેલાં મારી બા પાસેથી એક વાર્તા સાંભળેલી. ઈચ્છા થઈ કે આ વાર્તા આજે શેર કરૂ. આપણી ઘણી કહેવતો પાછળ કંઈક ને કંઈક વાત છુપાયેલી હોય છે.

દા.ત. કોથળામાં પાનશેરી (પાંચશેરી). આવી જ એક કહેવત છે, “દેવ દેરા છોડીને હનુમાનની હડફેટે ન ચડવું.” આ કહેવત પાછળ છુપાયેલી વાર્તા માણીએ.

એક નાનકડું ખોબા જેવડું ગામ. ગામમાં ખેડૂતો, એકાદ વેપારી, ખેતમજૂરો, બે ચાર કારીગરો, એમ વનમાં જેમ તરેહ તરેહના વૃક્ષો હોય તેમ તરેહ તરેહના માણસોની વસ્તી.

ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પણ રહે. નામ ગિરીજાશંકર, પણ ગામ તેને ગીજાગોર તરીકે બોલાવે. પચ્ચીસ, ત્રીસ ખોરડાના ગામમાં ક્યારેક કોઈ કથા વારતા કરાવે તો પાંચ પૈસા આવે બાકી ‘જે મા’રાજની આરતી.’

ગામથી ખેતરવા છેટે હનુમાનદાદાનુ મંદિર. ગીજાગોરને હનુમાનજી ઉપર ભારે શ્રધ્ધા અને વિશ્વાસ. સવાર સાંજ દિવા બતી કરે અને હનુમાન ચાલીસા બોલે. પ્રાર્થના પણ કરે, “હે કષ્ટભંજન દેવ,મને કંઈક રસ્તો સુઝાડો. મને કંઈક ધંધો કરવાની આવડત આપો કે જેથી હું મારા પરિવારનુ પાલનપોષણ કરી શકું કંઇક દાળદર ફેડી શકું.”

ગોરબાપાને ત્રણ દિકરીઓ પછી એક પૂંછડિયો દિકરો. બાળકો મોટા થવા લાગ્યા એમ વરો વધવા લાગ્યો. આખા ગામમાં વસ્તી ચેતાવે તોય પૂરૂ ન પડે. પછી તો દાદા પડખેના બીજા બે ગામ માગે તોય પૂરૂ ન પડે.

કોઇક સ્ત્રીઓ તો વળી જેવા દાદા ફળિયામાં આવીને બોલે, “દયા પ્રભુની, ધર્મનો જે, સાતમ ને સોમવાર” ત્યાં તો ઘરમાંથી લાજ કાઢેલી બાઇ બહાર આવીને કહે, દાદા હાથ એંઠા છે કાલે આવજો.”

અને દાદા મૂંગે મોંઢે ડેલી માંથી નીકળી જતાં. પછી તો, ‘ઉજળા,નાજાપુર ને વચમાં આવે વડિયા, ત્રણ ગામ માગે ત્યારે લોટ થાય બે ગડીયા’ જેવી સ્થિતિ થવા લાગી.

દિ’ ને જાતાં ક્યાં વાર લાગે છે. સરખે સરખી ત્રણ દિકરીઓ મોટી થવા લાગી તેમ બ્રમદેવની ચિંતા પણ વધવા લાગી. ત્રણ ત્રણ ગામની વસ્તી ચેતાવીને ગોર ઘરે આવે ત્યાં ગોરાણીનો કકળાટ ચાલું જ હોય. “એ આ છોડીયુ ટોડે ચડીયુ, તમારી આંખ કેદી ઉઘડશે? કૈક બીજા ગામડામાં આટો મારો. ક્યાંક જઈ રામાયણ, મહાભારતની કથા વાંચો, આમ લોટ માગે દિ’ નહીં વળે.” આવું આવુ સાંભળીને ગોર હવે તો મુંઝાયા.

ક્યારેક ગોરાણીને આશ્ર્વાસન આપે, “તમને તો ખબર છે ગોરાણી કે મને સંસ્કૃત મુદ્લ આવડતું નથી, વળી સાંભળનારા ઘણીવાર અટપટા સવાલ પૂછે ને મને ન આવડે એટલે મોં હેઠું ઘાલવુ પડે.”

“પણ મારા હનુમાનજી ઉપર ભરોંસો રાખો, આ બજરંગી દાદો સૌ સારા વાના કરશે.”

રસોડામાંથી જવાબ મળતો, “તમે કંઈ નરસી મેતાનો અવતાર નથી તે ભગવાન સમરો ને હાજર થાય.” અને એક દિ ગોર કંટાળીને ખડીયામા થોડું ભાતું નાખીને નીકળી પડ્યા.

