સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું મેળવીને જ રહીશ, એવા શબ્દોને ભારતીયોમાં જાણીતા કરનાર, સાર્વજનિક ગણેશોત્સવ અને શિવ જયંતિના પ્રેરક, શિક્ષક, સ્વાતંત્ર સેનાની અને ગણિતજ્ઞ કેશવ ઉર્ફે બાલ ગંગાધર તિલકનો જન્મ 23 – 7 – 1856 ના રોજ થયો હતો.
લોકમાન્ય તિલક વિશેની એક બાબત મારે વ્યક્તિગત અનુભવના આધારે નોંધવી છે. સન 2000 માં હું એક મિત્રને મળવા માટે પૂનાની ડેક્કન યુનિવર્સિટીમાં ગયો હતો. એ વખતે હું તેની હોસ્ટેલમાં ચાર પાંચ દિવસ રહ્યો હતો. એ દરમિયાન મને એ એની કોલેજમાં ફરવા લઈ ગયો હતો. ત્યાં મેં એક રૂમ ઉપર એવું લખેલું જોયું કે તિલક મંદિર.
મને અત્યંત આશ્ચર્ય થયું કે અહીં તિલક મંદિર એવું કેમ લખ્યું છે? પછી મેં ત્યાં લગાવેલી તકતી વાંચી તો એમાં એવું લખેલું હતું કે આ રૂમની અંદર લોકમાન્ય તિલક 1871 થી 1873 દરમિયાન રહ્યા હતા. અર્થાત્ આ રૂમમાં રહીને તેમણે ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હતો. તો જાણવાની વાત એ છે કે લોકમાન્ય તિલક જે રૂમમાં રહીને ભણ્યા હતા, એ રૂમ આજે તિલક મંદિર તરીકે પુનામાં જાણીતો છે.
લોકમાન્ય તિલક ખાસ સંપત્તિ ભેગી કરતા ન હતા. ત્યારે કોઈકે તેમને કહ્યું કે મહારાજ, તમે કશું ભેગું કરતા નથી, તો આ વિશે તમારે વિચારવું જોઇએ. ત્યારે તેમણે જવાબ આપ્યો કે એમાં વિચારવાનું શું છે? જીવતો છું ત્યાં સુધી મારી વ્યવસ્થા સચવાઈ જશે એવો મને વિશ્વાસ છે અને મારા ગયા પછીની અંતિમ ક્રિયા કરવી એ નગરપાલિકાની જવાબદારી છે.
લોકમાન્ય તિલક ગણિત વિષયના જ્ઞાતા હતા. ગણિતમા એમણે કોલેજ કરેલી હતી. કોઈકે કહ્યું કે તમે અંગ્રેજોનો વિરોધ કરો છો પરંતુ તમે અંગ્રેજોની કોલેજના પ્રમાણપત્ર લઈને પણ ફરો છો. ત્યારે એમણે એકી ઝાટકે પોતાના પ્રમાણપત્રો ફાડી નાંખ્યા અને કહ્યું કે, હું અંગ્રેજોની કોઈ પ્રકારની નોકરી નહીં કરું અને સ્વદેશની સેવા કરીશ.
લોકમાન્ય તિલકે ગીતા મંથન નામનો જબરજસ્ત ગ્રંથ લખ્યો હતો. ભગવદ્ ગીતા પરનો આ આધારભૂત ગ્રંથ મનાય છે. આ સમગ્ર ગ્રંથ એમણે પોતાના જે લવાસ દરમિયાન લખ્યો હતો.
અત્યારે આપણે ત્યાં ગણપતિનો જે તહેવાર ચાલે છે, તેની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી. અંગ્રેજોની સામે લોકો ભેગા થાય અને ભેગા થઈને સ્વદેશ વિશે વિચારે છે એના માટે ગણપતિ ઉત્સવનો તેમણે માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હતો. જે આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે અને માત્ર મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત ન રહેતા ભારતના અનેક રાજ્યો સુધી પહોંચી ગયો છે.
લોકમાન્ય તિલક એક મહાન ગણિતશાસ્ત્રી પણ હતા. કદાચ એમણે સ્વરાજના કામમાં ન ઝંપલાવ્યું હોત અને માત્ર ગણિતનું કામ કર્યું હોત તો શક્ય છે કે તેઓ મોટા ગજાના ગણિતશાસ્ત્રી હોત એમાં બેમત નથી. ગણિત પ્રત્યેનો તેમનો પ્રેમ તેમનાં લખાણોમાં સ્પષ્ટ રીતે દેખાય છે એમણે ખગોળશાસ્ત્રના બે-ત્રણ ઉત્તમ પુસ્તકો પણ લખેલા છે.
દૂરદર્શન ઉપર લોકમાન્ય નામની એક સિરિયલ પણ બનેલી છે. જેને સિરિયલ જોવા માટે મારી ભલામણ છે. આ સીરિયલ યુ ટ્યુબ પરથી જોઈ શકાશે.
જીવન ચરિત્ર : લાલ બાલ અને પાલ ત્રિપુટીમાંના એક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું મેળવીને જ રહીશ, એવા શબ્દોને ભારતીયોમાં જાણીતા કરનાર સાર્વજનિક ગણેશોત્સવ અને શિવ જયંતિના પ્રેરક શિક્ષક, સ્વાતંત્ર સેનાની અને ગણિતજ્ઞ કેશવ ઉર્ફે બાલ ગંગાધર તિલકનો જન્મ 23 – 7 – 1856 ના રોજ થયો હતો. અંગ્રેજોથી આઝાદી મેળવવાના ભારતીય વલોપાત એ પ્રતીક હતા. ગાંધીજીએ તેમને અર્વાચીન ભારતના ઘડવૈયા કહ્યા હતા.
મુખ્ય વિષય ગણિત સાથે બી.એ. થયા પછી તેમણે એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી શાળામાં ગણિત શીખવ્યું. પછી પત્રકાર બની કેસરી અખબારનું પ્રકાશન કર્યું હતું. યુવા ભારતીયોના શિક્ષણ સુધારવા માટે તેમણે સ્થાપેલી ડેક્કન એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફર્ગ્યુસન કોલેજ આજે પણ કાર્યરત છે.
તે કોંગ્રેસ સાથે જોડાયેલી અંગ્રેજ સત્તા ભારતમાંથી ખતમ કરવાના હિમાયતી હતા. તેમના સમકાલીન મતવાદી ગોખલે કરતા તેઓ વધુ લોકપ્રિય હતા. ચાફેકર બંધુઓની તરફેણમાં લેખ લખવા બદલ તેમને 18 મહિનાની સજા થઈ હતી. તેઓ સ્વદેશીના હિમાયતી હતા. દેવનાગરી ભાષામાં લખાયેલી હિન્દીના તેઓ પ્રેરક હતા. તેમણે 1 – 8 – 1920 ના રોજ અંતિમ સ્વાસ લીધા હતા.
– કર્દમ ર. મોદી, M.Sc., M.Ed. પાટણ.