પુત્રના જન્મ પછી તેમને નદીમાં વહાવી દેતા હતા દેવી ગંગા, કામધેનુ ગાય સાથે જોડાયેલું તેનું રહસ્ય.
હિંદુ ધર્મમાં મહાભારતને એક પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે જે પોતાની અંદર ઘણી કથાઓ સમાવી છે. મહાભારત વિષે મોટાભાગના લોકો એવું વિચારે છે કે આ ગ્રંથમાં પાંડવો અને કૌરવોના જન્મથી લઈને અને તેની વચ્ચે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં લડવામાં આવેલા યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે પણ એવું નથી. તેમાં તેના પહેલાની પણ ઘણી એવી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે. આજના આ લેખમાં અમે તમને એ જણાવીશું કે ખરેખર દેવી ગંગા તેમના જ પુત્રને કેમ નદીમાં વહાવી દેતા હતા.
મહાભારતમાં વર્ણિત કથા મુજબ એક સમયે હસ્તિનાપુરના રાજા મહારાજ શાંતનુ હતા. એક દિવસની વાત છે તે રોજની જેમ હસ્તિનાપુરના મહેલ માંથી શિકાર કરવા નીકળ્યા અને જયારે તે ગંગા નદીના કાઠે પહોચ્યા તો તેમણે જોયું કે એક સુંદર સ્ત્રી નદીના કાંઠે એકલી બેઠી છે. પછી તેમણે સારથીને રથ રોકવા માટે કહ્યું અને તે રથ માંથી ઉતરીને તે સુંદર સ્ત્રી પાસે ગયા અને તે સુંદર સ્ત્રીનું રૂપ જોઇને મોહિત થઇ ગયા. તેમણે તે સ્ત્રીની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો.
આ પ્રસ્તાવ સાંભળી દેવી ગંગાએ કહ્યું, હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ મારી એક શરત છે, મને તમારી દરેક શરત મંજુર છે. પહેલા શરત તો સાંભળી લો ગંગાએ હસતા હસતા કહ્યું. ત્યારે શાંતનુએ કહ્યું દેવી તમારી શરત જણાવો, ત્યાર પછી દેવી ગંગા બોલ્યા મહારાજ મારી શરત એ છે કે લગ્ન પછી તમે મને કોઈ પ્રશ્ન નહિ પૂછો અને ન તો મને કોઈ કામ કરવાથી રોકશો. અને જે દિવસે તમે એમ કરશો તો હું તમને છોડીને જતી રહીશ. શરત સાંભળ્યા પછી મહારાજ શાંતનુએ કહ્યું હે દેવી લગ્ન પછી એવું જ થશે. પછી હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનુ અને દેવી ગંગાના લગ્ન પૂર્ણ થયા.
દેવી ગંગા સાથે લગ્ન પછી મહારજ શાંતનું ઘણા જ ખુશ રહેતા હતા. તેની ખુશી ઘણી વધી ગઈ જયારે તેમને ખબર પડી કે દેવી ગંગા ગર્ભવતી છે. પછી તે દિવસ પણ આવ્યો જયારે એક દાસીએ તેમને એ સમાચાર આપ્યા કે મહારાણી ગંગાએ એક પુત્રને જન્મ આપ્યો છે.
તે સમાચાર સાંભળીને મહારાજ શાંતનુની ખુશીનો કોઈ પાર ન રહ્યો, અને તે તેમના કક્ષમાંથી નીકળીને દેવી ગંગાના કક્ષ તરફ નીકળી પડયા. હજુ રસ્તામાં જ હતા કે ત્યારે દાસીએ તેમને જણાવ્યું કે દેવી ગંગા પુત્રને લઈને જંગલ તરફ જતા રહ્યા છે. તે સાંભળીને શાંતનુનું મન વ્યાકુળ થઇ ઉઠયું અને તે વિચારવા લાગ્યા કે આ સમયે ગંગા મારા પુત્રને લઈને ક્યાં ગઈ હશે.
