એકવાર જરૂર કરવો ઘોડાજા બાબાદેવ મંદિર પાટાડુંગરી અને ગુજરાતના ઉગતા સૂરજની ભૂમિનો પ્રવાસ.

0
1064

ગુજરાતના ઉગતા સૂરજની ભૂમિ

ઘોડાજા બાબાદેવ મંદિર પાટાડુંગરી ગરબાડા દાહોદ

આપણી ધરતી નારંગી જેવી ગોળ છે. પરિભ્રમણ અને પરિક્રમણથી દિવસ-રાત અને વર્ષ બદલાઈ છે. જેને માપીને આપણો ભ્રમ દૂર થાય છે કે સૂરજ ઉગે છે ને ડૂબે છે. ખરેખર સૂરજ તો ઉગતો જ નથી એ સમજતાં જ મોટાભાગના જિંદગી કાઢી નાખે છે. સદીઓથી આ માયાજાળના આશ્ચર્ય- ભેદને પામવા માનવી મથે છે અને વારસામાં સમયે સમયે જુદું જુદું સમજાવતો જાય છે. એટલે જ તો આ દુનિયાને માયાજાળ કહેવામાં આવી છે!

એક જ સત્યને જુદું જુદું સમજવું, અનુભવવું એ કદાચ માનવ સહજ નબળાઈ હશે. એટલે જ આ ધરતી પર અસંખ્ય માન્યતાઓ, રિવાજો, ધર્મો, સંપ્રદાયો, ભાષાઓ વગેરે રચાયા હશે!

ભારતમાં સૌથી પહેલાં અરુણાચલ પ્રદેશમાં સૂર્યના કિરણો પડે છે. જ્યાં દેશમાંથી અનેક લોકો દર્શનાર્થે જાય છે. મને એક પ્રશ્ન થતો કે ગુજરાતમાં સૂર્યોદયનું પહેલું કિરણ ક્યાં પડે છે? એ ભૂમિ ક્યાં આવી?

બસ, એ રહસ્યમય જગ્યાએ જવા આજે અમે પરિવાર સાથે નિકળ્યા. આ જગ્યા દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકામાં આવેલી છે. ગરબાડામાં કોઈ ગરબડ કરી તો તમારી ગરબડ થઈ જાય એમ કોઈએ કહ્યું હતું. પણ નક્કી કર્યું હતું કે ઉગતાં સૂરજના કિરણો જ્યાં પડે એ ભૂમિ પર આજે પગ મુકવો જ છે. કોઈપણ જાતની ગરબડ કર્યા વગર.

ઘરેથી નિકળતા જ રસ્તામાં જ ગાડી પંકચર થઈ. પહેલી ગરબડ જ ઘર આંગણે! ટાયર બદલ્યું પછી નિકળ્યાં. હું એકદમ ધીમી ઝડપે વાહન હંકારતો હતો. આમ તો દાહોદની પશ્ચિમ રહેતો હું ઘણીવાર આ બાબતે વિચારતો હતો. ગૂગલ મેપ પર સર્ચ કર્યું, પણ મિત્રે કહેલું સ્થળ ન મળ્યું. તો પણ નિકળી પડ્યાં.

રસ્તામાં પહેલાં જમણી બાજુ દેવગઢ બારિયા શહેરથી પૂર્વ દિશામાં જતાં પાંચ એક સરખી મોટી ટેકરીઓ, લીલીછમ બનીને એની ઉપરથી પસાર થતી વાદળીઓને આલિંગન કરતી હતી. એ અમીછાંટણા કરતી તો ક્યારેક સાવ અલોપ થઈ જતી સંતાકૂકડી રમી રહી હતી. એ દ્રશ્ય ફક્ત ત્યાં જ ન હતું પણ આજે આખો દિવસ અમારી સાથે રહેવાનું હતું.

ઓળખીતા ગામ પસાર થઈ રહ્યા હતાં. કેલિયા, રામપુર, વેડ, કુંદાવાડા પસાર થયાં. કુંદાવાડા અને ગણિયારી ગામમાં ફેલાયેલો ડુંગર ચોમાસામાં એટલો રળિયામણો હતો કે ન પૂછો વાત. હા એની પર આવેલા વિશાળકાય પથ્થરો દૂરથી લીલાં રંગમાં આછાં પીળાં રંગથી શોભી રહ્યા હતા. વાદળાઓ એનાં પર અડીને જાય ત્યારે માંડ સૂરજનાં કિરણો પડતાં શિલાઓ જાણે હાસ્ય કરીને એમનાં દાંત મલકાતા હોય એવું સુરમ્ય દ્રશ્ય ઊભું કરતાં હતાં. ત્યાં આવેલી ‘બે બાપની બારી’ જોવાં વાયદાઓ થઈ રહ્યાં છે.

