દીકરા-વહુએ ભંગારમાં આપવા કાઢેલા વાસણોમાં પિત્તળની વાઢી જોઈ પિતા રડવા લાગ્યા, વાંચો હૃદયસ્પર્શી સ્ટોરી.

0
1402

લઘુકથા – વાઢી :

લેખક – મનુભાઈ પરમાર.

“દિવાળીના દિવસો નજીક આવતાં દર વર્ષે આ જ માથાકૂટ! નથી તો આ વાસણ વપરાતાં કે નથી કાણાં થતાં. ઘસી ઘસીને મારો દમ નીકળે છે. તમારે તો માત્ર તમાશા જ જોવા છે એટલે તમને શું વાંધો હોય?” તહેવાર નજીક આવતાં દીપિકાએ જૂનાં તાંબા પિત્તળનાં વાસણ માંજવા કાઢતાંની સાથે જ નવિનને ફરિયાદ કરવાની શરુઆત કરી. વિધુર પિતા વ્રજલાલ છાપું વાંચતાં વાંચતાં આ બધું સાંભળી રહ્યા હતા.

“તારાથી કામ પહોંચી વળાય તો કર. આ જૂનાં વાસણ ઘસાય તો ઠીક છે અને ના ઘસાય તો રહેવા દે. આપણે સમય મળ્યે એને કંસારા બજારમાં આપી આવી બદલામાં થોડાં નોનસ્ટીક્સ, કૂકર અને ડબ્બા લઈ આવીશું. આમેય એ ઘરમાં જગ્યા જ રોકે છે. તમારું શું કહેવું છે પપ્પા?” નવિન દીપિકાને રાજી કરવા બોલ્યો.

“આવાં વાસણ વાપરનારી તારી માઁ ને તો ભગવાને બોલાવી લીધી. હવે તમને જે ઠીક લાગે તે કરો. મારે આ વિષયમાં કશું કહેવા જેવું નથી.” વ્રજલાલે હા કે ના કહેવા કરતાં ન્યારા રહેવાનું વધારે પસંદ કર્યું.

ઘારણા મુજબ જ બીજે દિવસે ઘર વચ્ચે કેટલાંક વાસણોનો ઢગલો થઈ ગયો. દીપિકા લિસ્ટ બનાવી રહી હતી. કશું બાકી રહેતું નથી એવી ખાતરી કરવા નવિને દીપિકાને કહ્યું કે તે જરા લિસ્ટ વાંચી જાય. “તાંબાની તાસક, બે ડોયા, બે બેડાં, ત્રણ બુઝારાં, એક બોઘરણું, એક પિત્તળનો જગ, એક મોટી પવાલી અને એક પિત્તળની વાઢી. બોલો હવે બીજું કશું કાઢી નાખવા જેવું છે?” દીપિકાએ લિસ્ટ વાંચીને હવે વધુ કશું ભંગારમાં કાઢી નાખવા જેવું નથી એવી ખાતરી કરતાં કહ્યું.

નિર્લેપ ભાવે બધું જોતા સાંભળતા વ્રજલાલ અચાનક ઊભા થયા. વાસણના ઢગલામાંથી વાઢી લઈને એના ઉપરની ભાત્ય ચશ્માં પાછળની આંખો ઝીણી કરીને જોવા લાગ્યા. નવિને જોયું કે પપ્પા રડી રહ્યા હતા. નવિનને આશ્ચર્ય થતાં એણે કહ્યું, “પપ્પા, આ વાઢીમાં એવું તે શું છે કે આપ એને જોઈને રડો છો? એને ભંગારમાં આપવાની આપની ઈચ્છા ના હોય તો આપણે નથી આપવી.”

વ્રજલાલે જે આજ સુધી નહોતું કહ્યું એ નવિનને કહેવા માંડ્યું. “નવિન, તારી માઁ અંબિકા મોટા ઘરની દીકરી હતી. એના પિતાને સાઠ વીઘાં જમીન હતી. આપણાં ખેતર ખોરડાં તો એમની સામે કંઈ ના કહેવાય. મારા સસરા મને પ્રથમવાર જોવા આવ્યા ત્યારે બોલી ગયેલા કે મને આ છોકરો ગમ્યો. આ વાત એમના કુટુંબીજનોને નહીં ગમેલી. કારણ કે અમારું ઘર એમની બરોબરીનું નહોતું. અમે ખાધેપીધે સુખી પણ એમની જેમ ઘેર ઘી દૂધની છૂટ નહોતી.

કુટુંબીઓ એમને ટોણા મા રતાકે એને છોકરી પરણાવવા દ્યો. ત્યાં તો પિત્તળની વાઢીઓ ફરે છે. એ સાંભળીને મારા સસરા અને તારા નાનાએ કહેલું કે, હવે તો હું એ ઘેર જ દીકરી આપીશ. જો પિત્તળની વાઢી નહીં હોય તો હું લઈ આપીશ. અમારી સગાઈ તોડાવવા ઝઝૂમેલાં બધાં નિરાશ થયાં.

તારી માઁ સાથે મારાં લગન થયાં ત્યારે મારા સસરાએ મને આ વાઢી આપીને કહેલું કે, મારા ગામનું કૂતરું પણ જો આંગણે આવે અને એને જો ઘી પીરસો તો આ પિત્તળની વાઢીએ પીરસજો. એમાં જ મારી લાખ રૂપિયાની આબરૂ છે. આથી મેં એમના અને તારી માઁ ના જીવતાં ભીડ વેઠીને પણ એમનો બોલ પાળ્યો છે. મારાં સાસરિયાંને સદા આ વાઢીથી ઘી પીરસ્યું છે માટે આ વાઢી તો અમારી આબરૂનું પ્રતીક છે. એને વેચતાં મારો જીવ કપાય છે.”

નવિન સડક થઈ થયો. જે આંસુ પિતાની આંખોમાં હતાં તે હવે નવિનને સમજાયાં. એણે દીપિકાને કહ્યું, “આ બધાં વાસણ ભેગાં કરી પાછાં ભરી દે. આમાંથી એકપણ વાસણ આપણા જીવતાં વેચવાનું નથી.”

લેખક – મનુભાઈ પરમાર.

(સાભાર લાલા ભાઈ ભરવાડ મંગુદા, અમર કથાઓ ગ્રુપ)