પછી તે દેવી ગંગાને શોધવા નીકળી પડ્યા શોધતા શોધતા જયારે તે ગંગા નદીના કાઠા ઉપર પહોચ્યા તો તેમણે જોયું કે ગંગા તે પુત્રને નદીમાં વહાવી રહી છે. તે જોઈને તે દેવી ગંગાને રોકવા આગળ વધ્યા ત્યારે તેમને લગ્ન પહેલા ગંગા દ્વારા આપવામાં આવેલી બે શરત યાદ આવી ગઈ જેના કારણે તેઓ ત્યાજ અટકી ગયા અને તેની આંખોની સામે તેમના પુત્રને મરતા જોતા રહ્યા.
પછી ભારે મન સાથે તે તેમના મહેલમા પાછા આવ્યા. થોડા સમય પછી દેવી ગંગા પણ હસ્તિનાપુરના મહેલમાં પાછા આવ્યા પણ હસ્તિનાપુર નરેશને તેમને કાંઈ પણ પૂછવાનું સાહસ ન થયું. તે દિવસ પછી મહારાજ અંદરથી દુઃખી રહેવા લાગ્યા.
પછી થોડા મહિના પછી દેવી ગંગાએ શાંતનુના બીજા પુત્રને જન્મ આપ્યો અને આ વખતે પણ દાસીએ તેમને આવીને જણાવ્યું કે મહારાણી ફરીથી તેમના પુત્રને લઈને જંગલ તરફ ગયા છે. તેમણે જોયું કે પહેલી વખતની જેમ આ વખતે પણ દેવી ગંગા તેમના પુત્રને ગંગાના પાણીમાં અર્પણ કરી દીધો છે. તે જોઈ તેમનું હ્રદય બેસી ગયું અને મનમાંને મનમાં તે વિચારવા લાગ્યા કે કેટલી ક્રૂર માં છે જે પોતાના જ પુત્રને જન આપતા જ નદીમાં વહાવી દે છે. પછી તેમણે દેવીગંગાને તેનું કારણ પૂછવા માગ્યું પણ આ વખતે પણ તે પોતાના વચનને કારણે તેમને કાંઈ પણ પૂછી ન શક્યા.
એવી રીતે દિવસો પસાર થતા ગયા અને તે તેમના ત્રીજા, ચોથા, પાંચમાં, છઠ્ઠા અને સાતમાં પુત્રને તેમની આંખો સામે ગંગા નદીમાં વહેતા જોઈ રહ્યા પણ કાંઈ ન કરી શક્યા. પછી જયારે દેવી ગંગાએ તેમના આઠમાં પુત્રને જન્મ આપ્યો અને તે તેને ગંગાના કાંઠા ઉપર વહાવવા લઇ ગયા તો તે વખતે મહારાજ શાંતનુ પોતાને રોકી ના શક્યા અને આ વખતે તેમણે ગંગાને રોકી દીધા અને તેમને પૂછ્યું કે પ્રિય તમે એવું કેમ કરી રહ્યા છો.
ત્યારે ગંગાએ મહારાજ શાંતનુને કહ્યું મહારાજ તમારા તમામ પુત્રો જીવત છે અને સુરક્ષિત છે. મેં આપણા પુત્રોને માર્યા નથી પરંતુ તેને મહર્ષિ વશિષ્ટના શ્રાપ માંથી મુક્તિ અપાવી છે. તે સાંભળીને શાંતનુ ચક્તિ રહી ગયા અને તેમણે દેવી ગંગાને કહ્યું કે હે દેવી તમે શું કહી રહ્યા છો મને કશું જ સમજાતું નથી.
ત્યારે દેવી ગંગાએ તેમને જણાવ્યું કે પૂર્વકાળમાં વશિષ્ઠ ઋષિ પાસે કામઘેનુ ગાય રહેતી હતી. કામઘેનુ એક દિવ્ય ગાય હતી. તે દિવસોમાં તેની ચર્ચા ત્રણે લોકોમાં હતી. જેના કારણે એક દિવસ આઠ વસુઓએ તેને ચોરવાનો વિચાર કર્યો અને પછી તે બધા ઋષિ વશિષ્ઠના આશ્રમ પહોચ્યા અને તેમાંથી એકે કામઘેનુ ગાયને ચોરી લીધી. ત્યાં તે વાતની જાણ જયારે ઋષિ વશિષ્ઠને થઇ તો તેઓ ગુસ્સે થઇ ઉઠ્યા. ગુસ્સામાં તેમણે વસુઓને કહ્યું કે ગાય ચોરવી તો મનુષ્યનો સ્વભાવ માનવામાં આવે છે પણ તમે લોકોએ વસુ બનીને પણ માણસ જેવી હરકત કરી છે એટલા માટે તમને શ્રાપ આપું છું કે તમે બધા મનુષ્ય યોનીમાં જન્મ લેશો.
