દેવભુમિ પંચાળના આ મંદિરો અને તીર્થ સ્થળોની મુલાકાત જરૂર લેજો, જાણો પવિત્ર સ્થળો વિષે વિસ્તારથી.

0
869

દેવભુમિ પંચાળ માંડવ વન

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,

નર પટાધર નીપજે, ભોય દેવકો પાંચાળ.

અહી અમારા પંચાળ દેશ મા પણ ધણા બધા ગામો ના નામ સંસ્કૃત ભાષા પલાસ જેનો અર્થ ગુજરાતી ભાષામાં મા ખાખરો થાઇ છે તે ઉપર થી ધણા ગામ ના નામો છે.

એક દૂહો યાદ આવે છે

ખડ, પાણી ને ખાખરા, પાણા નો નહી પાર

વગર દિવે વાળુ કરે , ભલો દેવકો પંચાળ

જયા ખાસ કરીને પાણી ની તંગી હોઈ ત્યા અડાબીડ ખાખરા ના વૃક્ષો જોવા મળે છે

નરનારી બન્ને ભલાં, કદી ન આંગણ કાળ,

આવેલને આદર કરે, પડ જોવો પાંચાળ.

ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ,

ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ.

પણ નર નારી , અશ્વ પાણીદાર હોય છે

તાતા તોરિંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ,

એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ

પલાસા

પલાસણી

પલાસણ

ખાખરાળા

ખાખરાળી

ખાખરાસ્થળ વગેરે ગામો ના નામ છે

આવી દેવભુમિ દર્શન કરવા માટે સોમવારે મિત્રો સાથે નિકળ્યા સૌપ્રથમ જયા હુ દર રવિવારે ચાલીને દર્શન કરવા જાવ છું તે વગડીયા સ્થિત આવેલ પાટાવાળા મેલડી માં નુ સ્થાન છે ત્યાં દર્શન કર્યા. આ સ્થાન ભારતીય પ્રશ્ચિમ રેલ્વે લાઈન નીકળે છે ત્યાં છે રેલ્વે લાઈન થી ઝિરો બોર્ડર પર માતાજી નુ દેરુ આવેલુ છે. રેલ્વે લાઈન જયારે સૌપ્રથમ વાર નિકળી ત્યારે વગડીયા રેલ્વે સ્ટેશન થી થાનગઢ બાજુ જતી રેલ્વે લાઈન ની બરાબર વચ્ચે આ સ્થાન આવ્યું.

મજુરો સ્થાનિક હોવાથી સ્થાનક દુર નહી કરવામાં મજા છે એવુ સમજાવ્યું પણ આતો અંગ્રેજો અધિકારી એ થોડા સમજે. સ્થાનક દુર કરવા અધિકારી પોતે આવે છે અને માતાજી નો પરચો થાય છે પછી પોતે પણ રેલવે લાઇન થોડી દૂર કરી માતાજી નુ સ્થાન એમના એમ રાખી ગાડી નિકળે ત્યારે સિક્કા ઓ રુપે કર આપે છે જે પરંપરા આજે પણ ચાલુ રહી છે.

દર રવિવારે ઘણા બધા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે તાવા ની માનતા પુરી કરે છે. રવિવારે મહાપ્રસાદ પણ હોય છે. અઢારેય વર્ણ માતાજી ના મંદિરે દર્શન કરી ધન્યતા આશિર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યાં થી આગળ થાનગઢ રોડ પર જતા ચારનાળુ આવે છે તેનાથી થોડે દૂર જ જમણી બાજુ ચાંન્દિલીયા ગામ છે ત્યારથી બે અઢી કિ.મી ના અંતરે પ્રાકૃતિક સુંદરતા વચ્ચે નાગદાદા નુ મંદિર છે. જે થાન વાસુકી દાદા અને ભુજ મા આવેલ ભુજિયા દાદા મંદિર છે તેના સાથે સંબંધ ધરાવે છે.

