દીકરાના લગ્ન થવાના હતા ને લોકો માં ની કાન ભંભેરણી કરવા લાગ્યા, પછી જે થયું તે દરેકે સમજવાની જરૂર છે.

0
1095

દીકરી, વહુ, પત્ની અને માં ની જવાબદારીઓ નિભાવ્યા પછી હવે મારો સાસુ બનવાનો વારો છે. મારા દીકરાએ તેના માટે જીવનસાથી શોધી લીધી છે.

મેં વિચાર્યું હતું કે તેના માટે છોકરી હું શોધીશ. પણ પછી મેં મન વાળી લીધું કે, હું પણ તો તેને પસંદ આવે એવી જ છોકરી શોધવાની હતી ને? સારું છે તેણે જાતે જ પસંદ કરી લીધી, નહિ તો અમારા પાડોશી જેવી હાલત થઇ જાત જે પોતાના દીકરા માટે 3 વર્ષથી છોકરી શોધી રહ્યા છે પણ હજુ કાંઈ નક્કી થયું નથી.

જ્યારે મેં ખુશ્બુ (અમારી થનારી વહુ) ને પહેલી વખત જોઈ તો ઘણો આનંદ થયો કે, મારા દીકરાએ આટલી સારી છોકરી પસંદ કરી. પણ તે ખુશી થોડી વારમાં જ વિખેરાઈ ગઈ. મારી બહેને મારી વાત સાંભળતા જ કહ્યું, દીદી, સુંદર છોકરીઓ તો તેના રૂપ રંગના ઘમંડમાં જ રહે છે.

મેં કહ્યું નહિ નહિ તે ખુબ સંસ્કારી છે, ફેશન ડીઝાઈનીંગમાં તેને ઘણા મોટા મોટા કામ મળવા લાગ્યા છે. આટલું સાંભળતા જ બહેન બોલી, તો તો પછી દીદી તમને રસોડામાંથી ક્યારેય મુક્તિ નથી મળવાની.

ખુશ્બુને જોઇને જેટલી ખુશી થઇ હતી તે બહેનની વાતોથી ઠંડી પડી ગઈ. પછી શરુ થઇ લગ્નની શોપિંગ. મારો દીકરો જેણે ક્યારેય પોતાનો શર્ટ ખરીદ્યો ન હતો, તે ઘણી ઉમંગથી ખુશ્બુના કપડા ખરીદવા લાગ્યો. મને ઘણું સારું લાગ્યું, ચાલો જવાબદાર બની રહ્યો છે મારો દીકરો. પણ સાથે ગયેલી મારી દીકરીએ હસીને કહ્યું, જોયું મમ્મી, ભાઈ તો ક્યારેય આપણા માટે કપડા લેવા નથી આવ્યો અને હવે તો ભાભીના રંગ રૂપ સાથે મેચ કરી કરીને ડ્રેસીસ લઇ રહ્યો છે.

અચાનક જ મન ઉદાસ થઇ ગયું. દીકરી સાચું તો કહી રહી છે, જયારે પણ હું તેને શોપિંગ માટે કહેતી તો તે હંમેશા બહાના બનાવી દેતો હતો. હું શું કરીશ જઈને? મને નથી સમજાતું. કેટલો સમય લગાવો છો તમે લોકો. તે બધી વાતો સાંભળવાથી તો સારું હતું કે હું એકલી જ જતી રહેતી. અને જુવો તો ઓફિસમાંથી રજા લઈને કેવી રીતે ઉત્સાહ સાથે શોપિંગ કરી રહ્યો છે.

જે પણ સાંભળતા કે મારા દીકરાના લગ્ન થવાના છે, ત્યારે તેમની આંખો માં મારા માટે દયા મને સ્પષ્ટ જોવા મળતી. અને હવે તો આ રોજની વાત થઇ ગઈ. તે બધાની વાતો સાંભળી સાંભળીને મારા મનમાં ખુશ્બુ માટે પ્રેમથી વધુ નફરત ઘર કરવા લાગી. મને પણ હવે લાગવા લાગ્યું કે, વહુ મારા દીકરાને મારાથી દુર કરી દેશે.

તે વાતો હું કોઈને કહી પણ શકતી ન હતી, કેમ કે મનમાં તો એવું લાગતું હતું કે હું ખોટી છું. હવે તો લગ્નના માત્ર 2 દિવસ બાકી હતા. કામ તો એટલું બધું બાકી હતું કે મન જ થતું ન હતું કાંઈ કરવાનું.

સાંજે દીકરાએ આવીને જણાવ્યું, માં ખુશ્બુ ખુબ અપસેટ છે, મને કાંઈ જણાવતી નથી. તમારી સાથે વાત કરવા માંગે છે. મેં કહ્યું ઠીક છે.

હું તેને મળવા ગઈ. તેણે મારા ચરણ સ્પર્શ કર્યા પછી એક નાના બાળકની જેમ ભેટી પડી. ઘણી વાર સુધી આમ તેમની વાતો કર્યા પછી તે બોલી, મમ્મી હું ખુબ પરેશાન છું. જે પણ મળે છે તે મને ડરાવી જાય છે. તેઓ કહે છે સાસુ આમ કહેશે, સાસુ તેમ કહેશે. સાસુને આ વાત ગમશે, સાસુને તે વાત ગમશે. મને ખુબ ડર લાગી રહ્યો છે.

હું તો તમારી દીકરી બનીને તમારા ઘરે આવવા માંગુ છું. જયારે હું ભૂલ કરું તો તમે મને વઢજો. જયારે હું કાંઈક સારું કરું તો તમે ખુશ થઇ જજો. જે રીતે હું મારી માં ને દરેક વાત જણાવું છું, તેવી જ રીતે તમને પણ જણાવીશ.

મેં તેને આગળ કાંઈ પણ કહેવા ન દીધું. તેના હાથ પકડીને કહ્યું, દીકરી એવું જ થશે. ન તો તું મારી વહુ હોઈશ, ન તો હું તારી સાસુ. તું એક માં ના ઘરેથી બીજી માં પાસે આવી રહી છે. તે ફરીથી મને ભેટી પડી.

ઘરે પાછી આવતી વખતે હું વિચારી રહી હતી કે, જેવું મારી સાથે થઇ રહ્યું છે તે બધું ખુશ્બુ સાથે પણ થઇ રહ્યું છે. મારા દીકરાના જન્મ પછી જ મેં વિચારી રાખ્યુ હતું કે, મારી સાથે જે પણ ખોટું થયું હતું તે હું મારી વહુ સાથે નહિ કરું. પણ હું પણ તે રસ્તા ઉપર ચાલવા લાગી હતી.

આપણા હિતેચ્છુ અજાણતામાં જ પૂર્વાગ્રહથી ગ્રસ્ત થઇને પોતાની વિચારસરણી આપણી ઉપર ઠોપી દે છે. કોઈ પણ વહુ ઘર તોડવાનું વિચારીને લગ્ન નથી કરતી. અને ન તો કોઈ સાસુ પોતાની વહુને પરેશાન કરવાને જ પોતાના જીવનનો ધ્યેય સમજે છે.

આપણે પહેલાથી જ આપણી વિચારસરણી એવી બનાવી લઈએ છીએ કે, વહુ છે તો આમ જ કરશે, સાસુ છે તો આમ જ કરશે. પછી ગેરસમજણને કારણે જ તે બધી વાતો સાચી થઇ જાય છે. પણ મેં મારી જાતને અને ખુશ્બુને વચન આપ્યું છે કે, હું ગેરસમજણના કારણે આપણા આ વ્હાલા સંબંધને ખરાબ નહિ થવા દઉં.