ગોરાણીને કહ્યું, “આ બાપદાદા વખતની જૂની પોથી લઈને નીકળું છું ગામડાઓમાં જે ગામ હા પાડશે ત્યાં ક્થા વાર્તા કરીશ. કંઈક ખર્ચા જોગુ મળશે ત્યારે પાછો આવીશ.”

“જે થાવું હોય તે થાય હવે હનુમાન દાદાના આશીર્વાદ મળે પછી જ ઘેર આવવું છે.”

હનુમાનદાદાના મંદિરમાં જઈ દિવાબતી કર્યા, ચાલીસાનું પઠન કર્યું ને અરજ કરી, “દાદા હવે મારી અરજ સાંભળો તો સારૂં. મને નથી આવડતું ભાગવત કે નથી આવડતા વેદમંત્રો. અને ઊપડ્યો છું કથાઓ કરવા. નથી મારી પાસે પોથી કે નથી પુરાણ. હવે ઘરે જઈને પણ શું મોં દેખાડું. મને સંકટ માંથી ઉગારો દાદા.

બરાબર એ જ સમયે, કોઈ પર્વતની ગૂફામાંથી આવતો હોય તેવા ગંભીર અવાજે આકાશવાણી થઈ, “હે બ્રાહ્મણ, તારી નિર્દોષતા અને ભોળપણથી હું પ્રસન્ન થયો છું. આવતીકાલે શનિવાર છે. તું બરાબર સંધ્યા સમયે અહીં આવજે અને દિવાબતી કરીને ચાલીસા પાઠ કરજે. હું તને એક હજાર સોનામહોર આપીશ. તારૂ દારિદ્રય દૂર થશે અને દિકરીઓના પ્રસંગો પણ ઉકેલાય જશે.

બ્રાહ્મણ પોતે સપનું તો જોતો નથીને ખાત્રી કરી, જોયું તો હનુમાનજીની મૂર્તિ જાણે તેની સામે હસતા હસતા આશીર્વાદ આપતી હોય તેવો ભાસ થયો. મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, રાજીપો વ્યક્ત કર્યો ને હરખભેર હનુમાન ચાલીસા ગાવા લાગ્યો.

અહીં આ સમયે સાથે સાથે બીજો એક પ્રસંગ બની ગયો. જ્યારે આકાશવાણી થઈ ત્યારે ગામનો એક લોભી અને લુચ્ચો વેપારી ખરસુ જવા નીકળેલો. તેણે આ આકાશવાણી કાનોકાન સાંભળી. તેણે વિચાર્યું, “આ ગીજાગોરને તે વળી એક હજાર સોનામહોર શું કરવી હોય. વળી બ્રાહ્મણના ધરે લખમજી થોડા શોભે. તેણે મનોમન યેનકેન પ્રકારે ગીજા પાસેથી સોનામહોર પડાવી લેવાનો સંકલ્પ કર્યો.

ગિજા ગોર તો હરખભેર ઘેર પરત આવ્યા. તેણે હમણાં આકાશવાણી વાળી વાત ગોરાણીને ન કહેવી તેવું નક્કી કર્યું. પહોંચતા વેંત જ ગોરાણીએ તેને પોખ્યો, “મને ખબર જ હતી કે પાછા જ આવશે હમણાં, આ મોં સતામણો ક્યાંય નહીં જાય, લેવા જાવી છે છાસ ને દોણી સંઘરવી એ કેમ મેળ પડે? હું જ અભાગણી છું તે આને પનારે પડી, આના કરતાં તો મારા બાપે મને મારી કેમ ન નાખી તે મારે આ દિ’જોવાનો વારો આવ્યો. તેણે લાંબો ઠુઠવો મૂકીને રોવાનું ચાલું કર્યું.

ગિજો દબાતા અવાજે બોલ્યો, “પણ મારી વાત તો સાંભળો ગોરાણી, બરાબર ગોંદરે પુગ્યો ને મીંદડી આડી ફરી. અપશુકન થયા, મારે દેખીપેખીને કેમ જાવું એટલે હું પાછો ફર્યો. હવે સોમવારે નીકળીશ.”

ગોરાણીને ધરપત આપીને છાના રાખ્યા. તે આખી રાત તેને ઉંઘ ન આવી. આ તરફ પેલાં વેપારીને, ગિજા પાસેથી સોનામહોર કેમ પડાવી લેવી તેની યુક્તિઓ વિચારવામાં ઉંઘ ન આવી.

ગોર તો સવારમાં ઉઠી નિત્યકર્મ આટોપીને ગામમાં વસ્તી ચેતાવવા નીકળ્યા. પેલો વેપારી તેની જ રાહ જોતો ડેલી પાસે ઉભો હતો. ગોરને જોતાવેત સામે ચાલ્યો , “એ.. જે ભોળાનાથ દાદા, કેમ છો? દાદા આજ તો અમારૂં આંગણું પવિત્ર કરો, મારે ઘેર પધારો.”