અહી શ્રાવણ માસમાં મા પહેલા સોમવારે દાદા ની કડા સુખડી હવન થાય છે લોકો ચાલી ને માનતા પૂર્ણ કરવા આવે છે. મેળા જેવો માહોલ જોવા મળે છે.

દાદા નુ મંદિર મોટી પાણા ની શિલા વચ્ચે ગુફા જેવાં દ્રાર મા સ્થાનક છે જે મોટી ટેકરી ઉપર છે ત્યાંથી આસપાસ નો વિસ્તાર, તળાવ જોવા મળે છે. દાદા ના દર્શન કરી થાનગઢ આવ્યા. થાનગઢ શહેરમાં તળાવ પાસે વાસુકી દાદા નુ મંદિર આવે છે. મંદિર પરિસરમાં નાગણેશી માતાનુ મંદિર પણ છે જે રાઠોડ ધાંધલ ક્ષત્રિય ના કુળદેવી માતાજી છે. મંદિર ની બાજુ મા તળાવ આવેલ છે.

થાનગઢ થી ચોટીલા રોડ પર જતા જામવાળી ગામ થી આગળ અને વાવડી ગામના બોર્ડ સામે પુલની જમણી બાજુ ટેકરી ઉપર અવલીયા ઠાકર ભગવાનુ મંદિર છે. મંદિર ભરવાડ સમાજ નુ આસ્થા નુ કેન્દ્ર છે ગૌ શાળા પણ ખૂબ સરસ છે. મંદિર ના બાજુ માં ધાબા પર ચડતા જ પ્રશ્ચિમ બાજુ માંડવ ધાર જોવા મળે છે.

ગૂઢે વસ્તરે ગોરિયાં, પગની પિંડીનો તાલ,

પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ

ત્યાં થી થોડે દૂર વીડ વિસ્તારમાં મા મોટી પથરાળ ટેકરી ઉપર મુની દેવળ કે મુની મંદિર ચેકડેમ પાસે પુર્વ દિશામાં શિવ મંદિર છે. જે દેવળ ૧૦મી સદીના સ્થાપત્ય અને ઇતિહાસના સંઘરને વરેલું શિવ મંદિર હાલ અત્યંત જર્જરિત અવસ્થામાં શિલ્પકળાના પ્રેમીઓને મૂક બધિર કરાવી નાખે એવુ સ્થાપત્ય ધરાવે છે.

નદી ખળકે નિઝરણાં મલપતાં પીએ માલ,

ગાળે કસૂંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.

પંચાળની પવિત્ર ભૂમિમાં માંડવ વનની મધ્યે આવેલ મુનિના દેવળથી વિખ્યાત શિવ મંદિર આવેલ છે.

બાબરીયા તળાવની ટેકરી ઉપર ૧૦મી સદીમાં બંધાયેલ સોલંકી કાલીન શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. સરોવર કિનારો, ગાઢ જંગલ અને ટેકરી ઉપર આવેલ આ મંદિરનો નઝારો દર્શનાર્થીઓને કંઈક અલગ જ અનુભુતીનો અહેસાસ કરાવે છે. આ શિવ મંદિર રક્ષિત સ્મારકમાં પણ સામેલ છે, પરંતુ પુરાતત્ત્વ વિભાગ આ શિવ મંદિર પ્રત્યે ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. હાલ આ મંદિર જીર્ણ અવસ્થાના આરે ઊભુ છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો દર્શન માટે આવે છ.

