“ઢોલીયાની પાટી” જાણો આપણી એક જુનવાણી પ્રથા વિષે જે લોકોને એક બીજા સાથે જોડી રાખતી હતી.

0
361

આજે ત્રણેય છોકરાં બપોરે જમીને મામા સાથે ગયા.. વેકેસનના થોડા દિવસો આનંદ માણવા , મામાને ઘરે.. સાંજે કંઈ રાંધવાની જરુર ન પડી.. પતિ પત્નીએ બપોરની વધેલી રસોઈથી જ વાળુ કરી લીધું..

પુષ્પા રસોડું સમુંનમું કરી, પથારી ખંખેરી રહી હતી.. અરવીંદે બહાર લટાર મારવા જવાની તૈયારી કરી, ત્યાં પુષ્પાએ કહ્યું..

” જુઓને.. આ તમારા ઢોલીયામાં પાટી સાવ ઢીલી પડી ગઈ છે.. ચાલો ખેંચી લઈએ..”

પહેલાં ઉપરાં પાસે , અને પછી ઈંસો પાસે સામાસામા ઉભી બેઉએ પાટી તાણીને કડક કરી.. વધેલા છેડાની અરવીંદે ગાંઠ વાળી.. અને હાથ લંબાવ્યો.. પુષ્પાએ પણ હસીને હાથ લાંબો કર્યો.. જુનવાણી પ્રથા પ્રમાણે હાથ મીલાવ્યા.. અરવીંદે તેને પોતા તરફ ખેંચી લીધી..

” બહુ વાયડા ના થશો..” એમ કહીને , એ પતિને અડોઅડ બેસી ગઈ..

અરવીંદે કહ્યું ” પાટી ખેંચ્યા પછી એકબીજાના હાથ મીલાવવાનો રિવાજ કેવો સરસ છે.. નહીં..?”

” હા.. પણ એ તમારા જેવા ડાંડ વર હોંશે હોંશે વહુને મદદ કરે.. એ માટે વિચારીને બનાવ્યો હશે.. આજે મેં ના કહ્યું હોત તો , તમે ક્યાં કાંઈ કરવાના હતા..” પુષ્પાએ મીઠી ફરિયાદ કરી..

અરવીંદે કહ્યું..” ખરું કહું.. હું મારા નોકરી ધંધામાં ગુંચવાઈને , તને સાંચવી શકતો નથી..”

” ને .. હું પણ ઘર છોકરાંમાંથી ક્યાં નવરી થાઉં છું , તમારી પાસે બેસીને બે વાતો કરવા.. છોકરાં ત્યાં રોકાય એટલા દિવસ હું તમારી સુવાંગ.. બસ..”

બન્ને એકબીજાના હાથ પંપાળતા રહ્યા..

પુષ્પા બોલી.. ” એય .. તમે જાવ , કંદોઈની દુકાન બંદ થઈ જશે.. આજે પેંડા લાવજો..”

અરવીંદ હસીને બહાર જવા નિકળ્યો..

પુષ્પાએ રોક્યો.. “ જરા ઉભા રહો..”

નજીક જઈને કાનમાં કહ્યું.. ” મસાલાવાળું પાન પણ લેતા આવજો.. અને હા.. બે નહીં .. એક જ.. આપણે અડધું અડધું ખાઈશું..”

– જયંતીલાલ ચૌહાણ ૪-૬-૨૧