ગિજાને નવાઈ લાગી, “આ લોભીયો સામા મળ્યેય બોલાવતો નથી ને આજે આટલું બધું હેત કેમ ઉભરાણું?” એમાં પણ તેને હનુમાનજીની કૃપા દેખાણી. “આ બધો દાદાનો પ્રતાપ છે” તે મનોમન બોલ્યો ને વેપારીને ઘેર ગયો.

વેપારી આંગણામાં પગ મૂક્તા જ મોટેથી બોલ્યાં, “અરે, શેઠાણી બહાર આવો ને જૂઓ તો ખરા કોણ પધાર્યું છે.”

ગિજા તરફ ફરીને બોલ્યો, “આવો..આવો..દાદા, આજે અમારૂં આંગણું પવિત્ર થયું.” “જાણે શબરીની ઝૂપડીયે રામ પધાર્યા.”

ગિજો નવાઈ પામીને વેપારીએ આપેલી આસન ઉપર બેઠો.

વેપારીની પત્નીએ ચા બનાવીને બન્ને એ પીધી.

હવે વેપારીએ મુદ્દાની વાત કાઢી, “દાદા આ તમારી છોડીયુ જવાન થવા આવી, કાલ સવારે તેના લગ્નનો પ્રસંગ આવીને ઉભો રહેશે. તેના માટે કંઈ વિચાર્યું કે નહીં.”

ગિજો કહે, “હું શું વિચારૂં શેઠ, મને બીજુ કંઈ આવડતું નથી, તમે જો રાખો તો તમારી સાથે વાણોતર રહું, થોડો ઘણો પગાર આપજો.”

વેપારી કહે , “અરે ના રે ના, હું બ્રાહ્મણના દિકરા પાસે કામ કરાવીને હું ક્યા ભવે છુટું ,મારે એવું પાપ કરવું નથી.”

વળી ઉમેર્યું , “પણ, એક કામ કરો ગોર, હું તમને બસો સોનામહોર આપીશ, એક શરત તમારે આજની તમારી બધી કમાણી મને આપી દેવાની.”

ગિજો કહે, “શેઠ, મારે વળી કમાણી કેવી? આ ચપટીક લોટ અને કો’કે વળી આપ્યું હોયતો મુઠ્ઠી બે મુઠ્ઠી કઠોળ ને વાડીયુ વાળા એ કંઈ લીલું શાક આપ્યું હોય.”

વેપારીએ કહ્યું, “દાદા આપની પ્રસાદી અમારા ભાગ્યમાં ક્યાંથી? ચાલો હું તમને બસ્સો ને બદલે ત્રણસો સોનામહોર આપીશ.”

ગિજાને આકાશવાણી યાદ આવી, પણ આ લોભીયા વેપારીની પરીક્ષા કરવાનું મન થયું ને તેણે વેપારીની શરત માન્ય રાખી.

વેપારીએ પણ ત્રણસો સોનામહોર આપવાનું વચન આપ્યું.

ગોર ત્રણેય ગામોમાં આટો મારી જે ભિક્ષામાં મળ્યું હતું તે લઇને વેપારીના ઘેર આવ્યા.

વેપારીની દાનત ખોરા ટોપરા જેવી હતી બોલ્યો, “દાદા આજ આખા દિવસની કમાણી આપવાની વાત છે.” હજુ તો બપોરના બે જ વાગ્યા છે.”
આને તેણે ગોરનો વિશ્ર્વાસ જીતવા ત્રણસો સોનામહોર ગણી આપી.

હવે ગિજા ને ચિંતા થઇ ને તેને લાગ્યુ કે દાળમાં કંઇક કાળું છે પણ કષ્ભંજનદેવ સૌ સારાવાના કરશે એવી હૈયાધારણ લઇ ઘેર પહોંચ્યો. બરાબર સંધ્યા સમય પહેલાં ગોર હનુમાન મંદિરે પહોંચી ગયા.

વેપારી પણ લપાતો છૂપાતો ગોરની પાછળ પહોંચી ગયો મંદિરે, ને છૂપાઈને શું થાય છે તે જોવા લાગ્યો.

ગિરજાશંકરે પૂજાનાં વાસણ સાફ કર્યો, પૂજા આરતી કરીને હનુમાન ચાલીસાનું ગાન ચાલુ કર્યું.

વેપારી ગોરની પાછળ છૂપાઈને જોવા લાગ્યો.