મુની મંદિર થી આગળ વધતા અવલીયા ઠાકર મંદિર થી ચોટીલા તરફ આગળ જતા જમણી બાજુ ગુફાઓ આવેલી છે જેમાં લીપી મા લખાણ પણ જોવા મળે છે. સામેની ધાર પર પીરની જગ્યા છે. ત્યાં થી આગળ ધાર પછી રસ્તા ની બંને બાજુએ ખડકાળ પથ્થરો ની નાની મોટી ટેકરીઓ નજરે ચડે છે. બાપાસીતારામ બાપુ ની મઢુલી રસ્તા પર જ આવે છે સુંદર મજાની ની જગ્યા જોતા જ થોડી વાર પોરો (આરામ ) કરવાનુ મન થાય છે. બાજુમાં જ મોડેલ સ્કૂલ કુદરતી વાતાવરણ વચ્ચે ખૂબ સરસ બાંધકામ સાથે જોવા મળે છે ત્યારથી આગળ જતાં રોડ પર જ ખોડલ મોગલ ધામ આવે છે.

સામે ની બાજુ એ નવા સુરજદેવળ તરફ રસ્તો આગળ વધે છે ચાર પાંચ કિ.મી ના અંતરે સુરજદેવળ ગામ અને આગળ મંદિર ના દર્શન થાય છે. કાઠી દરબારો ના ઇષ્ટ દેવ સુરજદાદા નુ મોટુ મંદિર જોવા મળે છે. મંદિર ના આસપાસ મા મોટા મોટા વૃક્ષો ઠંડક ફેલાવે છે ઘડી બે ઘડી રોકાવાનુ મન થઈ જાય છે. ચા પાણી ને મહાપ્રસાદ ની ખુબ સુંદર વ્યવસ્થા છે.

મંદિર પરિસર નો મુખ્ય દરવાજા નો ગઢ ના કિલ્લાઓ જેવો કોતરણી વાળો છે. સુરજદેવળ ગામ થી પાછા મુખ્ય રસ્તા પર થાનગઢ તરફ થોડે દૂર ડાબી બાજુ એ ઝરીયા મહાદેવ મંદિર તરફ જતો રોડ જોવા મળે છે. ત્યાં મોડલ સ્કૂલ ની પાછળ ના ભાગે એક વિશાળ રોકડીયા હનુમાન દાદાની જગ્યા ના દર્શન થાય છે.

ત્યાં થી આગળ વધતા ઝરીયા મહાદેવ તરફ રોડ પર ડાબી બાજુ એ સોમેશ્વર મહાદેવ નુ મંદિર શાંત, પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે જોવા મળે છે. ત્યાં વૃક્ષો પણ સારી સંખ્યા મા છે અને ચારેતરફ હરીયાળી જોવા મળે છે. સોમેશ્વર મહાદેવ ના દર્શન કરી ઝરીયા મહાદેવ મંદિર ના રસ્તે બંને બાજુ ફોરેસ્ટ એરીયા છે જયા કુદરતી સૌંદર્ય ભરપુર જોવા મળે છે આડા અવળા રસ્તે વચ્ચે નાના મોટા ઢાળ અને નાળાઓ પર પાણી ઢળતા જોવા મળે છે.

એક મોટા ઢાળ ને ચડતા જ ઝરીયા મહાદેવ મંદિર ની ધજા ના દર્શન થાય છે. ચોટીલા થાન હાઈવેથી ૭- ૮ કિ.મી.ના અંતરે જંગલ અને પહાડીઓથી ઘેરાયેલ આ વિસ્તારમાં ભગવાન સ્વયંભુ શિવનું મંદિર આવેલ છે. આ મંદિર ખૂબ પ્રાચીન છે. ભગવાન શિવ ઉપર સતત નિર્મળ જળનો અભિષેક થતો રહે છે. અહીંયા ઘણા સાધુ સંતોએ તપ પણ કરેલ છે. મંદિરની બાજુમાં મહાકાળી માતાની ગુફા પણ આવેલ છે. ઝરીયા મહાદેવ પહાડ અને જંગલથી ઘેરાયેલું રમણીય સ્થળ છે. જેથી કુદરતી સૌંદર્ય પણ ભગવાને છુટેૃ હાથે વેરેલું છે. જેથી સુંદર પર્યટન સ્થળ તરીકે પ્રસિઘ્ધી પામ્યુ છે. શ્રાવણમાસમાં શ્રઘ્ધાળુઓની ભીડ જામેલ જોવા મળે છે.