રોડ પરથી આ બધું નિહાળતાં આગળ પીપેરો આવ્યું. બસ અહીંથી આગળ જવાનું અઘરું. બે રસ્તાઓ હતાં. સ્થાનિક મિત્રે મોટરસાયકલ માટે અલગ રસ્તો કહ્યો ને કાર માટે અલગ. કાર હતી એટલે અમે પાવાગઢ માંચી જેવો જે રસ્તો હતો એ લીધો. એ રસ્તે ધાનપુરથી ડુમકા પહોંચ્યા. ત્યાંથી દક્ષિણમાં રતનમહાલની ગીરીમાળા પૂર્વ પશ્ચિમ ફેલાયેલી જોઈને, એનાં અદ્ભૂત સૌંદર્યને, આંખોથી નિરખતાં નિરખતાં રાછવા ગામમાં આવ્યા.

રાછવાથી વાંકાચૂકા, સર્પાકાર ડુંગર પર ચડતાં રસ્તા પરથી પસાર થવાનો રોમાંચક અનુભવ થતો હતો. રસ્તાની એક બાજુ ખીણ તો બીજી બાજુ ડુંગર જોઈને નજર પહોંચે ત્યાં સુધીની હરિયાળી આંખોને શાંતિ આપી રહી હતી. એકલ દોકલ વાહન નિકળી ત્યારે સતર્ક બનીને પસાર થતાં જોઈ શકાય.

અચાનક એક વળાંક પર તીર કામઠું સાથે એક આધેડ ભાઈ ઢોર ચરાવતા હતા. મેં ગાડી ઉભી રાખી. એની સાથે વાતો કરી. એનું નામ રસુલ. ગાય ભેંસો અને સ્વ રક્ષણ માટે પણછ ખેંચી તૈયાર ધનુષ અને તીરો તથા બીજાં હાથમાં મોટી લાકડી હતી. શર્ટની નીચે કમર પર ગોફણ. પૂછીને ફોટોગ્રાફ લીધાં.

ઘાટો ચડતાં આ રસ્તા પર, ગુફામાં દાખલ થતાં હોય એમ, ડાળીઓથી ચીપકેલા વૃક્ષો જંગલને વધુ બિહામણું બનાવી રહ્યાં હતાં. સાગનાં વૃક્ષો પર અડધેથી ટોચ સુધી ફૂલોમાથી બીજ બનીને પીળાં રંગોથી રસ્તાને, આખાં વનવગડાને લીલાછમ રંગોમાં હાજરી પુરાવી રહ્યાં હતાં. વરસાદ પર આધારિત ખેતીનો ટેકરીઓ અને નાનાં મોટાં ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે.

સુંદર મજાનાં ગામ અને સાહસિક જીવન જીવતાં લોકોને જોતાં જોતાં અમે ગરબાડા તાલુકામાં દાખલ થયાં. અહીંથી અમારું ગંતવ્ય સ્થાન નજીક હતું. પૂછપરછ કરતાં ત્યાં પહોંચી ગયાં.

ઘોડાજા બાબાદેવ મંદિર પાટા ડુંગરી. એક ડુંગર પર આ સ્થાનક આવેલું છે. આ સ્થળે સૂર્ય નારાયણ ગુજરાતની ધરતી પર પહેલું કિરણ પાથરે છે. અહીંથી મધ્યપ્રદેશની સરહદ બિલકુલ નજીક છે. ઊંચાઈના લીધે સૌથી પહેલાં આ ટેકરી પર સૂર્યનો પ્રકાશ પડે છે.

આ સ્થાન ઘોડાં પર બિરાજમાન બાબાદેવનુ છે. આ પંથકનું પુજનીય સ્થાનક. લોકો અહીં બાધા આખડી રાખે છે. નવું વાહન ખરીદે કે પછી કોઈ મહત્વનું કામ કરવું હોય, અહીં સૌથી પહેલાં શ્રીફળ વધેરે કે પછી ભોગ ધરવામાં આવે.