તે સાંભળીને આઠે વસુ ડરી ગયા અને તેમણે વશિષ્ઠને કહ્યું, મહર્ષિ અમારી ભૂલ થઇ ગઈ, અમને બધાને માફ કરી દો. ત્યાર પછી ઘણી વાર સુધી તમામ વસુ એ મહર્ષિને વિનંતી કરતા રહ્યા ત્યારે ઋષિનુ મન પીગળી ગયું અને તેમણે વસુઓને કહ્યું કે હું તો મારો આપેલો શ્રાપ પાછો નઈ લઈ શકુ પણ હું તે વરદાન આપું છું કે તમારો મનુષ્ય રૂપમાં જન્મ થતા જ તમને મુક્તિ મળી જશે. પણ તમારા માંથી એકને તમારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે લાંબા સમય સુધી મનુષ્ય રૂપમાં પૃથ્વીલોક ઉપર રહેવું પડશે.
ત્યાર પછી ઋષિની વાત સાંભળીને તે તમામ મારી પાસે આવ્યા અને તેમણે મને વિનંતી કરી કે હું તેમની માં બનવાનો સ્વીકાર કરું અને તેને મનુષ્ય જન્મ માંથી મુક્તિ અપાવું. તેમની પ્રાર્થના સાંભળી હું તેમની માં બનવા માટે તૈયાર થઇ ગઈ. અને તે આઠે વસું એ આપણા પુત્ર સ્વરૂપમાં જન્મ લીધો જેમાંથી સાતને મેં મુક્તિ અપાવી દીધી પરંતુ આ આઠમાં વસુ ઋષિના શ્રાપને કારણે મુક્ત ન થઇ શક્યા. તેને તેની મુક્તિ માટે લાંબો સમય સુધી આ મૃત્યુ લોકમાં રહેવું પડશે.
પરંતુ મહારાજ હું મારી શરત મુજબ હવે પાછી જઈ રહી છું અને તમારા આ પુત્રને પણ મારી સાથે જ લઈ જઈ રહી છું અને સમય આવે ત્યારે હું તમારો આ પુત્ર પાછો મોકલી આપીશ. એટલું કહીને દેવી ગંગા તેમના આઠમાં પુત્ર સાથે ગંગા નદીમાં વિલીન થઇ ગયા. ત્યાર પછી હસ્તિનાપુર નરેશ શાંતનુ તેમના મહેલમાં પાછા આવ્યા.
ઘણા વર્ષો પછી એક દિવસ મહારાજા શાંતનુ ગંગા નદીના કાંઠે ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક યુવાન તેના તીરોથી ગંગા નદીના વહેણને રોકી દીધા છે જેના કારણે ગંગાનું પાણી સુકાવા લાગ્યું. પછી તેઓ તે યુવક પાસે ગયા અને તેને ગંગા નદીના વહેણને ફરી વખત ચાલુ કરવા કહ્યું પરંતુ તે યુવક એમ કરવાની ના કહી દીધી. જેનાથી બંને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઇ ગઈ ત્યારે દેવી ગંગા પ્રગટ થયા અને મહારાજ શાંતનુને કહ્યુ મહારાજ આ તમારો જ પુત્ર દેવવ્રત છે.
તેણે શાસ્ત્ર નું જ્ઞાન શુક્રાચાર્ય દ્વારા પ્રાપ્ત કર્યું છે અને અસ્ત્ર શસ્ત્ર નું જ્ઞાન પરશુરામ પાસેથી પ્રાપ્ત કર્યું છે. તે મહાપ્રતાપી છે. હવે તેને હું તમને સોપી રહી છું. અને ગંગા ત્યાંથી જતા રહ્યા. પછી મહારાજ તેમના પુત્ર સાથે હસ્તિનાપુર મહેલ પાછા આવ્યા અને કાલાંતરમાં તે દેવવ્રત તેમની પ્રતિજ્ઞાને કારણે ભીષ્મ કહેવાયા.