ઝરીયા મહાદેવ મંદિર ના દર્શન પછી બાંડીયા બેલી દાદા ના દર્શન કરવા આગળ માંડવ વીડ વિસ્તારમાં મા કાચા રસ્તે જતા વચ્ચે માંડવ વને લીલી ચુંદડી ઓઢી હોય એવો દેખાવ થાઇ છે. નાના મોટા ઢાળ, વોકળા, કેડીઓ પાણાઓ, રેતીઓ વગેરે થી રસ્તો આગળ વધે છે વચ્ચે ના ભાગે એક મોટા ડુંગરો આવે છે જયા વગર પગથિયે ઉપર ચડતા થોડો થાક પણ લાગી જાય છે પરંતુ ઉપર ચડવા પછી પુરો માંડવ નો કુદરતી નજારો અદ્ભુત રીતે જોવા મળે છે એટલે થાક ગાયબ થઇ જાય છે સો ટકા. ઊતરવા મા થોડી ભૂલ થાય તો લપસી પડવાની શક્યતા નકારી શકાય નહીં એટલે ધીમે ધીમે ઉતરવા મા મજા છે.

ત્યાં થી આગળ બાંડીયા બેલી સુધી ગીર અભયારણ્યમાં મા જે નજારો જોવા મળે છે એવો અદ્દભુત નજારો અહીં પણ જોવા મળે છે. પથરાળ રસ્તો પુરો થતા જ નાળિયેર ના મોટા મોટા વૃક્ષો જોવા મળે એટલે દાદાનુ મંદિર બાંડીયા બેલી આવી ગયું. બાંડીયા બેલી એ ચોમેર જંગલોથી ધેરાયેલું નાગદેવતાનું મંદિર.

બાજુ મા શિવમંદિર અને પાસે હનુમાનજી મંદિર પણ છે થોડે દૂર બાપુના આશ્રમની પાસે ધુણા ના દર્શન થાય છે. સામે ની બાજુ કુંડ જળ થી હિલ્લોળા કરે છે પાસે પાણી ની ડંકી છે જે જમીન પર ઉપર જ પાણી છે એનો ખ્યાલ આપે છે. પાણી પણ કેવુ મીઠા ટોપરા જેવુ આગળ ખૂબ સુંદર આયોજન થી ગૌ શાળા બનાવેલ છે. સામે ના ભાગ મા બે વર્ષ પહેલાં અહીં શીવકથા નુ આયોજન થયું હતું એ યજ્ઞશાળા પણ છે.

મંદિર પાછળ ના ભાગમાં જંગલ વિસ્તાર જેવુ છે જયા નીલગાય, ઝરખ, અનેક પ્રકારના નાગ, મોર જેવા પ્રાણીઓ કુદરતના ખોળે ખેલતા જોવા મળે છે. બાંડીયા બેલી થી આગળ તરફ પ્રયાણ કરતા વચ્ચે અનામત જંગલ વિસ્તાર જોવા મળે છે. ચારે બાજુ લાપણુ જે એક ખડ ની જાત છે તે બે અઢી ફુટ સુધી નુ ખડ જોવા મળે છે. વચ્ચે વન્યજીવો ના વસવાટ ના સાઇન બોર્ડ પણ જોવા મળે છે. આગળ રૂપાવટી ગામ આવે છે ત્યાં થી થાનગઢ તરફ આગળ વધી ને સતીમાતા અનસૂયા ના મંદિર તથા બાપુ ની સમાધી ના દર્શન થયા.