આજુબાજુ મુકેલાં અસંખ્ય માટીનાં ઘોડાઓના દેવ ઈચ્છિત કાર્ય પાર પડતાં લોકોએ ચડાવેલા હોય એ જોવા મળે છે. મુખ્ય સ્થાનકના મંદિરમાં આરસની સુંદર અસવાર થયેલી બાબાદેવની એક મુર્તિ છે. લગ્ન કંકોત્રી દ્વારા આમંત્રણ કે પછી કોઈ સારાં કામે એમને સાક્ષી રાખીને લોકો કાર્ય કરતાં હોય છે. સો જેટલા પગથિયાં ચડીને ઉપર પહોંચાય છે. ઉપર ઢોર ગોવાળ અને કેટલાંક છોકરાઓ હતાં. એમની પાસે ઈતિહાસ જાણ્યો. અનેક લોકવાયકાઓ પ્રચલિત છે.

આ રસ્તા પર કોઈ એકલદોકલ વ્યક્તિ જાય તો એને કોઈ ધડથી માથું કાપી નાખે છે. પછી ખીણમાં કે ઝાડ પર ટીંગાડી દે છે. કોઈ અદ્રશ્ય શક્તિરૂપે કદાવર વ્યક્તિઓ નિકળે છે, કોણ છે એ કોઈ જાણતું નથી એમ છોકરાઓ કહેતાં હતાં. મારાં એક મિત્રે ત્યાં થતાં મૃત્યુ વિશે વાતો કરી હતી. ચોક્કસ કારણ જાણમાં નથી. અહીં એટલે જ કોઈ એકલાં આવતું નથી. પરંતુ આસ્થા અને વિશ્વાસની જ્યોત બાબદેવ પર લોકોને આજે પણ એટલી જ શ્રદ્ધા છે. દૂર દૂરથી લોકો આસ્થા રાખીને સમૂહમાં આવતાં હોય છે. લોકવાયકા અને શ્રદ્ધા પર સ્થાનિકોની ઊંડી આસ્થા આ સ્થળનો મહિમા બતાવે છે.

પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઉગતાં સૂરજને નમન કર્યા. જમણી બાજુ પાટા ડુંગરી ડેમ અને એનાં બેટ જેવાં આ ડુંગર પર બાબાદેવના મંદિરમાં મુકેલાં બાકડા પર બેસીને પ્રકૃતિને નિરખી. એકદમ શાંત અને રમણીય વાતાવરણ જોઇને મનને શાંતિ અને સ્ફૂર્તિ મળતી હતી.

(અહીં બાબાઘોડાજા દેવના મંદિરથી થોડા અંતરે પશ્ચિમ દિશામાં દેવ ના ઘોડાનો પગ ફસાયો હતો તેના નિશાન પથ્થર માં અત્યારે પણ છે.અહિયાં ૧૨ વર્ષે વિશેષ પૂજા થાય છે સ્થાનિક લોકો દ્વારા બાર પાડા,બાર બકરા,બાર મરઘાંની બલી ચડાવવામાં આવે છે. સાથે બાર નાળિયેર વધેરવામાં આવે છે એવું જાણેલું. અમે પૂછ્યું આવું કેમ? તો જાણવા મળેલ કે દેવ પાટાડુગરી ડેમની સુરક્ષા કરે એટલે.‍ Rajendra Patel ની કોમેન્ટ)

ત્યાંથી માંડ એક કિલોમીટર દૂર પાટા ડુંગરી ડેમથી નિર્મિત ઠક્કર બાપા સરોવર જોવાં મળે. અંગ્રેજો દ્વારા પશ્ચિમ રેલવે માટે પાણીની વ્યવસ્થા માટે સો વર્ષ જુની પાઈપલાઈન આવેલી છે. અંગ્રેજોની દીર્ઘદ્રષ્ટિ દ્વારા નિર્મિત આ ડેમ માટે એક વૃદ્ધને પૂછ્યું કે દાદા અહીં ખુબ સુંદર ખેતી થાય છે, તો કહ્યું કે રાજ્યની મેર છે! સાચે જ જ્યાં આજે પણ પાણીની ખુબ કિંમત છે ત્યાં સો વર્ષથી ખેતી માટે પાણી મળે છે એ લોકો આજે પણ ઉપકાર ભૂલતાં નથી.

આ ડેમનો પ્રાકૃતિક નજારો જોવા સહેલાણીઓ આવે છે. એક દિવસના પિકનિક માટે સુંદર મજાનું સ્થળ છે. આ સાથે સૂરજના કિરણો જ્યાં પડે છે એ સ્થાન પણ જોઈ લેવાય. ન્હાનાલાલ કવિએ ગુજરાતના પૂર્વના દરવાજા તરીકે જેને ઓળખ્યું છે એ દાહોદ અને જ્યાં સૂરજનાં કિરણોની સવારી પહેલા પહોંચે છે એ ઘોડાજા બાબાદેવ મંદિર, પાટાડુંગરીની મુલાકાત લેવી જોઈએ.

– દિલીપ પટેલ