એક ,બે, ત્રણ, ચાર ચાલીસા પાઠ પૂરા થયા પણ સોનામહોરનુ ક્યાંય ઠેકાણું નહોતું. ગોર શ્રધ્ધાપૂર્વક પાઠ કર્યે જતા હતાં તેને દાદા પ્રેરિત આકાશવાણી ઉપર પૂરો ભરોસો હતો.

વેપારીની શ્રધ્ધા ખૂટવા લાગી હતી, એને બીક લાગી કે ક્યાંક ગાંઠની ત્રણસો સોનામહોર ગુમાવવી ન પડે.

આમને આમ ગિજા ગોરે સાતમી ચાલીસા ચાલું કરી.

જય હનુમાન જ્ઞાન ગુન સાગર,

જય કપિસ તીહૂ લોક ઉજાગર.

સાતમી ચાલીસા પૂરી થવા આવી પણ ન મળે કોઈ આકાશવાણીના ઠેકાણાં કે ન મળે મૂર્તિમાં કોઈ હિલચાલ.

વેપારીની ધીરજ ખૂટી, તેણે ગોરની પાછળથી નીકળી ને મૂર્તિને જોરદાર લાત મારીને બોલ્યો, આ પથ્થરની મૂર્તિ સોનામહોર આપતી હોય તો શું જોઈએ!! હું જ કેવો મુર્ખ કે આ આકાશવાણી ઉપર વિશ્ર્વાસ રાખીને ત્રણસો સોનામહોર ગુમાવી.

બરાબર તે જ વખતે મૂર્તિની પાછળથી વિશાળ પૂચ્છ નીકળ્યું ને વેપારીનો લાત વાળો પગ કસીને પકડી લીધો અને ફરી આકાશવાણી થઈ, “અરે મૂર્ખ લોભીયા વેપારી તું શું સમજે છે તારા મનમાં!!” તું આ ગરીબ , ભોળા ગરીબ બ્રાહ્મણની સોનામહોર પડાવી લેવા માગે છે? મૂર્ખ ”

ગભરાયેલી વેપારી બે હાથ જોડી કરગરવા લાગ્યો, “દાદા મારી ભૂલ થઈ, મને માફ કરો.”

ફરી આકાશમાંથી અવાજ આવ્યો, “માફ એક્જ શરતે થઈ શકે, આ ગરીબ બ્રાહ્મણને સાતસો સોનામહોર આપી દે, ત્રણસો તો તે બપોરે આપી છે. ને હવે સાતસો આપી દે એટલે મારું બ્રાહ્મણને આપેલું વચન પૂરું થાય. મારી પાસે તો ફુટી કોડી યે ન મળે.” હું તો ખાખી બાવો, સારું થયું કે તું ભટકાઈ ગયો, નહી તો હું હજાર સોનામહોર લાવત ક્યાંથી?

વેપારી કહે, “દાદા પગ છોડો તો ઘેર જઈને લઈ આવું.”

દાદા કહે, ઈ વાત માં માલ નહીં, હાથમાં આવેલ તને એમ છોડુ એવો મૂર્ખ નથી. જો આ તારો વાણોતર દર્શન કરવા આવતો લાગે છે. તેને ઘેર પરત મોકલી ને સોનામહોર મંગાવી લે. પછી તને છોડુ.

વેપારીએ પોતાની પત્નીને ચીઠ્ઠી લખીને સાતસો સોનામહોર મંગાવી ને ગિજા ગોરને આપી.

ફરી ધીર ગંભીર અવાજે આકાશવાણી આગળ સંભળાણી, “હે.. બ્રાહ્મણ મળી ગઈ ને તને હજાર સોનામહોર? હવે તું તારી સાંસારિક જવાબદારીઓ નિભાવ અને ધ્યાન રાખજે આવા શઠોનુ જે હંમેશા બીજાની મિલ્કત પડાવી લેવાની ફિરાકમાં હોય છે. તેનાથી ચેતતો રહેજે.

વેપારીનો પગ છુટ્ટો થયો. આકાશમાંથી વેપારીને સંબોધતો ધીરગંભીર અવાજ સંભળાયો, “હે મુર્ખ વેપારી હવેથી તું પણ ધ્યાન રાખજે મુર્ખ, કોઈ ગરીબને છેતરતો નહીં ને ગરીબની હાય લેતો નહીં, અને સાંભળ, આકાશવાણીયે ઉમેર્યું, “અરે મૂર્ખ, હવેથી ક્યારેય દેવ દેરા છોડીને હનુમાનની હડફેટે ન ચડતો.”

અવાજ આવતો બંધ થયો ને મંદિરમાં પરમ શાંતિ છવાઈ ગઈ.

તે દિવસથી કહેવત પડી, ‘દેવ દેરા છોડીને હનુમાનની હડફેટે ન ચડવું’.

– સાભાર ભાનુભાઇ અધ્વર્યુ (અમર કથાઓ ગ્રુપ)