મોટા વૃક્ષો વચ્ચે પાણી નો કુંડ અને પરિસર ખૂબ પસંદ આવે એવુ છે. એમ થાય કે હજી થોડીવાર રોકાણ કરીએ. પણ આગળ જવાનુ હોવાથી નીકળવુ પડે ત્યાં થી થોડે દૂર ટેકરી ઉપર ગેબીનાથ ની ભવ્ય દરવાજા વાળી જગ્યા ના દર્શન થાય છે. અંદર પ્રવેશદ્વાર થી સુંદર મજાનો બગીચો જોવા મળે છે. માં રાજરાજેશ્વરી માતાનુ મંદિર, ગેબેશ્વર મહાદેવનુ મંદિર બાપુ ના ધુણા નુ ચિત્ર ના દર્શન થાય છે.

સૌરાષ્ટ્ર ની સંત પરંપરા નો પાયો એટલે ગુરુ ગેબીનાથ ની જગ્યા જયા ચા પાણી ને મહાપ્રસાદ ની ખુબ સુંદર વ્યવસ્થા છે. પાછળ સોનગઢ ગામ અને દક્ષિણ બાજુએ જુના સુરજદેવળ નુ પ્રાચીન મંદિર અને ભમ્મરીયા કુવો જોવા મળે છે. ગેબીનાથ થી થાનગઢ સરા જતો રસ્તા પર જ તીર્થ તરણેતર આવે છે.

થાનથી પ-૬ કિ.મી.ના અંતરે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. લોકવાયકા મુજબ પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમ્યાનન દ્રૌપદીના સ્વયંવરમાં અહિંયા આવી મત્સ્ય વેધ કરેલ અને દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી હતી. આજે મહાદેવના મંદિર પાસે ત્રણ મોટા કુંડ આવેલા છે. ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ ના ત્રણ દિવસ મોટો લોક મેળો ભરાય છે. જેમા અમારુ પંચાળ સાગમટે બે ત્રણ દિવસ ના ધામા નાખે છે. અને મેળો માણવા લાયક હોય છે. જેમાં વિદેશી પર્યટકો મોટા પ્રમાણમાં ઉમટે છે.

નોંધ : આ વર્ષે કો-રો-ના વાયરસ ના લીધે મેળા નુ આયોજન બંધ છે

મુખ્ય મંદિર સીવાઇ આસપાસ પણ બીજા પણ મંદિરો આવેલા છે. સામે ની બાજુ નાળિયેર ના ઝાડ વચ્ચે ખાખરીયા હનુમાનજી નુ મંદિર, કુંડ જોવા મળે છે. જયા સુંદર બગીચા જેવુ શાંત કુદરતી વાતાવરણ જોવા મળે છે. ત્યાં થી આગળ પ્રશ્ચિમ બાજુ એ પાપનાશક કુંડ આવેલા છે. જયા સ્નાન માત્ર થી પાપ થી મુક્તિ મળે છે. લોકો પાપનાશક કુંડ ના જળ ગંગાજળ તરીકે ઘરે પણ લાવે છે અને સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

અહીં પાછા ત્રિનેત્રશ્વર મહાદેવ ના મંદિર આવ્યા ત્યારે સંધ્યા આરતી નો સમય થયો આરતી દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી. રક્ષાબંધન નો તહેવાર અને પુનમ હોવાથી આકાશમાં ચાંદની રાત ખીલી હતી ચારેતરફ અજવાળુ ભરાતું હતુ તારાઓ ટમટમ થતા નજરે પડતાં હતા. અને મે ઘર તરફ પ્રયાણ કર્યુ.

નોંધ : આ લેખ મે મારી જાતે લખ્યો છે કાઇ ભુલચુક હોય તો સુધારી વાંચવો એવી વિનંતી છે.

પંચાળ ધરા મા તો પાણો પાણો દેવ અને ઝાડવે ઝાડવે માતાજી ના સ્થાનકો છે એટલે પુરુ વર્ણન કે લખાણ લખવું શક્ય નથી.

ઝાલા જયરાજસિંહ (જયુભા)

આપણી સંસ્કૃતિ આપણો વારસો ગ્રુપ.