દીકરા વહુના ઘર છોડ્યા પછી થયો સાસુને પોતાની ભૂલનો અનુભવ, વાંચો આખી સ્ટોરી.

0
2927

કમલેશની વાતો સાંભળીને કમલ કાકા અને તેમની પત્ની જાગૃતિ કાકી એકદમ સુન્ન થઈ ગયા. કારણ કે દીકરા કમલેશે વાત જ એવી કરી દીધી હતી.

સાંજે જયારે કમલેશ નોકરી પરથી ઘરે આવ્યો ને તરત જ મમ્મી-પપ્પાના રૂમ જઈને જણાવ્યું કે,

કમલેશ : જુઓ ને પપ્પા આ મારું અપોઇમેન્ટ લેટર છે. મને અહી કરતાં બે ગણા વધુ પગારે મુંબઈમાં નોકરી મળી ગઈ છે અને આ નોકરી સાથે બીજી ઘણી બધી ફેસીલીટી કંપની આપી રહી છે. મેં મારા ત્યાંનાં મિત્રોને જણાવી દીધું હતું કે એક રૂમ ભાડેથી લઈ લેજો, એટલે તેમએ સસ્તું અને સારું ઘર ભાડેથી લઈ લીધું છે અને મારે કાલે જ નીકળવું પડશે.

કમલ કાકાએ લેટર પર તારીખ જોઈ તો 10 દિવસ પહેલાંની હતી, તેઓ આ વિષે જ પૂછવાના જ હતા કે કમલેશ પાછો બોલવા લાગ્યો.

કમલેશ : ટ્રેનની ટિકિટ કંફર્મ થઇ ગઈ છે અને હા, પ્રિયા પણ મારી સાથે આવી રહી છે, કારણ કે રોજ રોજ બહારનું ખાવાથી ખર્ચો પણ વધે અને તબિયત પણ બગડી શકે છે એટલે તે સાથે હોય તો સારું.

કમલ કાકાને સમજાય રહ્યું નહોતું કે તેમનો દીકરો પરવાનગી માંગવા આવ્યો છે કે પોતાનો નિર્ણય જણાવવા.

કમલ કાકા : દીકરા અહીંની નોકરી પણ સારી છે, તને અહીં કોઈ તકલીફ છે? આપણું ઘર તો આપણું જ ઘર રહેવાનું, ખર્ચ પણ ઓછો થશે અને શાંતિથી રહેવાનું છે. જો તને કોઈ તકલીફ હોય તો મને જણાવ, હું તેનું નિવારણ લાવીશ.

કમલેશ : તમે ફક્ત મને અહી બાંધીને રાખવા માંગો છો, તમે મને આગળ વધવા જ દેવા માંગતા નથી.

કમલ કાકા : જો તું એવું વિચારતો હોય તો પછી તારી ઈચ્છા. તારે જે કરવું હોય તે કર અમે તારી દરેક વાતથી સહમત છીએ.

કમલેશ કોઈ જવાબ આપ્યા વિના જતો રહ્યો. કમલેશ અને તેની પત્ની પ્રિયા આખી રાત બેગ વગેરે પેક કરવામાં લાગ્યા રહ્યા અને બીજી બાજુ કમલ કાકા અને જાગૃતિ કાકીના આંસુ રોકાઈ રહ્યા નહોતા.

સવારે ચારેય જણા સ્ટેશન પર ગયા. કમલેશ અને તેમની પત્ની પ્રિયા ટ્રેનમાં બેસી ગયા અને કમલ કાકા અને જાગૃતિ કાકી ઘરે જવા માટે નીકળી પડ્યા. સ્ટેશનથી લઈને ઘર સુધી જાગૃતિ કાકી પોતાની વહુને જ દોષી માનતી હતી અને મનોમન તેને અપશબ્દો બોલતી હતી. ઘરે પહોંચ્યા તો પાડોસમાં રહેતા રમેશભાઈ મળ્યા. જાગૃતિ કાકીએ ફટાફટ સાડીના છેડાથી પોતાના આંસુ લૂછી લીધા.

રમેશભાઈ : મને ખબર છે ભાઈ, ઘણું ખરાબ લાગે છે જ્યારે જવાન દીકરો અને વહુ ઘરમાંથી નીકળી જાય.

કમલ કાકા : મને તે વાતનું દુઃખ નથી કે મારો દીકરો અને વહુ ઘર છોડીને જતા રહ્યા. પણ આજે મને ખબર પડી કે જયારે હું મારા માં બાપને ગામડે છોડીને આ શહેરમાં આવ્યો હતો ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે.

વહુને દોષી માનતી જાગૃતિ કાકી પણ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, આ દોષ બીજા કોઈનો નથી મારો જ છે. જો મેં પહેલા આ મોટી ભૂલ ન કરી હોત તો આજે મારે આ દિવસ જોવો ન પડ્યો હોત. કાલે જે જગ્યાએ મારા સાસુ હતા આજે એ જગ્યાએ હું છું.